ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા છતાં અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં નિધરાડ અને નવાપુરા ગામ (Nidhrad And Navapura Village) ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો મહિલાઓ ડીજેના તાલ સાથે માથે બેડા મૂકીને નીકળી હતી. ગામના ભૂવાજીના કહેવાથી બળિયા બાપજીને ટાઢા કરવા અભિષેક કરવા માટે તેઓ માથે બેડા લઇને નીકળી હતી. પોલીસે 23 લોકો સામે પગલા લઈને તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગરમાં સરકારમાં ઉચ્ચ સ્તરે થતાં નિધરાડ ગામે ૨૩ લોકો સામે પગલા લઈને તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સવારથી સોશિયલ મીડિયા પર ડીજેના તાલે ગરબા સાથે માથે પાણી ભરેલા બેડા લઈને જઈ રહેલી મહિલાઓનો વીડિયો વાયરલ થયો હતો. નિધરાડ અને નવાપુરા ગામે આ ઘટના બની હતી. નિધરાડન સરપંચ ભીખાજીએ કહ્યું હતું કે બળિયાબાપાએ ભૂવાજીને આવીને કહેલું કે ૫૦-૧૦૦ માણસો આવીને મારા સ્થાનક પર પાણી રેડો … મને ટાઢો કરો એટલે ગામમાં બધુંયે સુખ શાંતિ કરી નાખું છું. ગામમાં ૧૫ દિ’માં ૩૦ માણસો મરી ગયા છે. જો કે પાણીનો અભિષેક કર્યા પછી શાંતિ છે. કોઈ મરણના સમાચાર આવ્યા નથી. બળિયાદેવ અમને આવુ કહે , અને અમે ના કરીયે તો , એટલે અમારે તેમને ટાઢા તો પાડવા પડે ને !
સાણંદના નિધરાડ ગામે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ડીજેને તાલે માથે પાણી ભરેલા બેડા લઈને બળિયાબાપાના મંદિરે વરઘોડા સ્વરૂપે ગઈ હતી એટલુ જ નહીં પાણીનો અભિષેક પણ કર્યો હતો. આ વરઘોડામાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. એટલુ જ નહીં કોઈએ માસ્ક પણ પહોર્યા નહોતા. આટલી મોટી સંખ્યામાં વરઘોડો નીકળ્યો ત્યાં સુધી પોલીસને જાણ થઈ નહોતી. અલબત્ત સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો તે પછી પોલીસ એકશનમાં આવી હતી. એટલુ જ નહીં ૨૩ લોકોની અટકાયત કરી લેવાઈ છે. કોરોના શાંત થાય એટલા માટે ઉત્તર ગુજરાતમાં લગભગ ગામે ગામ આ જ પ્રમાણે લોકો બળિયાબાપાના મંદિરે પ્રસાદ ચડાવવા જઈ રહ્યાં છે. હમણાં મહેસાણાના મેઉ ગામે પણ પુરૂષો મોંમાં ચપ્પલ લઈને બળિયાદેવના મંદિરે પ્રસાદ કરવા ગયા હતા.