સુરત: શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં બે બનાવોમાં બે વ્યકિતઓના હાર્ટ એટેકથી (Heart Attack) મોત (Death) નિપજ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા 37 વર્ષિય એમ્બ્રોઈડરી ખાતેદારને, જ્યારે ડિંડોલીમાં 51 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવ્યો હતો.
- 37 વર્ષીય એમ્બ્રોઈડરી કારખાનેદારને ઓફિસમાં છાતીમાં દુખાવો થયો, સારવાર મળે તે પૂર્વે જ મોત
- 51 વર્ષીય રાજસ્થાની આધેડ ઘરે એકલા હતાં, ફોન નહીં ઉઠાવતાં મિત્ર જોવા ગયા તો બેહોંશ હતાં
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ સૌરાષ્ટ્રનાં (Saurashtra) વતની અને હાલમાં મોટા વરાછા ખાતે રિવેરા બંગલોમાં રહેતા નિલેશભાઈ સવજીભાઈ માંગુકિયા (37 વર્ષ), જગદીશ નગર-1 મોટા વરાછામાં એમ્બ્રોઈડરીનું (Embroidery) ખાતું ધરાવે છે. નિલેશભાઈ સોમવારે બપોરે પોતાની ઓફિસમાં હતાં તે દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો. જેથી નિલેશભાઈને સારવાર માટે નજીકના દવાખાનામાં લઈ જવાયા હતા. જ્યાં નિલેશભાઈ બેહોશ થઈ ગયા હતા. જેથી નિલેશભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તબીબોએ નિલેશભાઈને મૃત જાહેર કર્યા હતાં.
નિલેશભાઈના મોતથી એક અને પાંચ વર્ષના બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાર્ટ એટેક આવ્યો હોવાની સંભાવના ડોક્ટરોએ જણાવી હતી, જો કે સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડશે.
તેવી જ રીતે જગદીશભાઈ દેવાંગજી પાટીદાર (51 વર્ષ) મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની હતાં અને શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ ડિંડોલીમાં એકલા રહેતા હતા. જગદીશભાઈનો પરિવાર વતનમાં રહે છે. જગદીશભાઈ ઉધનામાં ભાટીયા કંપનીમાં કલર કેમિસ્ટ તરીકે કામ કરતા હતા.
તેમને સોમવારે સવારે 9 વાગ્યાના સુમારે તેમની કંપનીના મિત્રએ ફોન કર્યો હતો. પણ જગદીશભાઈએ ફોન રિસિવ નહીં કરતા તેમનો મિત્રએ ઘરે જઇને તપાસ કરતાં જગદીશભાઈ બેહોશ હાલતમાં મળી આવતાં, તેમને સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંના હાજર તબીબોએ જગદીશભાઈને મૃત જાહેર કર્યા હતાં. જગદીશભાઈનું મોત હાર્ટએટેકથી થયું હોય તેવું ડીંડોલી પોલીસના તપાસ કરતા પોલીસકર્મીએ જણાવ્યું હતું.