Ahmadabad : અમદાવાદ, સુરત ( Surat ) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું જોરદાર આક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલે કોરોના (corona) દર્દીઓની સ્થિતિ તો કફોડી બની છે, પરંતુ મૃતદેહોને પણ અંતિમવિધિ માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં ધીમે ધીમે કોરોનાએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. લગભગ તમામ હોસ્પિટલોમાં બેડ હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. ઓક્સિજનની અછત સર્જાય તેવી સ્થિતિ બનવા જઈ રહી છે. એમ્બ્યુલન્સ સેવાઓ પણ કલાકો સુધી વેઇટિંગમાં જોવા મળી રહી છે. તેવામાં અમદાવાદમાં મૃતદેહોની અંતિમ વિધિ માટે સ્મશાનગૃહમાં વેઇટિંગ સાથે લાંબી લાઈનો જોવા મળી રહી છે.
તાજેતરમાં જ સુરતમાં સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બીજી તરફ આજે અમદાવાદમાં પણ ક્યાંક સુરત જેવા જ દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ શહેરના વાડજ સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે મૃતદેહો વધુ પડતા આવી જતા અંતિમવિધિ માટે વધુ બે ચીમનીઓ શરૂ કરવી પડી હતી, તો વળી શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં એક સાથે આઠ જેટલા મૃતદેહો અંતિમવિધિમાં આવી પડતાં બે થી ત્રણ કલાકનું વેઈટિંગમાં રહેવું પડયું હતું. આ સમગ્ર સ્થિતિને જોતા મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને કલ્પાંત જોવા મળતો હતો.
તેવી જ રીતે અમદાવાદ માં રેમડેસિવિર ઇન્જેક્શન માટે હોસ્પિટલોમાં (hospital) લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રેમડેસિવિર ઇન્જેક્શન નો પૂરતો જથ્થો છે. તેમ છતાં પણ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનો મળી રહ્યા નથી. ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના સગાઓ જે હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશન મળે છે તે હોસ્પીટલની બહાર લાંબી લાઈનો લગાવીને સવારથી ઉભા થઈ જાય છે, પરંતુ બે-ત્રણ કલાકમાં જ ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડતો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલવાળા આ ઇન્જેક્શનોના ખુલ્લેઆમ કાળા બજાર કરી રહ્યા છે. હાલમાં એક ઈન્જેક્શન લગભગ 50 થી 60 હજારમાં મળી રહ્યું હોવાનું દર્દીઓના સગાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેવા સંજોગોમાં સામાન્ય માણસો આ ઇન્જેક્શનો કેવી રીતે ખરીદી શકે તે એક મોટો સવાલ છે.