નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો (Amit Shah) એક એડિટેડ વીડિયો વાઇરલ (Video viral) થયો હતો. તેમજ ખોટા ઈરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
આ મામલે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. હવે ગૃહમંત્રી અમિત શાહે પોતે આગળ આવીને આ સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે આવી ક્રિયાઓ સ્પષ્ટપણે વિપક્ષની હતાશા અને નિરાશા દર્શાવે છે.
અસલમાં અનામતના વિષયે ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ મામલે રવિવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં તેમણે આવું કહ્યું ન હતું. મામલો પ્રકાશમાં આવતા જ નકલી વીડિયો ફેલાવનારા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
વિપક્ષની હતાશા દેખાઈ રહી છે
વિપક્ષ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે, ‘વિપક્ષની નિરાશા અને હતાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓનો નકલી વીડિયો બનાવીને વાઇરલ કરી દીધો છે. તેમના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ વગેરેએ પણ આ ફેક વીડિયો ફોરવર્ડ કરવાનું કામ કર્યું હતું. સદભાગ્યે, મેં જે કહ્યું તે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. અમે તે રેકોર્ડ બધાની સામે મૂક્યો, જેણે બધું સ્પષ્ટ કર્યું અને આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ફોજદારી પ્રક્રિયાઓનો સામનો કરી રહ્યા છે.
ભાજપ કેટલી સીટો પર આગળ?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે બધા જાણે છે કે 7 તબક્કાની ચૂંટણીના 2 તબક્કા સમાપ્ત થઈ ગયા છે. આ બે તબક્કાઓ પછી અમારી પાર્ટીના આંતરિક મૂલ્યાંકન મુજબ ભાજપ અને તેના સહયોગીઓએ મળીને 100 બેઠકો પાર કરી છે. અમિત શાહે કહ્યું કે અમે જનતાના આશીર્વાદ અને સમર્થનથી 400 બેઠકોને પાર કરવાના અમારા લક્ષ્ય તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ.