શું વાસુદેવ સ્માર્તનો પુનર્જન્મ શકય છે? આ પ્રશ્નનો સાદો ઉત્તર એ છે કે જેમના કાર્ય માટે તમને આદર હોય, જેમણે તેમના કાર્યથી આપણને ગૌરવ અપાવ્યું હોય, તેમના સમગ્ર વ્યકિતત્વમાં સઘન ભાવે ફરી પ્રવેશો તો તે તેમના પુનર્જન્મને જ આહ્વાહ છે. સુરતની જાણીતી ઓળખ ઉદ્યોગ – વ્યાપાર વડે છે પણ વાસુદેવ સ્માર્ત જેવા ‘ભારતીય કલાસૌંદર્યના ઉપાસક’ વડે એક ભિન્ન ઓળખ ઊભી થઇ. ચિત્રકળાનું કોઇ વાતાવરણ નહીં એવા સુરતના વાસુદેવ સ્માર્ત આજથી 75 વર્ષ પહેલાં મુંબઇની સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં જઇ ચિત્રકળાનું શિક્ષણ લે તે પણ મોટી ઘટના ગણાય. તેમના યૌવનપ્રવેશના વર્ષો તો દેશ સમગ્રમાં ચાલી રહેલી સ્વતંત્રતા આંદોલનની પ્રવૃત્તિના હતા.
આ કારણે જ તેમના વ્યકિતત્વમાં ગાંધીજી સદા હાજર રહ્યા અને બીજી તરફ ભારતીય કલાસૌંદર્યના ઉપાસક હોવાના કારણે જ દેશના અનેક યુવા ચિત્રકારો આધુનિકતા તરફ સક્રિય થયા ત્યારે પણ તેઓ ઉપેક્ષાના ભય વચ્ચે પણ પુરાતનતાના નૂતન ઉન્મેષથી કામ કરતા રહ્યા. પ્રથમ સુરતમાં જ કલાશિક્ષક રહ્યા પછી બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં વ્યાખ્યાતા અને પછી રીડર રહી અધ્યાપન, અધ્યયન અને ચિત્રકળા સર્જનમાં પ્રવૃત્ત રહ્યા. ભારતના પુરાતન સ્થાપત્યો, મંદિર, ગુફાઓમાં અનેક શૈલીમાં જે કળાવારસો શિલ્પ, અંકન રૂપે પથરાયો હતો તેના સંશોધન, અધ્યયન સાથે અનુકૃતિનું કામ આરંભ્યું.
આ બધું તો દેશના ખૂણે ખૂણે હતું અને એમનો કળાવારસાના સાચવણ માટે રઝળપાટ શરૂ થયો. એ સમય તો આધુનિક ચિત્રકળાના મહિમાનો હતો અને તેઓ તેની તાલીમ પામેલા પણ હતા પરંતુ તેમની કાર્ય પસંદગી જાણે વિદ્રોહ સમી હતી. વાસુદેવભાઇનાં કાર્યની એક ઓળખ વારાણસી, અમદાવાદ, લખનૌ, સુરતમાં તેમણે યોજેલા ચિત્રપ્રદર્શનોમાં છે તો બીજી ઓળખ મુંબઇ, દિલ્હી, ભોપાલ, લખનૌ, ગાંધીનગર, કાનપુરમાં સંઘરાયેલા તેમના ચિત્રોમાં છે તો ત્રીજી ઓળખ એ કેટલાક ગ્રંથો છે જેમાં ભારતના ભીંતચિત્રો, અલંકરણ, રેખાંકન, અનુકૃતિ અને તેના અધ્યયન સમાયાં છે.
હમણાં રમણિક ઝાપડિયા અને રાજર્ષિ સ્માર્તના સંપાદનમાં ‘ભારતીય કલાસૌંદર્યના ઉપાસક: શ્રી વાસુદેવ સ્માર્ત’ પુસ્તક કલાતીર્થ ટ્રસ્ટ વડે પ્રગટ થયું છે. સુરતમાં વાસુદેવ સ્માર્ત પ્રત્યે આદર ખરો પણ કોઇ સંસ્થા કે કલાપ્રવૃત્તિનું મહત્ત્વ સમજતા વ્યકિતએ વાસુદેવ સ્માર્ત વિશે ગ્રંથ આયોજન વિચાર્યું નહોતું. સુરતમાં કળાશિક્ષણ માટેની સંસ્થા હોય, કળા પ્રદર્શન માટેની ગેલેરી હોય તેવી ઝંખના પણ તેમણે સતત સક્રિય ભાવે સેવી. વારાણસી હતા ત્યારે પંડિત ઓમકારનાથ સાથે એક જ સંસ્થામાં રહી કળાસાધના કરનારા વાસુદેવ એ વિરલ વ્યકિત હતા કે રાષ્ટ્રનાં કોઇ પણ સ્થળેથી મોટા ચિત્રકાર કે સંગીતકાર કે કળાના અધ્યેતા પધારે તો વાસુદેવભાઇનું ઘર શોધી ગોષ્ઠિ કરવા જતા. આ વાસુદેવ સ્માર્ત કેવા હતા, તેમનું કાર્ય કેવું હતું તેનો જો સઘન પરિચય કેળવવો હોય તો આ સંપાદનનાં 375 પૃષ્ઠોમાંથી પસાર થવું જરૂરી છે.
આ સંપાદનની વિશેષતા એ છે કે વાસુદેવભાઇના કાર્ય, વ્યકિતત્વ વિશેના અંગત સ્પર્શ સાથેના લેખ સાથે અધ્યયન, નિરીક્ષાવાળા લેખ છે અને સાથે જ અઢળક રેખાંકનો સમાવાયા છે. આ બધું ઉપરાંત એવા અનેક ફોટોગ્રાફસ છે જેમાં વાસુદેવભાઇની જુદા જુદા સમયની છબિ ઝીલાયેલી છે. સંપાદકોએ આ ગ્રંથની સામગ્રીને 7 ખંડમાં વિભાજીત કરી છે અને તેમાં ‘શબ્દ સૌરભ’ નામના ખંડમાં વાસુદેવ સ્માર્તે લખેલા 10 લેખો સમાવાયા છે. ‘સ્મરણ સુરભિ’ હેઠળના ખંડમાં રવિશંકર રાવળ, વિજયશીલ ચન્દ્રસૂરિ, ભગવતીકુમાર શર્મા, જોરાવરસિંહ જાદવ, અનિલ રેલિયા, નટુ પરીખ, હિમાંશી શેલત, જયદેવ શુકલ, પ્રતાપસિંહ જાડેજા, જગદીપ સ્માર્ત, કૃષ્ણપ્રિયા સ્માર્ત, તુષાર ભટ્ટ, લલિતા સુબ્રમણ્યમ, ડો. સુરેશવ્રત રાય ઉપરાંત બે ઇન્ટરવ્યૂ છે.
નિસર્ગ આહીર જેવા કળાના અભ્યાસીએ વાસુદેવ સ્માર્તના 5 ગ્રંથો વિશે ઉલટભેર લખ્યું છે. એવું કહી શકાય કે વાસુદેવ સ્માર્તની કાર્યછબિ, પ્રતિભા-રૂપ અહીં સમગ્રતયા ઝીલાયું છે. વાસુદેવ સ્માર્તનો આ ગ્રંથ જેની પાસે હશે તે ગૌરવનો ભાવ અનુભવશે અને એક કળાકાર – સંશોધક ભારતીય કળાનું અવગાહન કેવી રીતે કરી શકે તેની આત્મપ્રતીતિથી આદર પ્રગટ કરશે. વાસુદેવ સ્માર્ત ગાંધીજી પ્રત્યે પૂરો આદર ધરાવતા હતા અને તેમના કળારસને અને કળાની વિભાવનાને ઘડવામાં – પોષવામાં તો મહાકવિ કાલિદાસનો ય એટલો જ ફાળો જેટલો જગન્નાથ અહિરવાસીનો. હકીકતે અનેક જ્ઞાત – અજ્ઞાત કળાકારો તેમને આહ્વાન કરતા રહ્યા જે શિલ્પોમાં, ભીંતચિત્રોમાં, મંદિર ગવાક્ષોમાં પરંપરા સર્જી બેઠા હતા.
ભારતીયતાની આ નિજી રીતિનું તેમણે પશ્ચિમ પ્રભાવી આધુનિકતાથી વિશેષ ગૌરવ કર્યું. ઘરની બહાર નીકળે એટલે થેલામાં સ્કેચબુક હોય જ અને તે તો છેલ્લે ‘સૂર્યગ્રહણ’ નામના ચિત્રમાં પણ જણાશે. તેઓ ચિત્રકળા માટે અદમ્યવૃત્તિ ધરાવતા હતા. સતત બેચેન, સતત ઉદ્વેગથી ભરેલા. પ્રવૃત્તિ વિના તેઓ અજંપ રહેતા. હિમાંશીબેને તેમના લેખના આરંભે, ‘આ કાળખંડમાં આવાં છલકાતાં, ઉભરાતાં વ્યકિતત્વો દુર્લભ થતાં જાય છે’ એવું લખ્યું છે તે સાચે જ સાચું છે. તેમણે અંગત સ્મૃતિછબિની સમાંતરે કેટલાંક કૃતિવૈશિષ્ટને નોંધતા લખ્યું છે, ‘ચિત્રસંયોજનની એમની ઊંડી સૂઝ અને શકિત ‘પુષ્પવાટિકા’, ‘રામસીતા વિવાહ’ કે ‘મેઘદૂત’ જેવાં ચિત્રોમાં ઉપસી આવે છે.
તેમણે ‘નવરસદર્શન’, ‘કામદહન’, ‘વસંત’, ‘ગરબા’, ‘પતંગબજાર’ અને બીજા ચિત્રોની ય સભર નોંધ કરી છે. જયદેવ શુકલ કળામર્મજ્ઞએ જીવનભારતીમાં વાસુદેવકાકા ચિત્રગુરુ હતા તેના સ્મરણો સાથે નોંધ્યું છે, ‘વાસુદેવભાઇની રેખાઓનું લાલિત્ય અને સામર્થ્ય, એમના કંપોઝિશન્સ, વિગતોનું સુશોભનપૂર્ણ છતાંય સૂઝપૂર્વકનું આલેખન, રંગવિન્યાસ આદિને કેન્દ્રમાં રાખી તેમનું મૂલ્યાંકન થવું બાકી છે! આવું તમને આખા ગ્રંથમાં પમાશે ને વાસુદેવ સ્માર્તની સ્મૃતિથી મન છલકાશે.
આ દશેરાના દિવસે, 5 ઓકટોબરની સાંજે 5 વાગ્યે જીવનભારતી – રંગભવનમાં તેમના વિશેના આ સંપાદિત ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો છે. અનિલ રેલિયા જેવા કળાકાર, કળા સંગ્રાહક, સેરીગ્રાફર અને કળારસિક, અધ્યયનશીલવૃત્તિ ધરાવતા સુરતના પોલીસ કમિશનર અજય તોમર, સૌરાષ્ટ્ર સેવા સમાજ, સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ થશે. સુરત તેમના આ વિરલ કલાસાધકને સ્મરણ – આદર આપશે. કલાતીર્થ ટ્રસ્ટ અને જીવનભારતી મંડળ, સુરતે યોજેલા આ સમારોહમાં સહુ કળારસિકો, વાસુદેવ સ્માર્તના ચાહકો ઉમટી પડે તેમાં જ એમના પ્રત્યેની સ્મૃતિનું ય ગૌરવ છે. વાસુદેવ સ્માર્ત તમારી રાહ જુએ છે. જગદીપ સ્માર્ત ત્યાં જ તમને મળી આવશે. જે આપણા છે તે તો કયાંય જતા નથી.