આણંદ: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અઢી વર્ષ અગાઉ ત્રણેય સંસ્થા એટલે કે જીલ્લા તાલુકા અને પાલિકામાં વિજય પ્રાપ્ત કર્યો છે.અઢી વર્ષનું શાસન પુર્ણ થતાં ફરી એકવાર હવે આવી સંસ્થાઓના સુકાની એટલે કે પ્રમુખપદ ઉપપ્રમુખપદ સહીત વિવિધ સમિતિઓ હોદ્દાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવનાર છે . રોટેશન અધિનિયમ હેઠળ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ બિન અનામત સામાન્ય અંગેની જાહેરાત વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવી છે.જેના પગલે પ્રમુખપદ માટે થનગનતા સભ્યોના આંટાફેરા છેક ગાંધીનગર કમલમ્ સુધી વધી જશે તે નિશ્ચિત છે. સ્વરાજ્ય સંસ્થાઓમા સૌથી વધુ કશ્મકશ આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સર્જાય તેવી ચર્ચા રાજકીય મોરચે ઉઠી રહી છે.
આણંદ જિલ્લા પંચાયતની અઢી વર્ષ અગાઉ યોજાયેલી ચૂંટણીમાં કુલ ૪૨ બેઠકોની ચૂંટણીમાં ભાજપના કુલ ૩૫ સભ્યો વિજયી બનેલ છે. વર્તમાન સમયમાં જાહેર કરાયેલા રોટેશન અધિનિયમ મુજબ આણંદ જિલ્લામાં બિન અનામત સામાન્ય પ્રમુખપદે સક્ષમ અને શિક્ષિત સભ્યની નિમણૂક માટે ભાજપ કટીબધ્ધ છે. પરંતુ ભાજપના વિજયી સભ્યોની માહિતી સહીત સ્થાનિક સ્તરે, સામાજિક સ્તરે તેમજ રાજકીય ક્ષેત્રે કેટલું પ્રભુત્વ ધરાવે છે વગેરે બાબતો ધ્યાનમાં રાખીને ભાજપ આવનાર સમયમાં પ્રમુખપદ માટે નામ નિશ્ચિત કરશે.
હાલમાં તો આણંદ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ ચાલી રહી છે કે શિસ્તબધ્ધતાને વરેલી પાર્ટી પ્રમુખ પદ માટે કોઈ પણ એક જ નામ આવનાર સમયમાં નક્કી કરીને મોકલી આપશે. જેને ભાજપની પ્રદેશ ટીમ મંજૂરીની મહોર લગાવી દેશે.
ભાજપના મેન્ડેટ પર ચુંટાયેલ બિન અનામત સભ્યોમાંથી પ્રમુખ પદ માટે થનગનતા સભ્યોના નામોની યાદી બહુ લાંબી છે. પરંતુ આગામી સમયમાં ભાજપના મોવડીઓ તમામ જીલ્લા પંચાયત સભ્યો સાથે યોગ્ય વિચાર વિમર્શ કરીને નામ નિશ્ચિત કરશે. પરંતુ આણંદ જિલ્લા પંચાયતનું સુકાન સોંપવામાં ભાજપ કોને તાજ પહેરાવવામાં મન મનાવશે એતો આગામી દિવસોમાં જ જાણી શકાશે. હાલ પ્રમુખપદ માટે રાજકીય નેતાઓના શરણે જવાની પરંપરા શરૂ થઇ છે, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.