આશરે સાડા સાત લાખની વસતિ ધરાવતું સીએટલ શહેર અમેરિકાનું પંદરમું મોટું શહેર છે. જેનો વિકાસ દર ૨૦૨૦–૨૧ માં ૨૧ % જેટલો હતો. આ શહેરમાં યુરોપિયનો આવ્યા એ પહેલાં મૂળ અમેરિકન લોકો અંદાજે ચાર હજાર વર્ષથી વસવાટ કરે છે જેઓની ત્યાં સૌથી મોટી વસતિ છે. માઇક્રોસોફ્ટ જે સીએટલ સ્થિત છે એના ફાઉન્ડર બીલ ગેટ્સનો જન્મ આ જ શહેરમાં થયેલ અને ઇન્ટરનેટ રીટેલર એમેઝોનની સ્થાપના પણ આ જ શહેરમાં ૧૯૯૪માં થયેલ. આ શહેરના શાસકોએ હમણાં ત્યાંના સમાજમાંથી જ્ઞાતિપ્રથા નાબૂદ કરતા આ શહેર અને ત્યાંના શાસનકર્તાઓ ચર્ચામાં છે. સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે સીએટલ શહેરના કાઉન્સીલર એવા ભારતીય મૂળનાં ક્ષમા સાવંત દ્વારા રજૂ થયેલ ઠરાવને ઉચ્ચ જ્ઞાતિની બહુમતી ધરાવતા સીએટલમાં મોટા ભાગના કાઉન્સીલરોના ટેકાથી મંજૂરી મળી જે એ દેશ અને દુનિયા માટે જ્ઞાતિવાદને કોરાણે મૂકતી અભૂતપૂર્વ શરૂઆત ગણી શકાય. મનુષ્યનો જન્મ એ કુદરત આધીન ઘટના છે અને નવા જન્મતા બાળક પર કોઇ જ્ઞાતિનું લેબલ લાગેલું હોતું નથી.
આ પ્રથા પ્રભુએ પેદા કરેલ માણસે જ ઊભી કરેલ છે, જે પ્રથાએ સમય જતાં સામાજિક માન્યતા પ્રાપ્ત કરી અને આ જ માન્યતાએ આજે આપણા દેશ અને દુનિયામાં અનેક દૂષણો અને ઝઘડા પેદા કર્યાં છે. અમેરિકામાં વસેલ ભારતીય મૂળની નારીએ જ આ પ્રથા નાબૂદીની પહેલ કરી અને એના પ્રસ્તાવને અન્ય ભારતીય નારીએ જ સમર્થન આપ્યું અને અન્ય અમેરિકનોએ એ પ્રસ્તાવને ટેકો આપ્યો, જે બતાવે છે કે સીએટલની પ્રજાના પ્રતિનિધિઓ એક પ્રગતિશીલ પ્રસ્તાવને ટેકો આપતી વખતે જ્ઞાતિ કે વંશવાદને કોરાણે મૂકીને પ્રજાહિતના નિર્ણયો લઇ શકે છે. આ પરિપક્વ લોકશાહીનો ઉત્તમ નમૂનો છે, જેનું અનુકરણ અન્ય પ્રદેશો/દેશમાં થવાની શક્યતાને નકારી ન શકાય, જે સમય જતાં જ્ઞાતિ આધરિત રાજકારણ અને અન્ય લાભ–ગેરલાભનો પણ અંત લાવી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સવારનું શાંતિપ્રિય સુરત
સુરત એટલે તાપી કિનારે વસેલું સુંદર શહેર. સુરત એટલે કવિ નર્મદનું શાંતિપ્રિય શહેર. સુરત એટલે કોટની અંદર વસતું અસ્સલ સુરત. ૮૦ના દાયકા પહેલાં મૂળ સુરત ઘણું નાનું હતું. ૯૦ના દાયકા પછી સુરતનો ખૂબ વિકાસ થયો. સુરતમાં સુવિધાઓ વધી, પરિણામે સમસ્યાનો પણ વધારો થયો. અસ્સલ સુરતને નિહાળવું હોય તો સવારે વહેલાં ઊઠી શહેરમાં આંટો મારવા નીકળો. સવારે તાપીનો કિનારો રમણીય લાગે. પક્ષીઓનો કલરવ સંભળાય. સુરતના રસ્તાઓ મોટા મેદાન જેવા લાગે. રસ્તાઓ અતિક્રમણમુક્ત લાગે, દબાણમુક્ત લાગે.
ટ્રાફિકમુક્ત લાગે. સવારે મંદિરોના ઘંટનાદ સંભળાય, આરતીની ગુંજથી સમગ્ર વાતાવરણ ધાર્મિકમય લાગે. સાયકલ પર છાપું વેચતા ફેરિયાઓની અવરજવર હોય, દૂધવાળા આવતા જતા દેખાય. રસ્તા પર જોગિંગવાળા અને સાયકલિંગવાળાની ચહલપહલ દેખાય. બાગ બગીચામાં યોગ અને કસરત કરતાં સુરતીઓની તંદુરસ્તી પ્રત્યે જાગૃતિનાં દર્શન થાય. સુરત હવે પચરંગી શહેર બની ગયું છે. સુરતની પાલનકર્તા તાપી માતાને આપણા સુરતની સંસ્કૃતિ જળવાઈ રહે અને સુરત શાંતિપ્રિય બની રહે એ જ પ્રાર્થના.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.