Dakshin Gujarat

બીલીમોરા દેવધા ડેમના તમામ 40 દરવાજા ખુલ્લા મુકાતાં પૂરનો ભય

સુરત: ‘દેર સે આયે, લેકિન દુરસ્ત આયે’ની ઉક્તિ પેઠે થોડા વિલંબ સાથે રાજ્યભરમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. મેઘરાજાની પસંદગીની પીચ કહી શકાય તેવા દક્ષિણ ગુજરાતમાં પણ સોમવારથી જ ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચુકી છે. જોકે વરસાદની સાથે જ તેની સારી અને નરસી બાબતો પણ ઉજાગર થવા લાગી છે.

બીલીમોરા અંબિકા નદીના દેવધા ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલાં ભારે વરસાદને પગલે સપાટીમાં ભયજનક રીતે વધારો થવા ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પૂરની સ્થિતિ ટાળવા તમામ 40 દરવાજા ખુલ્લાં મુકી દેવાયા છે. ડેમના હેઠવાસના 7 ગામો દેવધા, તોરણગામ, ધમડાછા, વલોટી, ભાઠા, અજરાઈ અને દેવસરને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોરટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 19,446 ક્યુસેક અને જાવક માત્ર 5027 ક્યુસેક છે. જેને પગલે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી છે.

વિજલપોરમાં ત્રણ લગ્નના આયોજન ઘોંચમાં: વલસાડમાં રેલવે અંડરપાસનો માર્ગ બંધ
બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેમાં સામરિયા મોરા, રાજીવનગર તેમજ ધામદોડ રોડ પર પાણી ભરાયા હતાં. અલંકાર ટોકિઝ નજીક સુગર ફેક્ટરીના ગરનાળામાં ઓડી કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કડોદરા ચાર રસ્તા ખાતે રૂ. 110 કરોડના ખર્ચે બનાવાયેલા અંડર બાયપાસના રસ્તા પરનું ગટરનું ઢાંકણું ખુલી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. નવસારી અને વિજલપોર શહેરમાં પણ મેઘો મન મુકીને વરસ્યો હતો.

નવસારીના અનેક વિસ્તારો સહિત વિજલપોરના મારુતિ નગર, અલકાપુરી, શિવાજી ચોક, વિઠ્ઠલ મંદિર, ઉદ્યોગ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપરાંત વિજલપોરમાં પાણીના ભરાવાને પગલે ત્રણ લગ્નના આયોજનો પણ ઘોંચમાં પડ્યાં હતાં. બીલીમોરામાં વરસાદને પગલે રેલવે અંડરપાસનો માર્ગ રાબેતા મુજબ બંધ થયો હતો. તો નગરપાલિકા કચેરીના પ્રવેશ દ્વારે પાણીનો ભરાવો થયો હતો. ચીખલી પંથકમાં સારા વરસાદ સાથે હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.

વલસાજ-ધરમપુર પાલિકાની પોલ ખુલી: રસ્તાઓ પર ગાબડાં
વલસાડ-ધરમપુર રોડ ઉપર આરપીએફ મેદાન નજીક ખાડાઓ પડી જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. પારડીમાં વરસાદને પગલે એસટી બસ ડેપો, નેશનલ હાઇવે નંબર 48 સ્થિત રશ્મિ સોસાયટી, હાઈવેના સર્વિસ રોડ સહિતના માર્ગો તેમજ કહારવાડ, હરિયાવાડ, ડો.લતેશ પટેલના નિવાસ્થાને તેમજ વાલ્મિકી વાસમાં વરસાદી પાણી ભરાયા હતાં.

ધરમપુરમાં ગૌરવપથ વિસ્તારમાં આવેલી સ્ટેટ હોસ્પિટલ સામે ઘૂંટણસમા પાણીનો ભરાવો થયો હતો. વાપીમાં નાના રેલવે ગરનાળામાં પાણી ભરાતાં દ્વિચક્રી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. દમણમાં મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં બે મોપેડ દબાઈ ગઈ હતી. ભારતના ચેરાપૂંજી ગણાતાં ડાંગ વિસ્તારમાં પણ ઘણાં દિવસોથી મેઘમહેર જારી રહી છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ સહિત સરહદીય વિસ્તારમાં વરસાદી મહેરથી કુદરતી સૌદર્ય ખિલી ઉઠ્યું છે.

Most Popular

To Top