સુરત : ઉમરા (Umara) પોલીસની હદમાં ગત 22મી તારીખે સાંજે પોણા કલાકની અંદર અલગ અલગ જગ્યા પર બે વિદ્યાર્થિની અને એક આધેડ મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનના સ્નેચિંગનો (Snatching) બનાવ સામે આવ્યો હતો. આ ઘટના બાદ ઉમરા પોલીસની ટીમે બે સ્નેચરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચરો (Chain snatching) ફરીથી સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને ઉમરા, ખટોદરા, અડાજણ પોલીસની હદમાં સ્નેચિંગના સૌથી વધારે બનાવો બનતા હોય છે. ઉમરા પોલીસની હદમાં ગત 22મી તારીખે પોણા કલાકમાં મોબાઈલ સ્નેચિંગના ત્રણ બનાવો બનતા ઉમરા પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી.
સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.એલ.ધણગણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે 22મી તારીખે બે જણા તંબુ કેનાલથી જી.ડી. ગોયન્કા રોડ પર રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરવા માટે નીકળ્યા છે. પોલીસે વોચ ગોઠવીને બંને સ્નેચરોનો તંબુ કેનાલથી પીછો કરી ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા. બંને સ્નેચરોના નામ પુછતા સુરજ ઉર્ફે સીટીલાઇટ બલ્લુસીગ રાજપુત (રહે. રૂમ નં-૪૨૦ પુનીતનગર, પાંડેસરા તથા મુળ પ્રતાપગઢ, ઉતરપ્રદેશ) તથા બીજો બાળ આરોપી હોવાની કબુલાત કરી હતી. તેમના ઘરે તપાસ કરતા પોલીસને તેમના ઘરેથી કુલ સાત મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોપેડ પર હતા ત્યારે હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ
પીપલોદ ખાતે પ્રસિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતી 55 વર્ષીય આધેડ મહિલા મનિષાબેન અશેષભાઇ શાહ ગત 22 તારીખે સાંજે પીપલોદ લક્ષ્મી બંગલાની સામે, બેંક ઓફ ઇન્ડીયાની ગલીમાંથી એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા. ત્યારે એક પલ્સર બાઈક ઉપર આવેલા બે અજાણ્યા સ્નેચરોએ એક્ટિવા ગાડીની એકદમ નજીકમાં આવી ગયા હતા. અને પાછળ બેસેલા સ્નેચરે હાથમાંથી મોબાઈલ ખેંચી નાસી ગયા હતા.
રીબાઉન્સ ગેમ ઝોન પાસેથી વિદ્યાર્થિનીનું પર્સ ખેંચી ગયા
વેસુ ખાતે સુમનસાગર એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય નિલિમાબેન બ્રિજેશભાઇ રાણા અભ્યાસ કરે છે. ગત 22 તારીખે સાંજે વેસુ રીબાઉન્સ ગેમ ઝોનની સામે, ગ્રીન સિગ્નેચરની બાજુમાં ચાલતી જઈ રહી હતી. તેની પાસે ખભામાં પર્સ હતું. ત્યારે બે અજાણ્યા બાઈક લઈને નજીક આવ્યા અને પાછળ બેસેલા વ્યક્તિએ ખભામાં ભેરવેલું પર્સ ખેંચી નાસી ગયા હતા. પર્સમાં મોબાઈલ ફોન હતો. તેમજ વિદ્યાર્થિનીનું આધારકાર્ડ, અભ્યાસ માટેની બુક્સ પણ હતી.
વી.આર.મોલની પાસે રાહદારી મહિલા પાસેથી બાઇક પર આવેલા બે જણા મોબાઈલ ખેંચી ગયા
વેસુ સુમનસાગર એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષીય મનિષાબેન અવધુતભાઇ નિકમ અભ્યાસ કરે છે. ગત 22 તારીખે સાંજે વી.આર.મોલની બાજુમાં આવેલા રસ્તા પરથી ચાલતી જતી હતી. ત્યારે બાઈક પર આવેલા બે જણાએ બાઈક નજીક લાવી પાછળ બેસેલા સ્નેચરે તેના હાથમાંથી મોબાઈલ ખેંચી નાસી ગયા હતા.