દુનિયામાં અનેક યુદ્ધો અટકાવીને નોબેલ પીસ પ્રાઇઝ માટે દાવેદારી નોંધાવનારા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પડોશી દેશ વેનેઝુએલા સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરી છે. અમેરિકા દ્વારા વિશ્વના સૌથી મોટા યુદ્ધ જહાજ યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડના નેતૃત્વમાં અમેરિકન નૌકાદળની ટુકડીને કેરેબિયન સમુદ્રમાં તૈનાત કરવામાં આવી છે. આ તૈનાતી ગયા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા કેરેબિયન સમુદ્રમાં કથિત રીતે ડ્રગ્સ વહન કરતી બોટો પર હુમલો કરી રહ્યું છે અને તેનો વેનેઝુએલા સાથેનો તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ અત્યાર સુધીમાં કેરેબિયન અને પૂર્વીય પેસિફિકમાં ઓછામાં ઓછા ૧૯ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા ૭૬ લોકો માર્યા ગયાં છે. અમેરિકાએ એવા કોઈ પુરાવા આપ્યા નથી કે આ હુમલાઓમાં નાશ પામેલી બોટો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતી. તેણે આ હુમલાઓમાં માર્યા ગયેલાં લોકો વિશે કોઈ માહિતી આપી નથી.
અમેરિકા નિયમિતપણે આ પ્રદેશમાં ડ્રગ્સ વહન કરતી બોટો પર હુમલો કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે આ પગલું જરૂરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, અમેરિકાએ પેસિફિક ક્ષેત્રમાં વધુ બે હુમલાઓની જાહેરાત કરી, જેમાં છ લોકો માર્યા ગયાં હતાં. કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટ્રોને પણ ડ્રગ હેરફેર જૂથો પ્રત્યેના તેમના નરમ વલણ બદલ ટીકા અને અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે.
કોલંબિયાની સેનાએ જણાવ્યું હતું કે તેણે એમેઝોન ક્ષેત્રમાં ડ્રગ સંબંધિત ગેરિલા જૂથ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ૧૯ લોકો માર્યા ગયાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે એવી ચિંતાઓને ફગાવી દીધી હતી કે તેઓ વેનેઝુએલાની સરકારને ઉથલાવી પાડવા અથવા યુદ્ધ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. એક મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તૂટતી દરેક બોટ ડ્રગની હેરાફેરીથી ૨૫,૦૦૦ લોકોના જીવ બચાવે છે અને આપણા દેશભરનાં પરિવારોને વિનાશથી બચાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પણ જમીન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે, તો ટ્રમ્પે તેનો ઇનકાર કર્યો નહીં.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને અન્ય અધિકારીઓએ અમેરિકા પર કટોકટી ઊભી કરવાનો અને દેશની ડાબેરી સમાજવાદી સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્ર અને કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોની સરકાર વચ્ચે પણ તણાવ વધ્યો છે, જેમને ટ્રમ્પે ગુંડા અને ખરાબ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. પેટ્રોએ તેમના દેશની સુરક્ષા એજન્સીઓને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કેરેબિયન ક્ષેત્રમાં બોટ પરના હુમલા બંધ ન થાય ત્યાં સુધી અમેરિકન એજન્સીઓ સાથે ગુપ્ત માહિતી શેર કરવાનું બંધ કરે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ કેરેબિયન લોકોના માનવ અધિકારોને આધીન હોવી જોઈએ. અમેરિકન નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટ્રાઈક ગ્રુપ ૧૧ નવેમ્બરના રોજ યુએસ સધર્ન કમાન્ડના ઓપરેશન ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. તેના ઓપરેશન ક્ષેત્રમાં લેટિન અમેરિકા અને કેરેબિયનનો સમાવેશ થાય છે.
આ તૈનાતીમાં યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ એરક્રાફ્ટ કેરિયરનો સમાવેશ થાય છે, જેમાં ૪,૦૦૦ થી વધુ ખલાસીઓ અને ડઝનબંધ વિમાનો, મિસાઇલ વિનાશક અને અન્ય નૌકાદળના જહાજો શામેલ છે. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે જણાવ્યું હતું કે આ દળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શોધવા, અટકાવવા અને વિક્ષેપિત કરવાની યુએસ ક્ષમતાને મજબૂત બનાવશે અને ડ્રગ હેરફેર અને ગુનાહિત નેટવર્કને વિક્ષેપિત કરવામાં મદદ કરશે. આ વાહક જહાજ આ ક્ષેત્રમાં પહેલાથી જ તૈનાત અન્ય દળોમાં જોડાશે, જેમાં હજારો સૈનિકો, પરમાણુ સંચાલિત સબમરીન અને પ્યુઅર્ટો રિકોમાં તૈનાત ફાઇટર જેટનો સમાવેશ થાય છે. આ લેટિન અમેરિકામાં સૌથી મોટી અમેરિકન લશ્કરી હાજરી છે.
વેનેઝુએલાએ તેના દરિયાકાંઠે અમેરિકન નૌકાદળની હાજરીનો સામનો કરવા માટે દેશવ્યાપી લશ્કરી તૈનાતીની જાહેરાત કરી છે. એક નિવેદનમાં દેશના સંરક્ષણ મંત્રાલયે સામ્રાજ્યવાદી ખતરાનો સામનો કરવા માટે જમીન, સમુદ્ર, હવા, નદી અને મિસાઇલ દળો તેમજ નાગરિક લશ્કરની વિશાળ તૈનાતી કરવાની હાકલ કરી છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકા સાથે લશ્કરી મુકાબલામાં વેનેઝુએલાને ગંભીર નુકસાન સહન કરવું પડશે. રશિયાએ તેના સાથી વેનેઝુએલાની બોટો પર અમેરિકાના હુમલાઓની નિંદા કરી તેમને ગેરકાયદેસર અને અસ્વીકાર્ય ગણાવ્યા છે.
અમેરિકાએ વેનેઝુએલાને નાર્કો-સ્ટેટ તરીકે ઓળખાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સહિત ટોચના અધિકારીઓ મોટા પાયે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. વેનેઝુએલા નજીક અમેરિકાની વધતી હાજરીથી એવી આશંકા ઊભી થઈ છે કે વોશિંગ્ટન તેલસમૃદ્ધ દેશ સાથે વ્યાપક સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે. માદુરોએ ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકા વેનેઝુએલામાં સત્તાપરિવર્તનની યોજના બનાવી રહ્યું છે, જે સંઘર્ષ વધારી શકે છે.
બ્રિટન અને કેનેડા બંનેએ કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓએ હવે શંકાસ્પદ ડ્રગ દાણચોરી કરતી બોટ અંગે અમેરિકા સાથે માહિતી શેર કરવાનું બંધ કરી દીધું છે. બ્રિટનને ડર છે કે અમેરિકા તેની માહિતીનો ઉપયોગ ઘાતક હુમલાઓ માટે કરી રહ્યું છે. બ્રિટને આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને અમેરિકાની કોઈ પણ કાર્યવાહીથી પોતાને દૂર રાખ્યું છે. વેનેઝુએલાએ જણાવ્યું છે કે તેણે કેરેબિયન સમુદ્રમાં યુદ્ધ જહાજો અને સૈનિકોની વધતી જતી તૈનાતીના જવાબમાં સૈનિકો, શસ્ત્રો અને લશ્કરી સાધનોની મોટા પાયે તૈનાતી શરૂ કરી દીધી છે. સંરક્ષણ પ્રધાન વ્લાદિમીર પેડ્રિનો લોપેઝે જણાવ્યું હતું કે દેશની સેના, નૌકાદળ, વાયુસેના અને અનામત દળો મોટા પાયે લશ્કરી કવાયતો કરશે.
તેમણે આ કવાયતને અમેરિકન સામ્રાજ્યવાદી ધમકીના પ્રતિભાવ તરીકે વર્ણવી હતી. નિયમિત સૈનિકોની સાથે બોલિવેરિયન લશ્કર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ દ્વારા બનાવવામાં આવેલ નાગરિક અનામત દળ પણ આ કવાયતોમાં ભાગ લેશે. માદુરો સરકારે લાંબા ગાળાના પ્રતિકાર નામની એક નવી યુદ્ધ-યોજના ઘડી છે. આ વ્યૂહરચના દેશભરમાં ૨૮૦ થી વધુ સ્થળોએ નાનાં ગેરિલા એકમો બનાવશે. આ એકમો ગેરિલા હુમલાઓ, તોડફોડ અને ઓચિંતો હુમલો કરીને દુશ્મન સાથે વ્યવહાર કરશે. બીજી યોજના રાજધાની કારાકાસમાં અરાજકતા ફેલાવવાની છે, જેથી અમેરિકાના હુમલાની સ્થિતિમાં દેશને અંદરથી અસ્થિર કરી શકાય અને વિદેશી શક્તિઓ ફસાઈ શકે. આ વ્યૂહરચના દર્શાવે છે કે વેનેઝુએલા અમેરિકા સામે પરંપરાગત નહીં પણ માનસિક અને ગેરિલા શૈલીનું યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું છે.
વેનેઝુએલાના લશ્કર પાસે આધુનિક ટેકનોલોજી અને સંસાધનોની ખૂબ જ ઓછી સુવિધા છે. સરેરાશ સૈનિકનો પગાર દર મહિને માત્ર ૧૦૦ ડોલર છે, જ્યારે ઓછામાં ઓછા ૫૦૦ ડોલરની જરૂર છે. ઘણા સૈનિકોને ખોરાક માટે સ્થાનિક ખેડૂતો સાથે સોદાબાજી કરવી પડે છે. વેનેઝુએલાની લશ્કરી તાકાતમાં જૂના રશિયન ટેન્ક, હેલિકોપ્ટર અને સુખોઈ ફાઇટર જેટનો સમાવેશ થાય છે, જે અમેરિકાના બી-2 બોમ્બર્સની બરાબરી કરી શકતાં નથી. છતાં, માદુરો દાવો કરે છે કે તેમની પાસે દેશભરમાં તૈનાત ૫,૦૦૦ થી વધુ ઇગ્લા-એસ પોર્ટેબલ મિસાઇલો છે.
માદુરો માને છે કે અમેરિકા તેમને સત્તા પરથી દૂર કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. એટલા માટે તેમણે ૮૦ લાખ નાગરિકોને લશ્કરી પ્રતિકાર માટે તાલીમ આપવાની યોજનાની જાહેરાત કરી છે, જેનાથી સમગ્ર દેશ સંરક્ષણ દળમાં ફેરવાઈ જશે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો વિવાદ રાજદ્વારી સીમાઓથી આગળ વધી શકે છે. એક તરફ, અમેરિકા આર્થિક અને રાજકીય દબાણ વધારી રહ્યું છે, જ્યારે બીજી તરફ, માદુરો પોતાના દેશને ગેરિલા રાજ્યમાં પરિવર્તિત કરવાના માર્ગે છે. એક વાત ચોક્કસ છે કે ભલે તેનાં શસ્ત્રો જૂનાં હોય, વેનેઝુએલા હાર માનવા તૈયાર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.