Madhya Gujarat

ડાકોરમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. આ મંદિરમાં પુનમ ભરવાનો અનેરો મહિમા છે. મંદિરમાં પુનમ ભરવાથી અનેક શ્રધ્ધાળુઓના અટકેલાં કામો પાર પડ્યાં છે. જેથી જ મંદિરમાં દર મહિનાની પુનમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. એમાંય વળી ખાસ કરીને ફાગણી પુનમનું વિશેષ મહત્વ રહેલું છે. જેથી ફાગણી પુનમ નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં ભવ્ય મેળો ભરાય છે. જે અંતર્ગત આ વખતે પણ ફાગણી પુનમ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો હતો.

દરમિયાન અગિયારસથી જ ડાકોરમાં શ્રધ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું હતું. છેલ્લાં પાંચ દિવસથી ડાકોરના રાજમાર્ગો શ્રધ્ધાળુઓથી છલકાઈ રહ્યાં છે. તારીખ 7 મી માર્ચને મંગળવારના રોજ ફાગણ સુદ પુનમના દિવસે વહેલી સવારે મંગળા આરતીથી જ મંદિરમાં શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો સર્જાયો હતો. મોડી સાંજે મંદિર બંધ થતાં સુધી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. ચોતરફ ભક્તિનો રંગ છલકાયો હતો અને શ્રધ્ધાળુઓના જય રણછોડ…માખણચોર જયનાદથી મંદિર પરિસર તેમજ નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી. સમગ્ર દિવસ દરમિયાન અંદાજે અઢી લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમના મેળામાં ખેડા-આણંદ જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી બે હજાર કરતાં વધુ પોલીસ જવાનોની જમવાની વ્યવસ્થા માટે બસસ્ટેન્ડ નજીક આવેલ શ્રી સંસ્થાન હાઈસ્કુલના મેદાનમાં મંડપ બાંધવામાં આવ્યો હતો.

આજે દોલોત્સવ
તારીખ 8 મી માર્ચને બુધવારના રોજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દોલોત્સવની ધામધુમથી ઉજવણી કરાશે. પરંપરા મુજબ આસોપાલવથી સુશોભિત હિંળોડામાં શ્રીજીને ઝુલાવશે. દરમિયાન મંદિરના ઘુમ્મટમાં સતત અબીલ-ગુલાલની છોળ ઉડાવવામાં આવશે. દરમિયાન હજારો શ્રધ્ધાળુઓ ભગવાન સંગ રંગાઈને ધુળેટી રમવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવશે.

જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર તરફથી મંદિરમાં ધજા ચઢાવવામાં આવી
ફાગણી પુનમના દિવસે શ્રી રણછોડરાયજી મંદિરના શિખર પર સૌપ્રથમ ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્રની ધજા ચઢાવવાની પરંપરા છે. જે મુજબ આ વર્ષે પણ વહેલી સવારે મંગળા આરતી બાદ મંદિર પરિસરમાં ધજાપુજા કર્યાં બાદ, વહીવટીતંત્ર અને પોલીસતંત્રની સંયુક્ત ધજા મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવી હતી. દરસાલ વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા અલગ-અલગ ધજા ચઢાવવામાં આવતી હતી. પરંતુ, પોલીસતંત્ર એ વહીવટીતંત્રનો જ એક ભાગ હોવાનું માની આ વખતે બંને તંત્રએ સંયુક્ત રીતે એક જ ધજા ચઢાવી હતી.

મંદિરના દ્વાર સુધી ગાયો પહોંચી જતાં અફરાતફરી મચી
ડાકોરના ફાગણી પુનમના મેળાને અનુલક્ષીને તંત્ર દ્વારા એક મહિના અગાઉથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તેમછતાં મેળા દરમિયાન તંત્રની ઘોર બેદરાકારીઓ ઉડીને આંખે વળગતી હતી. પાલિકાના નઘરોળ તંત્રએ નગરમાં ફરતી ગાયોને પાંજરે પુરવામાં બેદરકારી દાખવી હતી. જેને પગલે લાખો શ્રધ્ધાળુઓની ભીડ વચ્ચે ગાયો ફરતી જોવા મળી હતી. ચૌદશની સાંજે તો મંદિરના બહાર નીકળવાના દ્વાર પાસે જ ગાયોએ અડીંગો જમાવી દીધો હતો. જેને પગલે શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડતી હતી. ગાયો શીંગડે ચઢાવશે તેવો ડર દરેક શ્રધ્ધાળુઓના મનમાં સતાવી રહ્યો હતો. પરંતુ, ગાયોએ કોઈને નુકશાન પહોંચાડ્યું ન હતું.

તંત્રની ઘોર બેદરકારી – મેળા દરમિયાન મુખ્ય માર્ગો પર ઘોર અંધારપટ છવાયો
યાત્રાધામ ડાકોરમાં ભ્રષ્ટ તંત્રના વાંકે છેલ્લાં બે વર્ષથી નગરજનો તેમજ યાત્રાળુઓ અંધારપટની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જોકે, આ વખતે ફાગણી પુનમના મેળાને અનુલક્ષીને તંત્ર દ્વારા નગરની બંધ પડેલી સ્ટ્રીટલાઈટો ચાલુ કરી, અંધારપટ દૂર કરવામાં આવ્યો હતો. બીજીબાજુ મેળા દરમિયાન અવિરત વીજપુરવઠો ચાલુ રહે તે માટે વીજતંત્રની ટીમ પણ છેલ્લાં પંદરેક દિવસથી કામે લાગી હતી. સવારથી લઈ સાંજ સુધી વીજપુરવઠો બંધ રાખી વીજતંત્રની ટીમ વીજલાઈનનું મરામત કરતી હતી. તેમછતાં ફાગણી પુનમના આગલા દિવસે સાંજે જ વડાબજાર, નવી નગરપાલિકા, પુનિતમાર્ગ સહિતના મુખ્ય માર્ગ પરની લાઈટો ડુલ થઈ ગઈ હતી. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત સહિતના ગામોમાંથી આવેલાં તમામ પદયાત્રીકો અને શ્રધ્ધાળુઓને આ જ માર્ગ પર થઈને જ મંદિર જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આ મુખ્ય માર્ગ પર જ ઘોર અંધારપટ છવાઈ જવાથી હજારો શ્રધ્ધાળુઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top