નવી દિલ્હી: AI ચેટબોટ્સ લોકોની નોકરીઓ માટે જોખમ ઊભું કરશે, એ ડર હવે સાચો પડી રહ્યો છે. ભારતની એક કંપનીએ તેના 90 ટકા સપોર્ટ સ્ટાફની છટણી કરી છે. આ કંપનીએ સપોર્ટ સ્ટાફને બદલે હવે AI ચેટબોટ્સ પાસે કામ લેવાનું શરૂ કર્યું છે. જે હવે ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપે છે. કંપનીના સ્થાપક અને સીઈઓએ પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે.
ઈ-કોમર્સ (ECommerce) સેક્ટરની સ્ટાર્ટઅપ (Startup) કંપની ‘દુકાન’ (Dukaan) એ તેના 90 ટકા કર્મચારીઓને કાઢી નાખ્યા છે અને તેમની જગ્યાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ્સ લગાવ્યા છે. મંગળવારે આ માહિતી આપતાં સ્ટાર્ટઅપ કંપનીના સ્થાપક અને સીઈઓ સુમિત શાહે જણાવ્યું હતું કે નફાને પ્રાથમિકતા આપતા કર્મચારીઓને બદલે AI ચેટબોટની સેવાઓ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દુકાન એ એક DIY પ્લેટફોર્મ છે જે દુકાનદારોને તેમનો ઈ-કોમર્સ સ્ટોર ખોલવામાં મદદ કરે છે જેમને પ્રોગ્રામિંગનો કોઈ અનુભવ નથી. કંપનીના સ્થાપક અને સીઈઓ સુમિત શાહે ટ્વિટર પર છટણી અંગે માહિતી આપી હતી. પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેમણે એમ પણ લખ્યું કે AI ના લીધે ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવા માટે લાગતો સમય 2 કલાક 13 મિનિટથી ઘટીને 3 મિનિટ 12 સેકન્ડ થઈ ગયો છે.
છટણી અંગેના તેમના ટ્વીટમાં સુમિત શાહે માત્ર તેમના નફા અને કામ વિશે લખ્યું હતું. તેમના ટ્વીટમાં 90 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો કોઈ અફસોસ નહોતો. માત્ર લાભની ખુશી જ દેખાઈ રહી હતી. સુમિત શાહે લખ્યું, “અમે અમારી સપોર્ટ ટીમમાંથી 90 ટકા છટણી કરવી પડી. નિર્ણય મુશ્કેલ હતો પણ જરૂરી પણ હતો. પહેલા રિસ્પોન્સ આપવામાં 1 મિનિટ 44 સેકન્ડનો સમય લાગતો હતો. હવે તે તરત જ થાય છે. રિઝોલ્યુશનનો સમય 2 કલાક 13 મિનિટથી ઘટીને 2 મિનિટ 12 સેકન્ડ થઈ ગયો છે અને ગ્રાહક સપોર્ટની કિંમત 85 ટકા ઘટી ગઈ છે.
આ ટ્વીટ પર જ્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમને કોઈ સહાય આપવામાં આવી છે? આ અંગે સુમિતે લખ્યું, “હું જાણતો હતો કે કોઈને કોઈ બીજા માટે દુ:ખ વ્યક્ત કરવા આવશે. જુઓ જ્યારે હું LinkedIn પર સહાયતા વિશે પોસ્ટ કરું છું, અહીં Twitter પર લોકોને સહાનુભૂતિ નહીં પણ લાભો દેખાય છે. અને હા, તે એક મુશ્કેલ નિર્ણય હતો.”