Gujarat

ગુજરાતમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપ આવ્યો, સુરત બાદ કચ્છની ધરતી ધ્રુજી

કચ્છ: ગુજરાતમાં 24 કલાકમાં બે અલગ અલગ શહેરોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. સુરતમાં (Surat) મોડી રાત્રે ભૂકંપના આંચકા મહેસૂસ થયા બાદ હવે કચ્છમાં (Kutch) ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 1.51 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભાગદોડ મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર કચ્છનાં દુધઈ ખાતે બપોરે 1.51 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર રણ ઓફ કચ્છ લેક નજીક નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા અનુભવાયા રહ્યા છે. ત્યારે હવે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં અડધી રાત્રે આવ્યો હળવો ભૂકંપ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત રોજ મોડી રાત્રે સુરત જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરતમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 12.52 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8ની નોંધાઈ હતી. ઓછી તીવ્રતાના લીધે તેનો અનુભવ લોકોને થયો નહોતો. વળી, મોડી રાત્રિનો સમય હોવાથી લોકો ઊંઘમાં હોય ભૂકંપના આંચકા અનુભવાયા નહોતા. ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ 27 કિમી દૂર નોંધાયું
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ સુરતથી 27 કિ.મી. દૂર હજીરાના દરિયા કિનારામાં નોંધાયું છે. સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.8 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 5.2 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તેનું કેન્દ્ર અરબી સમુદ્રમાં હતું. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે કચ્છના ભચાઉમાં એક દિવસ પહેલા જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. આ સિવાય અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઊઠ્યા હતા.

ભૂકંપના કારણે ગુજરાત હાઈ રિસ્ક ઝોનમાં
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. તેથી ગુજરાત હાઈ રિસ્ક ઝોનમાં છે. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને વર્ષ 2001માં જબરદસ્ત ધરતીકંપો આવ્યા છે. ગુજરાતમાં 2001નો કચ્છ ધરતીકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા.

ગુજરાતમાં 11 દિવસમાં ભૂકંપના 8 આંચકા અનુભવાયા
રાજ્યમાં છેલ્લાં 11 દિવસથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. વીતેલા 11 દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં કુલ 8 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ શુક્રવારે રાત્રે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ અગાઉ 7 વાર 3ની તીવ્રતાથી ઓછા આંચકા અનુભવાયા હતા, જેમાં કચ્છના ભચાઉમાં ગુરુવારે ભૂકંપ આવ્યો હતો, તેની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ સિવાય મોટા ભાગના આંચકા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ અનુભવાયા હતા. વીતેલા 11 દિવસની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ અમરેલીમાં 2.8ની તીવ્રતા, 4 ફેબ્રુઆરીએ અમરેલીમાં 3.2 અને ગોંડલમાં 2.5ની તીવ્રતા, 5 ફેબ્રુઆરીએ ભચાઉમાં 3.1ની તીવ્રતા, 6 ફેબ્રુઆરીએ અમરેલીમાં 3.2ની તીવ્રતા, 8 ફેબ્રુઆરીએ ભચાઉ-કચ્છમાં 3ની તીવ્રતા, 9 ફેબ્રુઆરીએ દુધઈ-કચ્છમાં 3ની તીવ્રતા અને કાલે 11 ફેબ્રુઆરીએ સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

Most Popular

To Top