ભરૂચ: આમોદ (Amode) તાલુકાના શ્રીકોઠી ગામે શનિવારના રોજ વહેલી સવારે ગામમાં મહાકાય (Giant) મગર (Crocodile) આવી ચઢતાં ગ્રામજનોના ફફડાટ વ્યાપી ગયો હતો. સવારના સમયે રહેણાક વિસ્તારમાં જ્યાં પશુ બાંધેલાં હતાં ત્યાં નજીકમાં ૧૨ ફૂટ લાંબો મગર જોતાં પશુઓએ પણ ઘોંઘાટ કરી મૂક્યો હતો. જેના પગલે આજુબાજુના પશુપાલકો જાગી ગયા હતા અને થોડીવારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ તુરંત આમોદ વનવિભાગરેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. તાબડતોબ દોડી આવેલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની ટીમ સાથે શ્રીકોઠી ગામે પહોંચી રહેણાક વિસ્તારમાં ફરતા વિશાળકાય મગરને જહેમતને અંતે સલામત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. મગરને જોવા આસપાસના લોકો ઊમટ્યા હતા.
ચીખલીના જોગવાડમાં રાત્રે દીપડાના બચ્ચા દેખાયા અને સવારે ગાયબ
ઘેજ: ચીખલી તાલુકામાં શેરડીની કાપણી શરૂ થતાની સાથે જ દીપડાની જાહેરમાં અવર-જવર વધી જતા લોકોમાં દહેશત વચ્ચે વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી કવાયત હાથ ધરવામાં આવી છે. જોગવાડ ગામે ખેતરમાં દીપડાના ત્રણ જેટલા બચ્ચા દેખાયા બાદ બીજા દિવસે ગાયબ થઇ જતા દીપડી પોતાના બચ્ચાને લઇ ગઇ હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.જંગલોમાંથી દીપડા જેવા વન્ય પ્રાણીઓ સ્થળાતંર કરી ચીખલી વિસ્તારમાં જાણે કાયમી વસવાટ કરી દીધો હોય તેમ દર વર્ષે ચોમાસાની વિદાય બાદ શેરડીની કાપણી શરૂ થતા શેરડીના ખેતરો ખાલી થતાની સાથે જ દીપડાઓની જાહેરમાં અવર-જવર વધી જતી હોય છે અને અન્ય પક્ષી-પ્રાણીઓના મરણના કિસ્સા પણ બહાર આવતા હોય છે.
તકેદારીના ભાગરૂપે પાંજરુ ગોઠવવામાં આવ્યુ
તાજેતરમાં જોગવાડ ગામના કોયા ફળિયામાં સલીમભાઇ માંકડાના ખેતરમાં દીપડાના ત્રણેક જેટલા બચ્ચા જોવા મળ્યા હતા. આ બચ્ચાઓ બીજા દિવસે ત્યાં જોવા ન મળતા તેની માતા રાત્રિ દરમિયાન લઇ ગઇ હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. જોકે આ વાત આ વિસ્તારમાં ફેલાતા લોકોમાં ચિંતા ફેલાવા પામી હતી. જોગવાડમાં પણ વનવિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત પ્રધાનપાડા ગામમાં કૂતરાને દીપડો હેરાન કરતો હોવાની વાત કરાતા વન વિભાગ દ્વારા નિલેશભાઇ છોટુભાઇ પટેલના ખેતરમાં પાંજરુ – ગોઠવવાની તજવીજ હાથ ધરાઇ હતી. વધુમાં બે દિવસ પૂર્વે વાંઝણાના નાયકીવાડમાં પણ પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જોકે વાંઝણામાં કોઇ મારણ કે અન્ય કોઇ ફરિયાદ મળી ન હતી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે પાંજરુ ગોઠવવામાં આવ્યુ હોવાનું ફોરેસ્ટર ઉત્તમભાઇએ જણાવ્યું હતું.
નિરાકરણ માટે વનવિભાગે કવાયત હાથ ધરવી જોઇએ
વનવિભાગ દ્વારા ચીખલી વિસ્તારમાંથી દીપડાઓ જે પાંજરે પૂરાઇ છે તેને જરૂરી સારવાર બાદ સલામત રીતે ડાંગ સહિતના જંગલમાં છોડવામાં આવતા હોય છે તેમ છતાં દર વર્ષે આ સીઝનમાં ચીખલી પંથકમાં દીપડાઓ જાહેરમાં લટાર મારતા જોવા મળતા હોય છે. જોકે લોકો પણ સાવચેત રહેતા હોય છે અને ખાસ માનવજાતની જાનહાનિના કિસ્સા બનતા નથી પરંતુ દીપડા જાહેરમાં જોવા મળતા ખેડૂતો – ખેતમજુરોને ખેતરમાં જવા – આવવાનો ડર રહે એ સ્વાભાવિક છે ત્યારે માનવજાત અન્ય પ્રાણીઓના રક્ષણ સાથે દીપડા જેવા વન્ય પ્રાણીઓને પણ જંગલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય અને તેઓ પણ જંગલમાં સુરક્ષિત રહે તે દિશામાં કાયમી નિરાકરણ માટે વનવિભાગે કવાયત હાથ ધરવી જોઇએ.