સામાન્ય રીતે કોન્ટ્રેક્ટ જમીન, મકાન અને અન્ય વસ્તુઓના થતા હોય છે. કોન્ટ્રેક્ટ પર બંને પક્ષની સાઈન પણ લેવામાં આવતી હોય છે, જેમાં ઘણી શરતો પણ હોય છે અને તેનું પાલન બંને પક્ષોએ કરવું પડશે, એવું સ્પષ્ટ લખવામાં આવે છે. અલબત્ત, આને જ કોન્ટ્રેક્ટ કહે છે. જો કે, જમીન, મકાન છોડીને આજકાલ વિવિધ પ્રકારના લગ્નના કોન્ટ્રેક્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અલબત્ત, લગ્નમાં આ કોન્ટ્રેક્ટ રિવાજો સિવાય પતિ-પત્નીની શરતો પર કરવામાં આવી રહ્યા છે. આવો જ એક ‘વેડિંગ કોન્ટ્રેક્ટ’ આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ કોન્ટ્રેક્ટ વરરાજાના મિત્રો દ્વારા દુલ્હન માટે બનાવવામાં આવ્યો છે, જેથી લગ્ન પછી પણ રાત્રે વરરાજા તેના મિત્રો સાથે મુક્તપણે ફરી શકે! નહીં સમજ્યા, આવો ડિટેલમાં વાત કરીએ.
વરનું નામ રઘુ એસકેડીઆર અને કન્યાનું નામ અર્ચના એસ છે. તેમના લગ્નનો એક કોન્ટ્રેક્ટ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવ્યો છે. આમ તો આ કોન્ટ્રેક્ટ મલયાલમ ભાષામાં લખાયેલો છે. આ કોન્ટ્રેક્ટમાં વરરાજાના મિત્રોની એવી શરત છે કે લગ્ન પછી પણ વરરાજા તેના મિત્રો સાથે રાત્રે 9 વાગ્યા સુધી હેંગઆઉટ કરી શકશે! આ કોન્ટ્રેક્ટની શરતો મુજબ, વરરાજા બહાર હોય ત્યારે વધૂ, એટલે કે તેના મિત્રની ભાવિ પત્ની તેને વારંવાર ઘરે આવવા માટે ફોન કરી પ્રેસર કરશે નહીં. આ કોન્ટ્રેક્ટના સ્ટેમ્પ પેપર પર 5 નવેમ્બરની તારીખ છે. કોન્ટ્રેક્ટ પર કન્યા સહિત બે સાક્ષીઓની પણ સહીઓ છે.મીડિયા રિપોર્ટસ અનુસાર વાયરલ ‘વેડિંગ કોન્ટ્રેક્ટ’ કેરળના એક કપલનો છે. તેમના લગ્ન 5 નવેમ્બરે પલક્કડના કાંજીકોડમાં થયા હતા. રઘુના મિત્રોએ આ લગ્નનો કોન્ટ્રેક્ટ કન્યાને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો, જેમાં આ તમામ શરતો લખવામાં આવી હતી. રઘુ કાંજીકોડમાં એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે અને અર્ચના બેંકની પરીક્ષાની તૈયારી કરી રહી છે.
આવો જ એક વેડિંગ કોન્ટ્રેક્ટ 22 જૂને વેડલોક ફોટોગ્રાફી નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં વર-કન્યા લગ્ન પછી એક જગ્યાએ બેઠા હતા અને કોન્ટ્રેક્ટ પર સહી કરી રહ્યા હતા. આ કોન્ટ્રેક્ટમાં 8 શરતો હતી. ઉદાહરણ તરીકે, વરરાજા મહિનામાં ફક્ત એક જ પિત્ઝા ખાશે. લગ્ન પછી, વરરાજા નાઇટ પાર્ટી કરી શકશે પરંતુ ફક્ત તેની પત્ની સાથે. બંનેએ રોજ જિમ જવું પડશે. વરરાજાએ દર રવિવારે નાસ્તો બનાવવો પડશે. આ કોન્ટ્રેક્ટમાં બીજી ઘણી રસપ્રદ શરતો પણ હતી.