આણંદ: આણંદના નગરજનોની પાણીની સુવિધા માટે વર્ષો અગાઉ પાઈપો મોટા પાયે જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો હતો. પરંતુ આ પાઈપ નગરજનોની પાણી વિતરણ વ્યવસ્થામાં વાપરવાનું ચુકી જવાથી હાલમાં બિલકુલ ધૂળ ખાતી હાલતમાં કાટમાળમાં ફેરવાઈ ગયેલ છે. અને સરકારી ગ્રાન્ટથી મળવા પાત્ર પાણી વિતરણની યોજનાનું બાળ મરણ થઈ ગયું હોવાની બાબત હાલમાં ચર્ચાની એરણે ચઢી છે. આણંદ ટાઉન હોલ પાસે વિરાંજલી વન પાસેની જગ્યાએ પાણી વિતરણ માટેની હોર્સ પાઈપોનો જથ્થો મોટા પ્રમાણમાં ધૂળ ખાતી હાલતમાં કાટમાળમાં ફેરવાઇ ગયેલ છે. આ પાઇપોનો ઉપયોગ આણંદ શહેર સહિત આસપાસના સોસાયટી વિસ્તારમાં ટીપી સ્કીમ 8,9,10 હેઠળ પાણી વિતરણ વ્યવસ્થામાં વાપરવાની હતી. પરંતુ વર્ષો વિતી ગયા છતાં પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આણંદ નગરપાલિકા વિસ્તારમાં પાણીની સુવિધા માટે અમૃત યોજના હેઠળ દસ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ ધ્વારા સોસાયટી વિસ્તારોમાં પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ થાય તે અગાઉ જે તે વિસ્તારમાં વસવાટ કરતા નગરજનોએ પાણીની વહેલી સુવિધા મળી શકે તેવા હેતુસર સ્વ ખર્ચે પાઈપ લાઈન નાખી દીધી હતી. જેથી સરકારી ગ્રાન્ટથી ઉપલબ્ધ થયેલ પાઈપોનો જંગી જથ્થો હાલમાં પણ બિન ઉપયોગી પડી રહેલ છે. આણંદ શહેરમાં ચર્ચાતી વાતો અનુસાર માતબર રકમની સરકારી ગ્રાન્ટ ફાળવણી હાલમાં બિન ઉપયોગી છે પરંતુ વર્તમાન શાસકો દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય અને કાર્યવાહી કરી જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવી જોઈએ. જેથી પાણી વિતરણ વ્યવસ્થાથી વંચિત નગરજનોને પાણી સુવિધા સરળતાથી વહેલી તકે મળી શકે. પરંતુ ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા સત્તાધિશો પાણી બાબતે ગંભીર દેખાતા ન હોવાનો સુર ઉઠ્યો છે.
પાઈપ માટે રસ્તા ખોદવાનુ અને સમારકામ ખર્ચાળ હોવાથી કામ પડતું મુક્યું
આણંદ શહેરના ટાઉનહોલ પાસે વિરાજલી વન પાસેની જગ્યાએ બિન ઉપયોગી પડી રહેલ પાઈપોના જથ્થા મામલે આણંદ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું કે તત્કાલીન સમયે સોસાયટી વિસ્તારમાં પાઈપ નેટવર્ક માટે જથ્થો ઉપલબ્ધ કરાવાયો હતો. પરંતુ કામગીરી શરૂ થાય તે અગાઉ મોટાભાગના સોસાયટી વિસ્તારમાં નાગરિકોએ સ્વખર્ચે પાઈપ લાઈનો લગાવી દીધી હતી. ત્યારબાદ રોડ રસ્તા પણ બનાવી દેવામાં આવ્યા હતા. જેથી પાઈપ નેટવર્ક કામગીરી કરવામાં આવ્યું હોત તો દરેક વિસ્તારમાં ફરીથી ખોદકામ અને સમારકામ કરવું ઘણું જ ખર્ચાળ અને મુશ્કેલ હતું. જેથી આ પાઇપ જથ્થાનો ઉપયોગ કરી શકાયો નથી.