National

ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે મોટો સંરક્ષણ કરાર થયો, રાજનાથ સિંહે કહ્યું..

છેલ્લાં કેટલાંય સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ લાદેલા ગેરવ્યાજબી ટેરિફના લીધે બંને દેશોના સંબંધો બગડ્યા છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે. ટેરિફ વોર વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં મોટો કરાર થયો છે. બંને દેશોએ 10 વર્ષના મુખ્ય સંરક્ષણ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે આ કરાર ભારત-અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ યુદ્ધ સચિવ પીટ હેગસેથે આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે મલેશિયાના કુઆલાલંપુરમાં આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી હેઠળ બંને દેશો આગામી દસ વર્ષ માટે સંરક્ષણ ક્ષેત્રમાં માહિતી શેરિંગ, ટેકનોલોજી સહયોગ અને વ્યૂહાત્મક સંકલનમાં વધુ મજબૂતી લાવશે.

યુએસ સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે “આ કરાર ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે. તે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાનો પાયો સાબિત થશે.” તેમણે વધુમાં કહ્યું કે “બંને દેશો હવે વધુ સંકલિત રીતે ટેકનિકલ સહયોગ અને રક્ષા ક્ષેત્રમાં એકબીજાના સહકારથી આગળ વધશે.”

રાજનાથ સિંહે શું કહ્યું..?
રાજનાથ સિંહે કરાર પર હસ્તાક્ષર પછી જણાવ્યું કે “આ 10 વર્ષનો કરાર આપણા સંરક્ષણ સહયોગને વધુ ઊંડો બનાવશે. આ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સમન્વયનો નવો યુગ છે.”

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે “કુઆલાલંપુરમાં મારા અમેરિકન સમકક્ષ પીટ હેગસેથ સાથે ફળદાયી બેઠક થઈ. અમે 10 વર્ષના મુખ્ય સંરક્ષણ ભાગીદારી માળખા પર હસ્તાક્ષર કર્યા છે, જે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.”

આ કરારનો ઉદ્દેશ્ય ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોને સ્પષ્ટ દિશા આપવાનો છે. બંને દેશોનો ધ્યેય મુક્ત, ખુલ્લો અને નિયમ આધારિત ભારત-પ્રશાંત ક્ષેત્ર (Indo-Pacific region) જાળવવાનો છે. જેમાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવશે.`

આ કરારથી ભારત અને અમેરિકાની ભાગીદારી વધુ વ્યાપક બનશે અને સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનિકલ અને વ્યૂહાત્મક સહકારને નવો વેગ મળશે. બંને દેશો આગામી દાયકામાં પ્રાદેશિક સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top