World

કોઈ પણ ક્ષણે શરૂ થઈ શકે છે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ: અમેરિકા અને ભારતનું ટેન્શન વધ્યું

નવી દિલ્હી(NewDelhi): વિશ્વ પર ત્રીજા યુદ્ધના વાદળો ઘેરાયા છે. રશિયા-યુક્રેન (RussiaUkraineWar) અને ઈઝરાયેલ-હમાસ (IsraelHamasWar) વચ્ચેના યુદ્ધ બાદ હવે ઈરાન (Iran) કોઈ પણ ક્ષણે ઈઝરાયલ (Israel) પર હુમલો (Attack) કરે તેવા એલર્ટ મળ્યા છે. વિશ્વના બે શક્તિશાળી દેશો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાય તો વિશ્વને મોટું નુકસાન થવાનો ભય રહેલો છે ત્યારે આ સંભવિત યુદ્ધ પહેલાં અમેરિકા (America) અને ભારતે (India) તૈયારીઓ કરી લીધી છે.

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની સંભાવનાને જોતા અમેરિકાએ આ બંને દેશના સરહદી વિસ્તારમાં પોતાના યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. યુએસ અને અન્ય ગુપ્તચર સૂત્રો કહે છે કે ઈરાન સેના 14 એપ્રિલ, 2024ને રવિવાર સુધીમાં કોઈ પણ ક્ષણે ઈઝરાયલ પર બદલાની ભાવનાથી હુમલો કરી શકે છે.

અમેરિકન ઈન્ટેલિજન્સ અનુસાર ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ડ્રોન અને ક્રુઝ મિસાઈલ સહિતની આંતરિક સૈન્ય સંપત્તિને સરહદ પર લઈ જઈ રહી છે. તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે હુમલાની તૈયારી કરી રહ્યો છે.

યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ વિસ્તારમાં ઇઝરાયેલ અને અમેરિકન દળોની સુરક્ષા માટે વધારાના સૈનિકો મોકલ્યા છે. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે બે નૌકાદળના જહાજને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં ખસેડ્યા છે.

અમેરિકા ઈઝરાયેલ પર છોડવામાં આવેલા કોઈપણ હથિયારને રોકવાનો પ્રયાસ કરશે. એક ન્યુઝ એજન્સીએ બે અમેરિકન અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લાલ સમુદ્રમાં યુએસ નેવી તૈનાત છે. અહીં તે યમનના હુતી-નિયંત્રિત વિસ્તારોમાંથી છોડવામાં આવેલી મિસાઇલો અને ડ્રોનને અટકાવી રહ્યું છે. આ સિવાય ઈરાક અને પૂર્વોત્તર સીરિયામાં પણ અમેરિકન દળો હાજર છે, જે સંભવિતપણે ઉત્તર ઈઝરાયેલને નિશાન બનાવતા ડ્રોન અને રોકેટને રોકી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે તા. 12 એપ્રિલે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમને લાગે છે કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે હુમલો કરશે. અમે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરીશું અને ઈરાન સફળ થશે નહીં.

ભારત સરકારે એડવાઈઝરી જારી કરી
મધ્ય પૂર્વમાં વધેલા તણાવ વચ્ચે ભારતે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે તા. 12 એપ્રિલે ભારતીયોને આગળની સૂચના સુધી આ બંને દેશોની યાત્રા ન કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસોનો સંપર્ક કરવો જોઈએ. પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ.

બંને દેશો કેટલાં શક્તિશાળી છે?
જો આપણે બંને દેશોની તાકાતની વાત કરીએ તો વર્લ્ડ ફાયર પાવર ઈન્ડેક્સ અનુસાર ઈરાન વિશ્વનો 14મો સૌથી શક્તિશાળી દેશ છે. જ્યારે ઈઝરાયેલ 17મા નંબર પર છે. ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ મેનપાવર, એરપાવર, જમીન, નૌકાદળ, કુદરતી સંસાધનો, આર્થિક સ્થિતિ, ભૂગોળ અને લોજિસ્ટિક્સના આધારે યાદી બનાવે છે.

આ 8માંથી ઈઝરાયેલ માત્ર બેમાં ઈરાન કરતા વધુ મજબૂત છે. બંને દેશોની સેનાની વાત કરીએ તો ઈરાન પાસે 610,000 સક્રિય સૈનિકો છે. જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 170,000 સૈનિકો છે. ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ જોકે ઘણું મોટું છે. ઈરાન લાંબા સમયથી અમેરિકી પ્રતિબંધો હેઠળ છે, જેના કારણે તેનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઈઝરાયેલ કરતા ઓછો છે.

Most Popular

To Top