હ્યુસ્ટન: આ મહિને યોજાનાર વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની અમેરિકાની (America) પ્રથમ સત્તાવાર મુલાકાત અને અમેરિકી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને તેમના સંબોધનના કાર્યક્રમ અંગે અમેરિકામાં વસતા ભારતીયોમાં ઘણો ઉત્સાહ છે અને તેઓ આ કાર્યક્રમો જોવા અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે.
- સેરેમોનિયલ વેલકમનો કાર્યક્રમ જોવા માટે અમેરિકાભરમાંથી ભારતીય સમુદાયના પ૦૦૦ કરતા વધુ પીઢ સભ્યોને આમંત્રણ અપાયું
- ૨૧થી ૨૪ જૂનની અમેરિકા યાત્રા દરમ્યાન સંસદને સંબોધન સહિત મોદીના અનેક કાર્યક્રમો છે
- ઘણા લોકોએ મોદીની આ ઐતિહાસિક મુલાકાતના કાર્યક્રમો જોવા માટે અત્યારથી વૉશિંગ્ટન ડીસી જવા માટેની ટિકીટ બુક કરાવી લીધી છે
પ્રમુખ જો બાઇડન અને પ્રથમ સન્નારી જિલ બાઇડનના આમંત્રણથી જૂન ૨૧થી ૨૪ દરમ્યાન વડાપ્રધાન મોદી અમેરિકામાં હશે અને ત્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને તેમાં પીઢ ઉદ્યોગ અગ્રણીઓ અને ઘણા કોમ્યુનિટી કાર્યક્રમોમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. ઘણા લોકોએ મોદીની આ ઐતિહાસિક મુલાકાતના કાર્યક્રમો જોવા માટે અત્યારથી વૉશિંગ્ટન ડીસી જવા માટેની ટિકીટ બુક કરાવી લીધી છે. વ્હાઇટ હાઉસની સાઉથ લેન પર યોજાનારા સેરેમોનિયલ વેલકમનો કાર્યક્રમ જોવા માટે અમેરિકાભરમાંથી ભારતીય સમુદાયના પ૦૦૦ કરતા વધુ પીઢ સભ્યોને આમંત્રણ અપાયું છે ,જે વેલકમ કાર્યક્રમમાં ગન સેલ્યુટ અને પ્રમુખ બાઇડન તથા વડાપ્રધાન મોદી બંનેના સંબોધનનો સમાવેશ થાય છે. જીવનમાં એક વાર મળે તેવી તકથી સમુદાય ગૌરવ અનુભવે છે એ મુજબ એક પીઢ ભારતીય અમેરિકન અગ્રણી ગીતેશ દેસાઇએ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતાના નવ વર્ષના કાર્યકાળમાં ત્રણ અમેરિકી પ્રમુખોના કાર્યકાળોમાં અમેરિકાની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ પ્રથમ વખત તેમને સત્તાવાર ભોજન સમારંભ માટે આમંત્રણ મળ્યું છે અને બીજી વાર તેઓ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. મોદીએ આ પહેલા ૨૦૧૬માં અમેરિકી સાંસદોને સંબોધન કર્યું હતું.