આણંદ : વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે રહેલી 15 લાખની કાર તેનો જ મિત્ર મામેરાના પ્રસંગમાં લઇ ગયો હતો. જોકે, બાદમાં આ કાર બારોબાર રૂ.5 લાખમાં ગીરવે મુકી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે મિત્રએ છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગરના નાના બજાર શારદા રેસીડેન્સી ખાતે રહેતા મયુર રણજીત ભરવાડ આણંદની પી.એમ. પટેલ કોલેજમાં ત્રીજા વર્ષમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. તેની પાસે થાર ગાડી કિંમત રૂ.15 લાખ હતી. મયુર ભરવાડ 23મી નવેમ્બર,21ના રોજ વિદ્યાનગર ફ્લેટ પર હતો તે સમયે તેનો મિત્ર જય ગોપાલ ઉર્ફે મુન્ના રબારી (રહે.પામોલ) આવ્યો હતો અને મારા ઘરે લગ્ન પ્રસંગ તથા મામેરૂનો પ્રસંગ હોય મારે ગાડીની જરૂર છે.
તો તું તારી થાર ગાડી દસેક દિવસ માટે આપ. તેમ કહ્યું હતું. આથી, મિત્રતાના સંબંધ ખાતર જય ઉપર ભરોસો મુકી ચાવી તેને આપતા ગાડી લઇ ગયો હતો. જોકે, દસેક દિવસ બાદ તેને ફોન કરતાં તેણે રિસીવ કર્યો નહતો. આથી, તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહતો. દરમિયાનમાં જાણવા મળ્યું કે, મયુરની ગાડી મીહીર વશરામ દેસાઇ (રહે.અમદાવાદ) પાસે છે. જેથી ગાડી પરત મેળવવા માટે મીહીરનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું કે, આ ગાડી જય રબારી મારી પાસે રૂ. પાંચ લાખમાં ગીરવે મુકી ગયો છે. જેથી આ જય દ્વારા વિશ્વાસઘાત કરાયો હોવાનું જણાતા વિદ્યાનગર પોલીસ મથકે જય ગોપાલ ઉર્ફે મુન્નાભાઈ રબારી (રહે.પામોલ) સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.