નવી દિલ્હી : યુક્રેનમાં (Ukraine) કેટલાક ભારતીય (Indian) હજી ફસાયેલા છે જેમને બચાવવાના પ્રયત્ન ભારતની સરકાર કરી રહી છે. આ અંગે ભારત, યુક્રેન અને રશિયા (Russia) વચ્ચે સતત વાતચીતના પ્રયાસથી ભારતીયોને પોલેન્ડ બોર્ડર (Border) સુધીના લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે 4 સ્પેશિયલ પ્લેનની મદદથી ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. તો બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. યુક્રેન રેલવેએ કીવથી ઈમરજન્સી ટ્રેનો (emergency train) ચલાવવાનો નિર્ણય લીધો છે. તેમજ એનઆરઆઈને પશ્ચિમી વિસ્તારોમાં જવાની પણ છૂટ આપવામાં આવી છે.
યુક્રેનની રાજધાની કીવ પર રશિયાના સૈનિકોએ ઘેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. રશિયન સૈન્ય દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસ સૂત્રો દ્વારા કહેવમાં આવ્યુ હતું કે ભારતીય લોકો પોતાની ગાડી કે ઘર પર પોતાનો ધ્વજ લગાવશે તો તેમને રશિયન સૈન્ય જવા દેશે. ભારતીય વિદ્યાર્થીઓને પણ સલાહ આપવામાં આવી હતી કે બેગ પર રાષ્ટ્રધ્વજ લગવવામાં આવશે તો યુક્રેન કે રશિયા કોઈનું પણ લશ્કર રોકશે નહીં.
પોલેન્ડ વિઝા વિના યુક્રેન છોડતા ભારતીય
ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવસ્કીએ કહ્યું છે કે માનવતાવાદી તરીકે પોલેન્ડ હવે રશિયન હુમલાઓથી બચવા માટે યુક્રેન છોડી રહેલા વિદ્યાર્થીઓને વિઝા વિના પ્રવેશની મંજૂરી આપશે. હાલ એક અહેવાલ મુજબ ભારતી વિદ્યાર્થીઓને પોલેન્ડની બોર્ડર પર જ રોકી દેવામાં આવ્યા હતા. તેમજ યુક્રેનના સૈનિકોએ ધમકી આપતા કહ્યું કે ભારતે અમારી મદદ નથી કરી તેથી તમે હવે અમે તેમને નહીં જવા દઈએ. એક માહિતી અનુસાર યુક્રેનના સૈનિકોએ ભારતના વિદ્યાર્થીઓને ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું હતું.
યુક્રેનના સંરક્ષણ પ્રધાન હેન્ના મલ્યારે દાવો કર્યો છે કે હુમલા દરમિયાન રશિયાએ અત્યાર સુધીમાં લગભગ 4,300 સૈનિકો ગુમાવ્યા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ સંખ્યાની હજુ પુષ્ટિ થઈ નથી. હેન્નાએ કહ્યું કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર ગુમાવ્યા છે. યુક્રેન મુદ્દે યુએનએસસીની બેઠક યોજાઈ હતી. યુક્રેન પર રશિયાના હુમલાને લઈને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વધુ એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ભારતીય સમય અનુસાર આ વિશેષ સત્ર રવિવારે બપોરે 1.30 કલાકે યોજાશે. યુક્રેન સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ચર્ચા થવી જોઈએ કે કેમ તે અંગે આ સત્રમાં મતદાન થશે.
યુક્રેનમાં બજારો લૂંટાયા
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની અસર યુક્રેન પર ઝડપથી પડી રહી છે. આલમ એ છે કે અનેક જગ્યાએ બજારોમાં લૂંટફાટ થઈ છે. લોકો પાસે ખાવાપીવાની સામગ્રી સમાપ્ત થઈ ગઈ છે. એટલું જ નહીં ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે બંકરોમાં પણ બેસવાની જગ્યા નથી.