સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં (Surat South Gujarat University) માસ્ક પહેર્યા વિના ગરબા રમવા મામલે સુરતના ઉમરા પોલીસ (Umara Police) સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાના પડઘાં રાજ્યભરમાં પડયા છે. ભાજપના જ વિદ્યાર્થી નેતાઓની પાંખ ABVP (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ) દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
આજે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં ABVP ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય.. પોલીસ કા એજન્ડા સાફ હૈ, ગરબા ખેલના પાપ હૈ.. જેવા નારા લાગ્યા હતા. યુનિવર્સિટીમાં કલાકરૂમ્સ બંધ કરાવવાનો પ્રયાસ પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને કલાસની બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસે બળપ્રયોગ કરવાનું ટાળ્યું હતું.
ABVP એ ગુજરાત યુનિવર્સિટીમાં આવેદન આપી સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જો તેમ નહીં થાય તો કોલેજ કેમ્પસ બંધ કરી દઈ રસ્તા પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરત પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરના ઘેરાવની પણ ચીમકી આપવામાં આવી છે.
આ તરફ અમદાવાદ પોલીસે સુરત જેવી સ્થિતિ ના ઉભી થાય એ માટે ABVPના કાર્યકરોની અટકાયત કરી નહોતી. ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી એ કેટલું યોગ્ય છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર થયેલા ઘર્ષણ આ મામલાને લઈને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને હવે આ સમગ્ર પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પોલીસને કોને કોલ કરી યુનિવર્સિટીમાં બોલાવ્યા હતા, તપાસનો વિષય
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના બાદ એ પ્રશ્ન ઉભો થયો છે કે આખરે પોલીસ યુનિવર્સિટીમાં કોના કહેવા પર ગઈ હતી? કંટ્રોલ રૂમમાં કોઈ કોલ આવ્યો નહોતો, ત્યારે પોલીસને યુનિવર્સિટીમાં ગરબા રમાતા હોવાની માહિતી ક્યાંથી મળી? શું કોઈ ખાનગી વ્યક્તિએ માહિતી આપી હતી. વળી, પોલીસે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતા પહેલાં યુનિવર્સિટીના સંચાલકોને જાણ કેમ કરી નહીં? તે પ્રશ્ન ઉઠ્યો છે. ખુદ કુલપતિએ એ સવાલ કર્યો છે કે, યુનિવર્સિટીમાં પ્રવેશતા પહેલાં અમારી સાથે પોલીસે વાત કરવી જોઈતી હતી. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે તેમાં એવા દ્રશ્યો જોવા મળે છે કે વિદ્યાર્થી નેતાઓ દ્વારા પોલીસને ઉશ્કેરવામાં આવી હતી, જેના લીધે મામલો બિચક્યો હતો એવું કહેવાય રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની આગ હવે રાજ્યમાં ફેલાઈ છે, ત્યારે ભાજપ હવે આ મામલે શું કરે છે તે જોવું રહ્યું!