નડિયાદ: ઠાસરા પોલીસે અમુલ ડેરી દ્વારા વેટરનરી ડોક્ટરને વિઝીટ માટે ફાળવવામાં આવેલી ગાડીમાં ચાલતાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાસ કર્યો છે. ઠાસરાના વિઠ્ઠલપુરા નજીક પોલીસે અમુલની ગાડી રોકી તેમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે સૈયાંત ગામના બે શખ્સોની અટકાયત કરી હતી. ડાકોરમાં રહેતાં રાજુ નામના શખ્સે તેના મળતીયાઓ મારફતે કમિશનથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો અમુલના વેટરનરી ડોક્ટરને વિઝીટ માટે ફાળવેલી કારમાં ભરી બાલાસિનોર તરફથી ઠાસરા તાલુકાના સૈયાંત ગામે લઈ જવાતો હોવાની બાતમી ઠાસરા પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે મંગળવારના રોજ રાત્રીના સમયે ઠાસરા તાલુકાના રવાલીયાથી ચેતરસુંબા તરફના માર્ગ પર આવેલ વિઠ્ઠલપુરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી અમુલ વેટરનરી ડોક્ટરને વિઝીટ માટે ફાળવેલી બોલેરો ગાડી નં જીજે 07 ટીયુ 1839 આવતાં પોલીસે તેને રોકી હતી અને તેના ચાલક દક્ષપાલસિંહ ઉર્ફે મહિપાલ વનરાજસિંહ ચાવડા તેમજ ગાડીમાં સવાર અર્જુન ઉર્ફે કાળો પ્રભાતસિંહ સોલંકી (બંને રહે.સૈયાંત, તા.ઠાસરા) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના 227 નંગ ક્વાર્ટરીયા મળી આવ્યાં હતાં. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.22,700, એક મોબાઈલ કિંમત રૂ.5000 તેમજ ગાડી કિંમત રૂ.2,00,000 મળી કુલ રૂ.2,27,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલાં બંને શખ્સો ઉપરાંત કમિશનથી દારૂ મંગાવી આપનાર રાજુ સામે ગુનો નોંધ્યો હતો.