સુરત (Surat): સુરતમાં આજે તા. 20 જૂનને સવારથી જ પોલીસનો (Police) કાફલો હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે. પોલીસને જોઈ શહેરીજનો અચરજમાં મુકાયા છે. પોલીસ જવાનોને ઉચ્ચસ્તરેથી એલર્ટ (Alert) રહેવાના આદેશ કરાયા હોય 39 પોલીસ જવાનોની સ્પેશિયલ ટૂકડીને હથિયારો સાથે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.
વાત જાણ એમ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્મીમાં (Army) ભરતી માટે અગ્નિપથ (Ageepath) યોજનાની જાહેરાત કરવામાં આવે ત્યાર બાદથી જ યુપી, બિહાર, ઝારખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાનો થઈ રહ્યાં છે. યુવાનો ટ્રેનો સળગાવી રહ્યાં છે. આજે તા. 20 જૂનના રોજ વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેને પગલે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. શહેરમાંભારત બંધ ની અસર જોવા મળી નથી પરંતુ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ઠેરઠેર હથિયારો સાથે પોલીસનો કાફલો રસ્તા પર તૈનાત થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે હજુ સુધી સુરતમાં કોઈ અપ્રિય ઘટના બની નથી. ઘણા સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું હોય સુરત પોલીસ એલર્ટમાં છે, જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, સુરત પોલીસ એલર્ટ છે. તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. 39 જેટલાં પોલીસ કર્મચારીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેઓ માટે વિશેષ વાહનોની વ્યવસ્થા કરાઈ છે. રાયોટીંગ કીટ જેવા કે ટીયર ગેસના સેલ સાથે પોલીસ સજ્જ છે. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. અધિકારીઓને પોતાના વિસ્તારમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપી દેવાઈ છે. પોલીસ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ: 500 ટ્રેનો રદ
અગ્નિપથ યોજના(Agnipath Scheme)ના વિરોધ(Protest)માં આજે ભારત(India) બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ યોજનાના વિરોધમાં અનેક વિદ્યાર્થી સંગઠનોએ ભારત બંધ(Bharat Bandh)નું એલાન આપ્યું છે. જેના પગલે આરપીએફ(RPF) અને જીઆરપી(GRP)ની ટુકડીઓને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. હાલમાં જ આ યોજનાને પગલે બનેલી હિંસક ઘટનાઓ બાદ આરપીએફ અને જીઆરપી ઘણી તકેદારી રાખી રહ્યા છે. બિહાર(Bihar)ના 20 જિલ્લામાં ઈન્ટરનેટ(Internet) સેવા બંધ(Off) કરી દેવામાં આવી છે. તેમજ યુપી, હરિયાણા, બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ વહીવટીતંત્ર એલર્ટ છે. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદથી પ્રદર્શનના નામે હિંસક ઘટનાઓને બની રહી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં અનેક ટ્રેનો, બસો અને વાહનોમાં તોડફોડ કરી છે અને આગ લગાવી દીધી છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને આજે ઝારખંડમાં તમામ શાળાઓ બંધ છે.
અગ્નિપથ યોજના અને ભારત બંધ પરના હંગામા વચ્ચે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ વિવિધ ઝોનમાં દેશભરમાં અનેક ટ્રેનો રદ કરી છે. જેમાં પેસેન્જર અને એક્સપ્રેસ સહિત કુલ 539 ટ્રેનોના પૈડા આજે સોમવાર એટલે કે 20 જૂને થંભી ગયા છે. તેમજ સુરક્ષાના સંદર્ભમાં, RPF કમાન્ડો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ તૈનાત છે.