Gujarat

પાવાગઢ મંદિરમાં છોલેલાં શ્રીફળના પ્રતિબંધ વચ્ચે ભક્તોને જ્યાં જગ્યા મળી ત્યાં જ શ્રીફળ વધેર્યા

પાવાગઢ: આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રિમાં ગુજરાતનું (Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) મંદિરમાં (Temple) ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોડી રાતથી જ પાવાગઢ ડુંગર ઉપર ભક્તો પહોંચ્યા હતા અને વહેલી સવારે મહાકાળી માતાજીનાં દર્શન કરી માનતા અને મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારે મંદિરમાં છોલેલું શ્રીફળ વધરેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે શ્રીફળ વેચાયાં તો ખરા, પરંતુ ભક્તોએ જ્યાં જગ્યા મળી ત્યાં ફોડાયાં પણ હતા. શ્રીફળ વધેરવા માટે બનાવવામાં આવેલું સ્ટેન્ડ બંધ કરાતાં ભક્તોએ રસ્તા અને પગથિયાં ઉપર જ શ્રીફળ વધેર્યા હતા.

પાવાગઢ મહાકાળી મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધના અમલ સાથે આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીનાં દર્શને આવતા ભક્તોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા કેટલા દિવસોથી ચાલતા છોલેલું શ્રીફળ પ્રતિબંધ વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. કારણે કે મંદિરમાં છોલેલું શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ વચ્ચે માઈભક્તોએ વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. માનતા પૂર્ણ કરવા આવતા ભક્તોએ છોલેલું શ્રીફળ જ્યાં જગ્યા મળી ત્યાં જ વધેર્યા હતા. ભક્તોએ ત્યાં નજીકમાં જ દૂધિયા તળાવ પાસે નવા બનતા બગીચા તરફનાં પગથિયાં ઉપર, રસ્તામાં આવતા વૃક્ષોની ફરતે બનાવવામાં આવેલા ચોતરા પર, તો કોઈ ડુંગર ચડવાના પહેલા પગથિયા ઉપર જ શ્રીફળ વધેરતા જોવા મળ્યા હતા.

પ્રવેશદ્વારે જ શ્રીફળનો ઢગલો
મંદિરમાં છોલેલું શ્રીફળ ધરાવવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પર ભક્તો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પ્રતિબંધ બાદ પણ ભક્તો રસ્તામાં જ શ્રીફળ વધેરી રહ્યા છે. જેના કારણે પાવાગઢ મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળી રહ્યો છે. શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલા મશીનમાં શ્રીફળ વધેરવા આજે પહેલા દિવસે આવેલા ભક્તોને કોઈ ઉત્સાહ નહોતો. ત્યારે માંચીમાં મુકેલા મશીન શોભાના ગાંઠિયા સમાન છે. કારણે ભક્તો છોલેલું શ્રીફળ જ ખરીદી રહ્યા છે અને પોતાની માનતા અને ઈચ્છા મુજબ યોગ્ય જગ્યાએ શોધી વધેરતા પણ જોવા મળ્યા હતા.

ભક્તોએ જ્યાં જગ્યા મળી ત્યાં શ્રીફળ વધેરાતા હોવાના કારણે ડુંગર ઉપર ગંદી જોવા મળી રહી છે. કારણે શ્રીફળ રસ્તાની બાજુમાં જ ફોડેલાં નાળિયેરના કાચલાના ટુકડા લોકોના પગમાં આવી રહ્યા હોવાથી દર્શનાર્થીઓ અને ખાસ કરીને બાળકોને પગમાં ઈજાઓ પહોંચાવાની સંભાવના પણ વધી રહી છે.

Most Popular

To Top