બગસરા: અમરેલી જિલ્લામાં (Amreli District) વન્યપ્રાણીઓના (Wild Animals) હુમલાઓ યથાવત રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. જાફરાબાદના સરોડવા ગામે દીપડાએ (Panther) મહિલાને ફાડી ખાધાની ઘટના બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહ-દીપડાના હુમલામાં વધારો થયો છે.
- જાફરાબાદના સરડવા ગામે દીપડાએ મહિલાને ફાડી ખાતાં ફફડાટ
- માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની કવાયત
- અમરેલી જિલ્લામાં રાની પશુઓના હુમલા યથાવત્
વન્યપ્રાણીઓ હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોવાથી હવે પશુઓની સાથે માનવી પર હુમલાઓ થઈ રહ્યા છે. વન્ય પ્રાણીઓના માનવી પરના હુમલા રોકવામાં વનખાતું સદંતર નિષ્ફળ રહ્યું છે. તાજેતરમાં જ લીલીયા અને સાવરકુંડલા પંથકમાં સિંહ-દીપડાએ બે માસૂમ બાળકોને ફાડી ખાધાં હતાં. ત્યાં ગત વહેલી સવારે જાફરાબાદના સરોડવા ગામે ઝૂપડાં બહાર સૂતેલી ૬૭ વર્ષીય મોંઘીબેન બારૈયા પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. આ ઘટનાની જાણ થતાં શેત્રુંજી રેન્જનો વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દીપડાએ મહિલાને મોતને ઘાટ ઉતારી દેતાં જાફરાબાદ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે કવાયત હાથ ધરી ડીસીએફ જયમીન પટેલે જણાવ્યું હતું.