ઔદ્યોગિક ક્રાંતિની સાથે દુનિયામાં હવા મોટા પાયે પ્રદૂષિત થવાની શરૂઆત થઇ એમ કહી શકાય. માણસ જ્યારે ખેતી પર આધારિત હતો અને મોટે ભાગે ગ્રામીણ જીવન જીવતો હતો ત્યારે પણ જો કે લાકડા જેવા ઇંધણોના બળવાથી કે જંગલોની આગ જેવા કારણોથી હવાનું પ્રદૂષણ થતું તો હતું જ પરંતુ તે મર્યાદિત હતું. ઔદ્યોગિક ક્રાંતિ થઇ અને કોલસા જેવા ઇંધણોથી મિલો ધમધમવા માંડી અને તેમના ભૂંગળાઓમાંથી ધુમાડા હવામાં વછૂટવા માંડ્યા પછી હવા વ્યાપક પ્રમાણમાં પ્રદૂષિત થવા માંડી. દુનિયામાં જેમ જેમ ઔદ્યોગિકરણ વધતું ગયું, ઉદ્યોગોનો વ્યાપ ફેલાતો ગયો તેમ તેમ વાયુનું પ્રદૂષણ પણ વધવા માંડ્યું. પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણોથી ચાલતા વાહનો શરૂ થયા બાદ અને આ વાહનોનો વ્યાપ વધવાની સાથે તો વાયુનું પ્રદૂષણ ખૂબ વકર્યું. આજે તો એવી સ્થિતિ છે કે દુનિયાના બહુ જ ઓછા ભાગો વાયુના પ્રદૂષણથી મુક્ત રહી શક્યા છે.
આ વાયુનું પ્રદૂષણ આજે તો ગ્લોબલ વૉર્મિંગ જેવી મહાભયંકર સમસ્યા તો સર્જી જ રહ્યું છે પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ હાનિકારક પુરવાર થઇ રહ્યુ છે. શ્વસનતંત્રના અનેક રોગો પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાના કારણે થાય છે. કેટલાક પ્રકારના કેન્સર પણ વધારે પડતી પ્રદૂષિત હવા શરીરમાં જવાના કારણે થતા હોવાનું માનવામાં આવે છે. હાલમાં બહાર પડેલા એક અભ્યાસમાં તો એમ પણ જાણવા મળ્યું છે હવામાં પ્રદૂષકોનું ઓછું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે નુકસાનકારક છે અને વાયુના પ્રદૂષણને કારણે વિશ્વમાં દર વર્ષે થતા કસમયના મૃત્યુઓનું પ્રમાણ ધારવા કરતા ઘણુ વધારે છે.
ફાઇન પોલ્યુશન પાર્ટિકલ્સ(પીએમ૨.૫) નામના વાયુના પ્રદૂષક કણો વિશ્વમાં દર વર્ષે વધારાના ૧.પ મિલિયન કસમયના મૃત્યુઓ માટે જવાબદાર હોઇ શકે છે એમ આ અભ્યાસ જણાવે છે જે અભ્યાસમાં જણાયું છે કે હવામાં પ્રદૂષકોનું ઓછું પ્રમાણ પણ અગાઉ માનવામાં આવતું હતું તેના કરતા વધુ ભયંકર છે. વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના તાજેતરના સૌથી છેલ્લા અંદાજોમાં જણાયું છે કે ઘરની બહાર વાયુના પ્રદૂષણમાં, પીએમ૨.પ નામના પ્રદૂષક કણોના સંપર્કમાં લાંબા સમય સુધી આવવાને કારણે દર વર્ષે ૪૨ લાખ લોકો સમય કરતા વહેલા મૃત્યુ પામે છે.
આ છેલ્લામાં છેલ્લો અભ્યાસ સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયો છે જે સૂચવે છે કે આઉટડોર પીએમ૨.પ કણોને કારણે દુનિયાભરમાં વર્ષે જે મૃત્યુઓ થાય છે તે અગાઉ માનવામાં આવતા હતા તેના કરતા ઘણા વધારે છે. આ એટલા માટે થયું છે કે સંશોધકોને જણાયું છે કે આઉટડોર પીએમ૨.પનું ઘણુ ઓછું પ્રમાણ પણ મૃત્યુ નિપજાવવાનું જોખમ ધરાવે છે જે અગાઉ ઘાતક માનવામાં આવતું ન હતું. આ સૂક્ષમ ઝેરી કણો અનેક પ્રકારના કાર્ડિયોવસ્ક્યુલર અને શ્વસનતંત્રના રોગો અને વિવિધ પ્રકારના કેન્સરો જન્માવે છે.
અમને જણાયું છે કે આઉટડોર પીએમ૨.પ વિશ્વમાં વધારાના ૧૫ લાખ મૃત્યુઓ માટે દર વર્ષે જવાબદાર હોય છે કારણ કે ઘણા આ કણો ઘણા ઓછા પ્રમાણમાં ભેગા થયા હોય તેની અસર અગાઉ ગણતરીમાં લેવામાં આવી ન હતી. સંશોધકોએ પચ્ચીસ વર્ષના સમયગાળામાં સિત્તેર લાખ કેનેડિયનો પર કરવામાં આવેલા અભ્યાસના આરોગ્ય અને મૃત્યુદરના આંકડાઓ ભેગા કર્યા હતા જેમાં દેશભરમાં આઉટડોર પીએમ૨.પ કણોની જમાવટની માહિતી પણ હતી. કેનેડા એ એક એવો દેશ છે કે જ્યાં આઉટડોર પીએમ૨.પ કણોનું પ્રમાણ નીચું છે, જે આ કણોના ઓછા પ્રમાણની આરોગ્ય પર થતી અસરના અભ્યાસ માટે એક સંપૂર્ણ અનુકૂળ સ્થળ બનાવે છે.
આપણા દેશની રાજધાનીનું શહેર દિલ્હી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ થઇ ચુક્યું છે અને હાલમાં એક સર્વેક્ષણમાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે હાલ શિયાળામાં દિલ્હીમાં ખૂબ વધેલા વાયુના પ્રદૂષણ વચ્ચે દિલ્હીના ૮૦ ટકા કુટુંબોમાંથી ઘરના કોઇને કોઇ સભ્યને પ્રદૂષણને કારણે આરોગ્યની સમસ્યા ઉભી થઇ છે. આ બાબતની ચર્ચા આ સ્થળે અગાઉ પણ થઇ જ છે. લોકલસર્કલ્સ નામના જૂથ દ્વારા આ બાબતે ૧૯૦૦૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી ૧૮ ટકા લોકોએ તો આ બિમારીઓ અંગે ડોકટરની મુલાકાત પણ લીધી છે એમ જાણવા મળેછે.
આ સર્વેક્ષણમાં એમ પણ જણાયું છે કે જેમના પર સર્વે કરવામાં આવ્યો હતો તે કુટુંબોમાંથી ૮૦ ટકા કુટુંબોમાંથી કુટુંબના ઓછામાં ઓછા એક સભ્યને હવાના પ્રદૂષણને કારણે શ્વસનને લગતી કોઇને કોઇ પ્રકારની સમસ્યા છે. દિલ્હી, નોઇડા, ગાઝીયાબાદ, ગુરુગ્રામ વગેરે વિસ્તારોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ તો ફક્ત શિયાળાની વાત છે પરંતુ દિલ્હી સહિતના ભારતના અનેક શહેરોમાં આખું વર્ષ પણ સ્થિતિ સારી નથી હોતી.
વાયુના પ્રદૂષણને કારણે આરોગ્યની સમસ્યાઓ ઉભી થઇ રહી છે તેનો આ પ્રદૂષણ ઘટાડવા સિવાય બીજો તો કોઇ ઉપાય હાથવગો જણાતો નથી. હવાનું પ્રદૂષણ હવે વિશ્વવ્યાપી બની ગયું છે અને બહુ ઓછા સ્થળો આ પ્રદૂષણથી મુક્ત રહ્યા છે ત્યારે લોકોનું મોટા પાયે પ્રદૂષણમુક્ત વિસ્તારોમાં સ્થળાંતર શક્ય નથી. દુનિયામાં લોકોની તંદુરસ્તી માટે પણ વાયુનું પ્રદૂષણ ઘટાડવું જરૂરી બન્યું છે.