સુરત: સુરત શહેરમાં બે દાયકામાં પહેલીવાર હવા પ્રદૂષણનું સંકટ એટલું ગંભીર થયું છે કે શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સતત ‘વેરી પુઅર’થી ‘વેરી અનહેલ્થી’ કેટેગરી સુધી પહોંચી ગયો છે. શહેરના લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓ માટે હાલનું વાતાવરણ જીવલેણ બની રહ્યું છે.
આ સંકટની ગંભીરતા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવડિયાને રજૂઆત કરી છે, જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશો, રાજ્ય સરકારના ઠરાવો અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી તાત્કાલિક કાયદાકીય અને દંડાત્મક પગલાંની માંગણી કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં AQI સતત 200થી ઉપર રહી રહ્યો છે. 25 નવેમ્બરે AQI 203 નોંધાયો હતો. જે CPCB અનુસાર “Very Unhealthy” શ્રેણી છે. PM2.5નું સ્તર 100 µg/m³થી વધુ–NAAQSની મર્યાદા કરતાં લગભગ દોઢ ગણું છે. શહેરની હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ, અસ્થમા, એલર્જી અને ચામડીના રોગોના 30%થી વધુ દર્દીઓનો વધારો નોંધાયો છે. સુરત હાલ ઓરેન્જ ઝોનમાં છે.
દર્શન નાયકે રજૂઆતમાં અંતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા, જો સરકાર કાર્યવાહી નહીં કરાય તો કાનૂની પગલાં લેવાની ફરજ પડશે.
કાયદાકીય ઉલ્લંઘન: સરકાર અને પાલિકાની નિષ્ફળતા
રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્વસ્થ પર્યાવરણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકાર સમાન છે, છતાં સરકાર એનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. બાંધકામ ધૂળ નિયંત્રણ, પાણીના છંટકાવ, કચરા વ્યવસ્થાપન, સિલ્ટિંગ નિયંત્રણ જેવા નિયમો પ્રાયોગિક રીતે અમલમાં નથી.
રાજ્યના અગ્ર વન સંરક્ષકે કોનોકાર્પસ દૂર કરવાની સ્પષ્ટ આજ્ઞા આપી હતી, છતાં સુરતમાં હજારો કોનોકાર્પસ હજુ ઊભા છે. હજીરા, ડુમસ, ઓલપાડ, કામરેજ અને તાપી-મીંઢોળા નદી કાંઠે 80–90% મેગ્રુવ વનો નષ્ટ થયાં છે. અહેવાલ મુજબ હજીરા–ઉદ્યોગ વિસ્તારો શહેરના કુલ પ્રદૂષણમાં 56% (77,540 ટન) PM ઉત્સર્જન માટે જવાબદાર છે.
રજૂઆતમાં આ તાત્કાલિક પગલાંની માંગ કરાઈ છે
• -GPCB દ્વારા 24 કલાકની અંદર ઉદ્યોગોના ETP/STP/એર ફિલ્ટર્સનું નિરીક્ષણ
• -એર એક્ટ, 1981 હેઠળ Closure અને Penalty શરૂ કરવી
• -ઉત્સર્જન ધોરણ ભંગ કરનાર ઉદ્યોગોને તરત બંધ કરવાનો નિર્ણય
• -વોટર સ્પ્રીંકલિંગ, ગ્રીન નોટ, covered transport ફરજિયાત
• -Polluter Pays Principle મુજબ ભારે દંડ
• -શહેરમાં તાત્કાલિક વનવૃદ્ધિ અભિયાન
• -જૂના અને પ્રદૂષિત વાહનો પર નિયંત્રણ
• -GPCBમાં માનવ સંસાધન અને ટેક્નિકલ ટીમનો વિસ્તરણ
• -દૈનિક મોનિટરિંગ રિપોર્ટ્સ જાહેર કરવા
• -મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Health Advisories ફરજિયાત જાહેર કરવી