Charchapatra

પૂનમ પોષીને, ઠંડી થાય ડોશી

દિવાળી જાય એટલે શિયાળાનો પ્રારંભ થાય અને પોષ મહિનો આવતાં ઠંડીનું પ્રમાણ ઘટવા માંડે. કારતક મહિનામાં ઠંડી પડે એટલે સ્વેટર જેકેટ કબાટમાંથી બહાર કાઢવાં પડે. ઓઢવા માટે રજાઈ બ્લેન્કેટની જરૂરિયાત ઊભી થાય. માગશર મહિનામાં ઠંડીનો પારો એકદમ ઊતરી જાય. પહેલાંના સમયમાં સુરતમાં શિયાળામાં મળસ્કે બહાર નીકળી શકાય નહીં એવી ઠંડી પડતી અને મોઢામાંથી ધુમાડા નીકળે. રાત્રે ઠંડીથી બચવા સુરતીઓ તાપણું કરતાં જોવા મળે. શિયાળામાં રાત્રે અને વહેલી સવારે ટ્રેનના વિસલ સંભળાય. શિયાળામાં શાળાનો સમય બદલાય.

દિવસ ટૂંકો અને રાત લાંબી, સવારે સાત વાગ્યા પછી અજવાળું થાય. સુરત શહેર નાનું હતું અને વસ્તી ઓછી હતી. પ્રદૂષણમુક્ત વાતાવરણ હતું. સાત્ત્વિક ખોરાક હતો. સુરતીઓ ઋતુની મજા મન મૂકીને માનતા હતા. આજે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળામાં ગરમી વધી છે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આ વર્ષે જોઈએ એવી ઠંડી પડી નથી ને ત્યાં તો અંબા માતાનો પ્રાગટય દિવસ પોષી પૂનમ પણ આવી ગઈ. વિકાસના વંટોળમાં ઋતુચક્ર બદલાયું છે પરિણામે વર્તમાન સમયમાં ‘પૂનમ પોષી એ ઠંડી ડોશી’ ઉક્તિ ખોટી પડે!
સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top