સુરત : એક બાજુ તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપીયાનો ધુમાડો થઇ રહયો છે, ત્યારે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સુ્એઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરનું પાણી ઓછું ટ્રીટ કરવુ પડે તેવા હેતુથી સ્ટ્રોમ ડ્રેનેજ દ્વારા તાપી નદીમાં ગંદકી ઠાલવવાની પ્રવૃતિ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. જેના પાપે હવે શહેરના શુદ્ધ પાણી આપવાના બેંચમાર્કમાં એવોર્ડ મેળવતી સુરત મનપા દ્વારા અપાતા નળના પાણી પૈકી કતારગામ, વરાછા અને સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં ગંદુ-ગંધાતુ અને જીવાત વાળુ પાણી આવવા લાગતા ઉનાળાના પ્રારંભે જ લોકો હાલાકીમાં મુકાઇ રહયા છે. અને પાણી વિભાગ દોડતો થઇ ગયો છે.
- કતારગામ-વરાછા વિસ્તારના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્ટ્રોમ ડ્રેનેજના આઉટલેટમાંથી તાપી નદીમાં ઠલવાતી ગંદકીના પગલે તાપી શુદ્ધિકરણ પર પાણી ફરી રહયું છે
- ગટર સમિતિના સભ્ય અને ચેરમેન દ્વારા ભોપાળુ પકડી પડાયું છતા કોઇ કાર્યવાહી થઇ નહી : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની તપાસ જરૂરી
મળતી વિગતો મુજબ છેલ્લા થોડા દિવસોથી કતારગામ ઝોનમાં કેટલીક સોસાયટીમાં પીવાના પાણીમાં જીવાત આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. કોર્પોરેટરો દ્વારા આ બાબતે અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓ દોડતા થયા છે. બીજી તરફ છેલ્લા પાંચેક દિવસથી અશ્વનીકુમાર – ફુલપાડા વિસ્તારમાં પણ સતત દુર્ગંધયુક્ત પાણી આવતાં સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. જો કે, આજે આ વિસ્તારમાં પીવાના પાણીમાં લાલ રંગની જીવાતો નીકળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે મહાનગર પાલિકામાં રજુઆત કરવામાં આવતાં વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
ડ્રેનેજનું પાણી ભળી જતું હોવાની આશંકા
કતારગામ ઝોનમાં આવેલી અનેક રહેણાંક સોસાયટીમાં જીવાત વાળું પાણી મળતું હોવાની ફરિયાદ બહાર આવી છે. કેટલાક નગરસેવકોએ આ પ્રકારની ફરિયાદ કરતાં કતારગામ ઝોન અને હાઈડ્રોલિક વિભાગના સ્ટાફે ચકાસણી શરૂ કરી છે. કતારગામ વિસ્તારની ઘણી સોસાયટીઓ અને એ.કે.રોડ ફુલપાડા વિસ્તારની ફરિયાદ બાદ વોટર વર્કસ માં જ જીવાત હોવાનો તર્ક થઈ રહ્યો.
જોકે, હાઈડ્રોલિક વિભાગના મતે થોડી સ્મેલનો પ્રોબ્લેમ છે તે સુપર કલોરીનેશન કરવામાં આવે છે તેના કારણે છે. ઝોનની કેટલીક રહેણાંક સોસાયટીમાં જીવાત વાળું પાણી મળે છે તે સોસાયટીમાં પાણીની લાઈન જાય છે તે પહેલાં કોઈ જગ્યાએ ડ્રેનેજની લીકેજ હોય અને ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું હોય તેના કારણે આ સમસ્યા થઈ હોવી જોઈએ. તેથી આગામી દિવસોમાં ઝોન અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ લીકેજ શોધવા માટે કામગીરી કરવામાં આવશે.
એ.કે. રોડની અનેક સોસાયટીમાં પાંચ દિવસથી ગંદા પાણીની ફરિયાદ
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા પાંચેક દિવસથી વોર્ડ નં. 5 અશ્વનીકુમાર – ફુલપાડા વિસ્તારમાં આવેલા ધરમનગર, વિષ્ણુ નગર, સત્તાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી દુર્ગંધયુક્ત આવી રહ્યું હતું.
આ અંગે સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આજે સવારે આ વિસ્તારમાં મનપા દ્વારા વિતરણ કરવામાં આવતાં પાણી પુરવઠામાં લાલ રંગની જીવાત જોવા મળતાં સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા. દુર્ગંધયુક્ત પાણીમાં જીવાતો નજરે પડતાં સ્થાનિકો દ્વારા આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આ અંગે સ્થાનિકોએ મહાનગર પાલિકાના વહીવટી તંત્ર વિરૂદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યામાં કોઈ નક્કર કામગીરી કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે. આજે જ્યારે પીવાના પાણીમાં જીવાત નીકળી છે ત્યારે આ અંગે અધિકારીઓને રજુઆત કરતાં વહીવટી તંત્ર દોડતું થયું હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઝોન સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમસ્યા
શહેરના વોર્ડ નં. 5 સહિત શહેરના સેન્ટ્રલ ઝોન સહિત ઉધના – લિંબાયતમાં પણ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અંગે ફરિયાદો ઉઠવા પામી છે. એક તરફ ઉનાળાના પ્રારંભ સાથે જ શહેરીજનોમાં પાણીનો વપરાશ વધે છે ત્યારે મનપા દ્વારા વિતરણ કરવામાં આવતાં પાણીના પુરવઠાની ગુણવત્તા કથળતી હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉધના – લિંબાયત સહિત સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા એક સપ્તાહથી અલગ – અલગ વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધ મારતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યામાંથી છુટકારો મળવા પામ્યો નથી.
પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત
શહેરના અલગ – અલગ વિસ્તારોમાં છેલ્લા ચાર – પાંચ દિવસથી પીવાના પાણીની ગુણવત્તા કથળતાં હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મનપાના નળમાંથી પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધયુક્ત હોવાને કારણે નાછૂટકે રહેવાસીઓ રૂપિયા ખર્ચીને પીવાનું પાણી ખરીદવા માટે મજબુર બન્યા છે તો બીજી તરફ શહેરમાં હવે પાણીજન્ય રોગચાળાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.