Gujarat

અમદાવાદમાં કોરોના વેક્સિન લીધા બાદ 15 વર્ષનો કિશોર બેભાન, પિતાએ કર્યો મોટો આક્ષેપ

અમદાવાદ: અમદાવાદ (Ahemdabad) શહેરમાં 15 વર્ષના સગીરને વેક્સીન (Vaccine) લીધા બાદ બેભાન થઇ જવાની ઘટના સામે આવી છે. આ મામલે પિતાએ દાવો કર્યો છે કે ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટરે કિશોરને ભૂલથી ખોટી રસી ઓપી હોવાને કારણે તે બેભાન (Unconscious) થયો છે. જો કે સરકારના નિયમ મુજબ 15 થી 18 વર્ષના બાળકોને કોવેક્સીન નામની રસી આપવામાં આવે છે. આ અંગે પિતાએ પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી છે.

કિશોરના પિતાનો દાવો છે કે કોવેક્સીનના બદલે કોવિશીલ્ડ વેક્સિન આપતા સગીર બેભાન થઇ ગયો હતો. ત્યાર બાદ તેની સારવાર પણ કરવામાં આવી હતી. આ કિશઓરની ઓળખ ધ્રુવરાજસિંહ વાઘેલા તરીકે થઇ છે. વેક્સિન બાદ બેભાન થઇ જતાં કિશોરના પિતાએ ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટર પર ખોટી રસી મૂકવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યુ છે કે હેલ્થ સેન્ટરમાં સગીરને કોવેક્સીનના બદલે કોવિશીલ્ડ વેક્સિન અપાઈ છે. જેના કારણે તે બેભાન થયો હતો.

આ મામલે ધ્રુવરાજસિંહના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કિશોરના પિતાએ કહ્યુ કે મારા દીકરા ધ્રુવરાજસિંહ વાઘેલાની ઉંમર 15 વર્ષ છે. તેથી તેને કોવિડનો બીજો ડોઝ આપવાનો હતો. ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટરમાં જોણ કરી હતી કે પહેલો ડોઝ કોવેક્સીનનો અપાયો હતો. તેમ છતાં કોવેક્સીનના બદલે કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી હતી. જેના કારણે દીકરાની તબિયત બગડી હતી. જે બાદ સ્ટાફ પર દોષ ન આવે તે માટે બેહોશ થવાના નાટક કરવામાં આવ્યા હતા.તેમ છતાં હેલ્થ સેન્ટરના અન્ય કર્મચારીઓનો દાવો છે કે હેલ્થ સેન્ટર દ્વારા કિશોરને યોગ્ય રસી જ આપવામાં આવી છે. જો કે સગીરને ખોટી રસી લાગવાના આરોપ અંગે વિવાદ પણ થયો હતો. અન્ય કર્મચારીઓનું કહેવું છે કે કિશોરને રસી આપનાર કર્મચારી પણ બેભાન થઈ ગયો હતો. આ વિશે ડેપ્યુટી હેલ્થ ઓફિસર જીટી મકવાણાએ કહ્યુ કે કોવેક્સીનનો ડોઝ અપાયાનુ સર્ટિફિકેટ પણ અપાયુ છે. ડો.કીર્તિબેને કોવેક્સીનનો ડોઝ અપાયાનુ જોયુ જ છે.

ઉલ્લેખનીય છે કે બે અલગ-અલગ કંપનીની વેક્સિન અપાયા હોવાના વિશ્વભરમાં અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. પરંતુ તેમાંથી જાનહાનિના કોઇ કિસ્સા નોંધાયા નથી. આ સમગ્ર કેસ મામલે ડોક્ટરના કહેવા મુજબ હાલમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે બાળકને લૂ લાગતા તે બેભાન થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે.

Most Popular

To Top