AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ ભાજપમાં ભડકો થયો છે. સિનિયર આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાવાની સંભાવનાને જોતાં ભારે નારાજગી સાથે રોષ ફાટી નીકળ્યો છે.
મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી છે. તેને લઈને ભાજપમાં ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે આ વખતે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીના ધોરણો કડક બનાવવામાં આવ્યા હોવાથી અમદાવાદ શહેર ભાજપમાં ભડકો થયો છે. લગભગ ૭૦ ટકા જેટલા સિનિયર આગેવાનો અને પૂર્વ મેયર – કોર્પોરેટરોની ટીકીટ કપાય તેવા એંધાણો વર્તાઇ રહ્યા છે. શહેરના બાપુનગર, ઠક્કરબાપાનગર, મણીનગર, ચાંદખેડા, મેધાણીનગર સહિતના વોર્ડમાં ભાજપના સિનિયર આગેવાનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા સભ્યો તેમજ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને ટિકિટ નહીં આપવાના ધોરણ અને લઈને ભાજપમાં આંતરિક કચવાટ ઉભો થયો છે. સિનિયર આગેવાનોનું કહેવું છે કે રાત-દિવસ જોયા વગર ભાજપ માટે કામ કરી લોકોમાં અને વોર્ડમાં પોતાની અલગ પ્રતિષ્ઠા ઉભી કરી હોય છે, તેવામાં જો ટિકિટ આપવામાં કડક નિયમો લાગુ કરવાના બહાને ટીકીટ કાપવામાં આવે તો આટલા વર્ષોની મહેનત કામ ન લાગે તે શું કામનું ? આ ઉપરાંત પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણયને પગલે પણ ભાજપમાં ડખા ઉભા થયા છે. કેટલાક સિનિયર આગેવાનો અને ધારાસભ્ય પોતાના પરિવારના સભ્યો માટે ટિકીટ માગી છે. તેવામાં પ્રદેશ અધ્યક્ષના નિર્ણયને પગલે ભાજપમાં કચવાટ ઉભો થયો છે. બીજી તરફ સીમાંકનના પગલે તેમજ અનામત બેઠકોને ધ્યાનમાં લેતા કેટલાય વોર્ડમાં બેઠકોને લઇને ફેરફાર થઈ શકે છે. કેટલાક પૂર્વ કોર્પોરેટરો આગેવાનોની ટીકીટ કપાય તેવી સંભાવનાઓ જણાય રહી છે. આ સ્થિતિને જોતા શહેર ભાજપમાં હાલના તબક્કે ઉકળતા ચરુ જેવી સ્થિતિ વર્તાઈ રહી છે.
બીજી બાજુ અમદાવાદમાં ભાજપના ઉમેદવાર નક્કી થાય તે પહેલા મેયરપદ માટે ભારે રસાકસી શરૂ થઇ છે. અંદરના સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ અડધા અમદાવાદની ટિકિટ અમિત શાહ (Amit Shah) નક્કી કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું આ વલણ જોતા એવું લાગે છે કે આ વખતે ભાજપ યુવા નેતાઓને પ્રાધાન્ય આપશે. જો કે C R Patilએ ઘણા સમય પહેલા એવી જાહેરાત કરી હતી કે હવે 60થી વધુ વર્ષના નેતાઓને ટિકીટ મળશે નહીં.