Business

નિમણૂકના 2 અઠવાડિયા પછી ઇલ્કર આયસીએ એર ઇન્ડિયાના CEOની ભૂમિકાને નકારી કાઢી

નવી દિલ્હી: (New Delhi) એર ઈન્ડિયા(Air India) તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સ(Tata Sons) દ્વારા 14 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયાના નવા સીઈઓ(CEO) તરીકે ઇલ્કર આયસીની (Ilker Ayci) નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેમણે આ ઓફરને(Offer) ઠુકરાવી દીધી છે. ઘણા વર્ષ બાદ ટાટા સન્સમાં પરત ફર્યા બાદ એર ઈન્ડિયામાં ફેરફારોની શ્રેણી શરૂ થઇ હતી. તેને મંગળવારે મોટો ઝટકો લાગ્યો છે. સ્વદેશ પરત ફર્યા બાદ ટાટાએ તુર્કી એરલાઈન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીની નિમણૂકને મંજૂરી આપી હતી. પરંતુ હવે ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોએ એક અહેવાલમાં જણાવાયું છે કે તેઓએ એર ઈન્ડિયાની ઓફરને ઠુકરાવી દીધી છે.

  • તુર્કી એરલાઈન્સના ભૂતપૂર્વ ચેરમેન હતા ઇલ્કર આયસી
  • એર ઈન્ડિયાના સીઈઓ તરીકે 2 અઠવાડિયા પહેલા થઇ નિમણૂક
  • ઇલ્કર આયસીને નિમણૂક થઈ ત્યારથી તેમના પર થનારી તપાસનો હતો ડર

જો કે આ ઈન્કાર અંગે રિપોર્ટમાં વધુ માહિતી આપવામાં આવી નથી પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇલ્કર આયસીએ ટાટા જૂથની એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર બનવાની ઓફરને ઠુકરાવી દીધી છે. નોંધપાત્ર છે કે 14 ફેબ્રુઆરીએ, ટાટા સન્સે એર ઈન્ડિયાના સીઈઓ તરીકે ઇલ્કર આયસીની નિમણૂકની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ આરએસએસ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કહ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઇલ્કર આયસીની નિમણૂકને મંજૂરી ન આપવી જોઈએ.

ઇલ્કર આયસીની નિમણૂક થઈ ત્યારથી તેમના પર તપાસની તલવાર લટકી રહી હતી. મળતી માહિતી મુજબ સ્થાપિત પરંપરા અનુસાર ભારતમાં મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત તમામ વિદેશી નાગરિકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવે છે. ઇલ્કર આયસીના કિસ્સામાં પણ તે જ થવાનુ હતું. આ દરમિયાન, અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇલ્કર આયસીએ પાકિસ્તાનના સાથી ગણાતા તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. આ બાબતો પણ તેમના ઇનકારનું કારણ હોઈ શકે છે. હાલમાં તેઓ તુર્કીશ ફૂટબોલ ફેડરેશન, તુર્કીશ એરલાઈન્સ સ્પોર્ટ ક્લબ અને TFF સ્પોર્ટિફ અનામી સિરકેટીના બોર્ડ મેમ્બર છે.

Most Popular

To Top