Comments

એનડીએમાં ભંગાણ : એઆઈડીએમકે છેડો ફાડ્યો

વિપક્ષો દ્વારા ‘ઇન્ડિયા’ના રચના બાદ ભાજપ દ્વારા એનડીએના વિસ્તાર માટે ખાસ્સા પ્રયાસ કરાયા અને એમાં કુલ્લે ૩૯ પક્ષો સમાવાયા. ‘ઇન્ડિયા’કરતાં પણ વધુ. દેખાવ એવો થયો કે, એનડીએ બહુ મજબૂત છે, વિપક્ષી મોરચો એની સામે બહુ નબળો છે. પણ એનડીએમાંથી કેટલાક પક્ષો નારાજ છે અને એમાં અકાલી દળ બાદ એઆઈડીએમકે છેડો ફાડ્યો છે. એનડીએમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો અને દક્ષિણમાં ભાજપનો સૌથી મોટો સાથી એનડીએમાંથી બહાર થયો એ કારણે દક્ષિણમાં ભાજપ માટે પગ જમાવવાની શક્યતામાં ગાબડું પડ્યું ગણાય.

તામિલનાડુ દક્ષિણનું મોટું રાજ્ય છે અને ત્યાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, પણ પોરાદેશિક પક્ષો રચાયા ત્યારથી કોંગ્રેસ ત્યાં સત્તાથી દૂર થઇ ગઈ અને ડીએમકે અને અન્નાડીએમકે વચ્ચે સત્તા રહી. એક ટર્મ ડીએમકે સત્તા પર હોય તો બીજીવાર અન્નાડીએમકે. આ બધામાં બીજા કોઈ પક્ષનો ગજ વાગતો નથી. એમાં ભાજપ માટે તો કોઈ શક્યતા નજીકના સમયમાં જણાતી નથી. કારણ કે, અન્નાડીએમકેના સહારે ભાજપ તામીલનાડુમાં ઘુસ્યો તો ખરો પણ છેલ્લા ઘણા સમયથી બંને પક્ષે મનમુટાવ છે અને હવે બંને વચ્ચેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને લોકસભાની ચૂંટણી સાવ નજીક છે ત્યારે. તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈ કુપ્પુસ્વામીએ જયલલિતા વિરુદ્ધ બહુ બખાળા કાઢ્યા. એનાથી અન્નાડીએમકેના નેતાઓ નારાજ હતા. આ જ જયલલિતાના એક વોટના કારણે વાજપેયી સરકાર પડી ગઈ હતી. એ જ જયલલિતાના ગયા બાદ ભાજપે એના જ પક્ષ સાથે હાથ મિલાવ્યા. અગાઉ ડીએમકે સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરેલો પણ એ નિષ્ફળ ગયો હતો.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં ભાજપનો જયજયકાર થયો હતો, પણ દક્ષિણનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપને નામની બેઠક મળી હતી. તામિલનાડુની ૩૯માંથી ૩૮ બેઠકો ડીએમકેને મળી અને છેલ્લે ધારાસભાની ચૂંટણી થઇ ૨૦૨૧માં અને એમાં ય ડીએમકેનો મોરચો સત્તા પર આવ્યો. ડીએમકે મોરચાને કુલ ૧૫૯ બેઠકો મળી હતી અને અન્નાડીએમકેના મોરચાને માત્ર ૬૬. એમાં ય ભાજપને ચાર બેઠક. ભાજપ એનાથી સંતુષ્ટ હતો કારણ કે, એનું ખાતું ખુલ્યું હતું.

ભાજપને એમ હતું કે અન્નાડીએમકે સાથે રહી એ બિહાર કે અન્ય રાજ્યોની જેમ તામિલનાડુમાં પગ જમાવી શકશે. પણ એવું શક્ય બન્યું નથી. બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે અને આખરે બંને વચ્ચે ભંગાણ પડ્યું છે. ભાજપને ત્યાં બીજો કોઈ મજબૂત સાથી મળે તેવી કોઈ શક્યતા નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે લડવું પડશે. આમે ય એનડીએમાં છેલ્લા ઘણા સમયથી મોટા પક્ષો નારાજ ચાલે છે અને પક્ષ છોડી ગયા છે. વાજપેયી હતા ત્યારે એનડીએના મોરચામાં ૨૪ પક્ષો હતા. આજે એનડીએમાં ૩૯ પક્ષો છે પણ એમાં મોટા ભાગના સાવ નાના પક્ષો છે અને ઘણા પક્ષો એવા છે કે, જેનું લોકસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી.

૧૯૯૦ના દાયકાથી આજ સુધીમાં ૨૭ પક્ષો એનડીએ છોડી ગયા છે. એમાં શિવસેના , જેડીયુથી માંડી અકાલી દળ અને હવે અન્નાડીએમકેનો ઉમેરો થયો છે. હા, શિવસેના અને એનસીપીમાં ભંગાણ પાડ્યા બાદ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી એનડીએમાં છે, પણ શિંદે અને અજીત વચ્ચે ખટરાગ છે અને એમાં ભંગાણ ક્યારે પડે એ કહી ના શકાય. જો કે, ભાજપ એકલા હાથે સત્તા મેળવી શકે છે એવી માનસિકતા પર મુસ્તાક છે. પણ સાથી પક્ષો સાથે તાલમેળ બેસાડવામાં એ નિષ્ફળ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં ભાજપ ભીંસમાં

મધ્યપ્રદેશમાં ચૂંટણી નજીક આવે છે એમ ભાજપની સમસ્યા વધતી જાય છે. આ રાજ્યમાં સૌથી વધુ સત્તાકાળ જેમના નામે છે એ શિરાજસિંહ ચૌહાણને કાળ પ્રમાણે વેતરવાનું શરૂ થઇ ચૂક્યું છે એવું લાગી રહ્યું છે. પક્ષ દ્વારા ધારાસભા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાય એ સ્પષ્ટ કરે છે કે, શિવરાજને મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવવામાં રસ રહ્યો નથી. બીજી યાદીમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પક્ષના બોલકા મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયને ટીકીટ આપવામાં આવી છે.

આ બંને રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારાયા એ દર્શાવે છે કે, શિવરાજ ફરી સત્તા લાવી આપે એવું રહ્યું નથી. ગઈ ચૂંટણીમાં ભાજપ હાર્યો હતો અને બાદમાં ગેહલોત અને સિંધિયા વચ્ચે સમસ્યા થઇ. સિંધિયા કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં ગયા અને શિવરાજ ફરી મુખ્યમંત્રી બન્યા, પણ પાંચ વર્ષ થતાં થતાં શિવરાજ સામે પડકારો વધી ગયા છે. કેટલીય લોકપ્રિય યોજના [ લાડલી સહિત ] જાહેર કર્યા બાદ ભાજપ હારી જાય એવી સ્થિતિ ભાજપના આંતરિક અહેવાલમાં એવાં તારણો છે.

છેલ્લા થોડા સમયથી ભાજપમાં ભંગાણ પડવાનું શરૂ થયું છે. કોર્પોરેટરથી માંડી ધાસભ્યો સુધીના ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ગયા છે અને આવી સંખ્યા ૪૦ જેટલી છે. જેમાં એમએલએ વીરેન્દ્ર રઘુવંશી ,પૂર્વ એમએલએ ભંવરસિંહ શેખાવત, પૂર્વ એમપી મખનસિંહ સોલંકી અને અનેક વાર ચૂંટણી જીતનારા દીપક જોશી અને ગિરિજાશંકર શર્મા પણ ભાજપમાં ગયા છે; સિંધિયાના સાથીદારોનો પણ એમાં સમાવેશ થાય છે અને તાજેતરની ચૂંટણી રેલીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવરાજ સરકાર કે એમની યોજનાઓનું નામ પણ ના લઈ માત્ર કોંગ્રેસ પર જ વાર કરવાનું વલણ દાખવ્યું એ પણ કેટલાક ઇશારા કરી જાય છે. ભાજપ માટે ફરી સત્તા મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

મણીપુર ફરી સળગ્યું
મણીપુરમાં સ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. ભાજપની સરકાર મણીપુરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગઈ છે. પહેલાં મહિલાઓની નગ્ન પરેડ અને બળાત્કારના કિસ્સાઓને કારણે મણીપુરમાં બે સમાજ વચ્ચે હિંસા ભડકી ઊઠી. હવે બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના મુદે્ હિંસા ભડકી છે. અને મુખ્યમંત્રી બીરેનસિંહના પૈતૃક ઘર પર લોકોના હુમલાનો પ્રયાસ થયો એ અશાંતિ કેટલી હદે છે એ દર્શાવે છે. કેટલાય મહિનાઓથી અહીં હિંસા થઇ રહી છે; લશ્કરની હાજરી હોવા છતાં હિંસા અટકી નથી. નાગા અને મૈતાઈ સમાજ વચ્ચે લાગેલી આગ ઠરી નથી અને હવે ફરી આફ્સ્પા લાગુ પડાયો છે. ઈન્ટરનેટ સેવા ઠપ કરાઈ છે. અહીં શાંતિ ક્યારે સ્થપાશે એ કહેવું મુશ્કેલ છે. કેન્દ્ર સરકાર પણ ઉદાસીન રહી છે. વડા પ્રધાન આ મુદે્ મૌન જ રહે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top