વિમાનમાં મહિલા પર પેશાબની ઘટનામાં એર ઇન્ડિયાના CEOએ માફી માંગી, 4 કેબિન ક્રૂને ફરજ પરથી હટાવ્યા – Gujaratmitra Daily Newspaper

National

વિમાનમાં મહિલા પર પેશાબની ઘટનામાં એર ઇન્ડિયાના CEOએ માફી માંગી, 4 કેબિન ક્રૂને ફરજ પરથી હટાવ્યા

એર ઇન્ડિયાના વિમાનમાં (Air India Flight) મહિલા પેસેન્જર પર પેશાબ (Urine) કરના વ્યક્તિ પોલીસના હાથે પકડાઈ ગયો છે. પોલીસે (Police) શંકર મિશ્રા નામના આ વ્યક્તિની બેંગલુરુમાંથી ધરપકડ કરી છે. આરોપી શંકર મિશ્રાને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બેંગ્લોરથી ધરપકડ કરાયા બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બીજી તરફ એર ઈન્ડિયાના કેબિન ક્રૂ (Cabin Crew) વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર પર અન્ય યાત્રી દ્વારા પેશાબની ઘટના અંગે એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને શનિવારે માફી માંગી હતી. આ સાથે તેમણે મહિલા સાથે અભદ્ર વર્તનના મુદ્દે 4 કેબિન ક્રૂ અને એક પાયલટને (Pilot) કારણ બતાવો નોટિસ ફટકારી છે અને તેમને તાત્કાલિક અસરથી રોસ્ટરમાંથી દૂર કર્યા છે.

એર ઇન્ડિયામાં બનેલી ઘટના બાદ તમામ કેબિન ક્રૂ કર્મચારીઓની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. તેઓને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટમાં દારૂ પીરસવામાં આવ્યો હતો. તે પછી જો આવો કિસ્સો બને તો તેની તાત્કાલિક માહિતી શા માટે આપવામાં ન આવી. દુર્વ્યવહાર પ્રત્યે તુરંત શું કાર્યવાહી કરવામાં આવી, કાર્યવાહીમાં કેમ વિલંબ થયો, આવી તમામ બાબતો તપાસમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે એર ઈન્ડિયાએ એરક્રાફ્ટમાં આલ્કોહોલ પીરસવાની તેની નીતિની સમીક્ષા કરવાનું પણ કહ્યું છે.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને શનિવારે નવેમ્બરમાં ન્યૂયોર્કથી ફ્લાઈટમાં એક મહિલા સહ-પ્રવાસી પર પુરુષ પેસેન્જર દ્વારા પેશાબ કરવા બદલ માફી માંગી હતી અને કહ્યું હતું કે ચાર ક્રૂ સભ્યો અને એક પાઈલટની તપાસ કરવામાં આવશે. એરલાઇન બોર્ડ પર આલ્કોહોલ સર્વ કરવા અંગેની તેની નીતિની સમીક્ષા કરી રહી છે. ઘટનાને યોગ્ય રીતે ન સંભાળવા બદલ ટીકાઓ વચ્ચે વિલ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇન આ બાબતને વધુ સારી રીતે હેન્ડલ કરી શકી હોત અને આવા અયોગ્ય વર્તનની જાણ કરવા માટે એક મજબૂત મિકેનિઝમ બનાવવાનું વચન આપ્યું હતું.

બીજી તરફ આ ઘટનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીનું નામ શંકર મિશ્રા છે અને તેને બેંગલુરુથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. મિશ્રા એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના બાદ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા શનિવારે એર ઈન્ડિયાના સ્ટાફને બીજું સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં દિલ્હી પોલીસે એરક્રાફ્ટના સ્ટાફને શુક્રવારે નોટિસ પાઠવી હતી પરંતુ ફ્લાઈટ સ્ટાફ આવ્યો નહોતો.

પિતાએ કર્યો લૂલો બચાવ
પોલીસે આરોપી શંકર મિશ્રાના પિતા શ્યામ મિશ્રાને પણ નોટિસ આપી છે. આરોપીના પિતાએ પોતાના પુત્ર પર લગાવેલા આરોપોને નકારી કાઢતા કહ્યું પીડિતાએ તેની પાસે વળતર માગ્યું હતું, અમે તેને વળતર પણ આપ્યું. પછી ખબર નહીં શું થયું. શંકરના પિતાએ પોતાના પુત્રનો બચાવ કરતા જણાવ્યું હતુ કે મારો દીકરો સંસ્કારી છે અને તે આવું કામ કરી શકે નહીં. તેમણે કહ્યું કે ફ્લાઈટમાં તેને ડ્રિન્ક આપવામાં આવ્યું હતું એ પીધા બાદ તે સૂઈ ગયો હતો.

Most Popular

To Top