Gujarat Main

હવે કોરોનાની ખૈર નહીં, ભાદરવી પૂનમે અંબાજીમાં ઉમટેલા ભક્તોએ માતાજીને કરી આ પ્રાર્થના

કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકે તેવા ભયના પગલે મા અંબેના પવિત્ર ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી ભક્તોને કોઈ ફરક પડ્યો નથી. માતાજીના ભક્તો કોરોનાનો ડર રાખ્યા વિના અંબાજી ધામમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવા રાજ્યભરમાંથી આવ્યા છે. ભક્તોની ભીડ પર કાબુ રાખવા માટે પોલીસે ખાસ્સી મહેનત કરવી પડી છે.

રવિવારે ચૌદશના દિવસે એક લાખથી વધુ ભકતોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું હતું. મંદિર ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મા અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓમા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે,

ભક્તોએ કોરોના મહામારી જલ્દી વિદાય લે તેવી માતાજીને પ્રાર્થના કરી
અંબાજી ધામમાં રાજ્યના વિવિધ જિલ્લા-શહેરો અને ગામડાઓમાંથી ભક્તો મા અંબેના દર્શને આવ્યા છે. છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાથી આખુંય વિશ્વ હેરાન છે, ત્યારે ભાદરવી પૂનમના શુભ દિવસે અંબાજી આવેલા ભક્તોએ કોરોના મહામારી ઝડપથી વિદાય લે તેવી પ્રાર્થના માતાજીને કરી હતી.

પૂનમનો મહામેળો રદ કરાયો છતાં અઠવાડિયામાં 46 લાખની આવક
​​​​​​​
સરકારે ભાદરવી પૂનમના મહામેળાની મંજૂરી નથી આપી, પરંતુ છેલ્લા સાત દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે અને મા અંબાના ભંડારામાં રૂપિયા 46 લાખથી વધુની આવક થઇ છે. છેલ્લા સાત દિવસમાં રૂપિયા 46 લાખથી વધુની આવક થઇ એવું વહીવટદાર એસ જે ચાવડાએ જણાવ્યું હતું. ​​​​​​​

અંબાજી નહીં જઈ શકેલા ભક્તો માટે આરતીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા

​​​દર્શનાર્થીઓ માટે તા.15/9/2021થી તા. 20/9/2021 સુધી સુધી શકિતપીઠ અંબાજી મંદિરનાં દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ મુજબ દર્શન સવારે 6 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી, બપોરે 12:30થી સાંજના 5 વાગ્યા સુધી તેમજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરાઈ છે. દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુટ્યૂબ, ટ્વિટર તથા લાઈવ સ્ટ્રિમિંગ સર્વર પર લાઈવ દર્શનનો લાભ માઈભક્તોએ લીધો છે.​​​​​​​

યાત્રીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની સાથે પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને સરળતાથી પ્રસાદ મળી રહે તે માટે ત્રણ કાઉન્ટર અલગ ઊભાં કરવામાં આવ્યા છે. અંબાજી મંદિર શકિતદ્વારથી બસ સ્ટેન્ડ સુધી યાત્રિકોની લાઈન વ્યવસ્થાની વચ્ચે કુલ 11 જગ્યાઓએ પીવાના પાણી, લગેજ-પગરખાં કેન્દ્ર, શ્રીફળ સ્ટેન્ડ તથા ૨થ મૂકવાની જગ્યા સહિતના વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા, વિનામૂલ્યે ભોજન, અંબાજી આવતા માર્ગો પર અને અંબાજીમાં ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા, ચાચરચોકમાં તથા યાત્રાળુઓના માર્ગો પર પ્રાથમિક સારવાર કેન્દ્રો તેમજ જુદી-જુદી કુલ-14 જગ્યાએ પાર્કિંગ વગેરે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Most Popular

To Top