અમદાવાદ: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલા ડિપ્રેશનના લીધે ઉભા થયેલું બિપરજોય (Biparjoy) વાવાઝોડું (Cyclone) તા. 15મીએ ગુજરાતના દરિયા કિનારે (Gujarat Sea Coastal ) ત્રાટકે તેવા એલર્ટના પગલે રાજ્યના તંત્રમાં દોડધામ મચી ગઈ છે તો બીજી તરફ હવામાનનો વર્તારો કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે કરેલી ડરામણી આગાહીએ બધાને ગભરાવી મુક્યા છે.
અંબાલાલ પટેલે બિપરજોય વાવાઝોડાના મામલે એક આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર ગુજરાતે પાછલા 50 વર્ષમાં નહીં જોયું હોય તેવું વિકરાળ, ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે છેલ્લાં 50 વર્ષનું સૌથી મોટું ભયાનક વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી વિકરાળ વાવાઝોડું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીની ગાજવીજ, ધૂળના તોફાનો અને આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાશે. ઝડપી પવન સાથે વરસાદ પડશે. દરિયો તોફાની બનશે. મોજાં ઉછળશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. ઓખા, દ્વારકા, માંગરોળમાં વાવાઝોડાની સૌથી વધુ અસર દેખાશે. વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડની અસર વર્તાશે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડશે.
અંબાલાલના મતે તા. 13થી 16 જૂન દરમિયાન વાવાઝોડાની અસરના લીધે રાજ્યમાં વરસાદ પડશે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મધ્યગુજરાતમાં અસર વર્તાશે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના લીધે વાવાઝોડું મજબુત બન્યું છે. જેમ તે દરિયા કિનારના નજીક આવશે તેમ રાજ્યમાં ઝડપી પવન ફૂંકાશે.
રાજ્યના 51 તાલુકામાં વરસાદ પડ્યો
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં આજે મંગળવારે સવારથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે અનુસાર આજે સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડકા સાથે વરસાદ શરૂ થયો હતો. જામનગરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજયના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ ઝીંકાયો છે.
ખંભાળિયામાં સવા ત્રણ, મેંદરડામાં અઢી, ઉપલેટ અને જુનાગઢમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદનાલીધે ઠેરઠેર પાણી ભરાયા છે. અમરેલી અને જામનગરમાં બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે.
દરમિયાન આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જોતાં હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. વેરાવળ અને સુત્રાપાડામાં તો ગત 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 8 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. વાવાઝોડાની સૌથી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.