ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી ટીમ ઈન્ડિયાનa સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. અહીં મંગળવારે સવારે કોહલી અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા. અહેવાલો અનુસાર પ્રેમાનંદ મહારાજે કોહલી અને અનુષ્કા સાથે લગભગ 15 મિનિટ સુધી વાત કરી હતી. જોકે, કોહલી આ આશ્રમમાં લગભગ 2 કલાક રોકાયો હતો.
આ પહેલી વાર નથી જ્યારે કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હોય. અગાઉ કપલ વર્ષ 2023 માં અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ વૃંદાવનની મુલાકાતે આવ્યું હતું.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વૃંદાવન મુલાકાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાવર કપલ એક કારમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ તરફ જઈ રહ્યાં છે. આશ્રમના સેવકો તેમને લઈ જઈ રહ્યાં છે.
કોહલીએ એક દિવસ અગાઉ સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી
વિરાટ કોહલીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી કુલ 14 વર્ષની હતી, જેમાં તેણે 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં 30 સદી સાથે 9230 રન બનાવ્યા હતા. 36 વર્ષીય વિરાટ કોહલી છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
કોહલીએ પોતાની પોસ્ટમાં શું લખ્યું?
વિરાટે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મેં 14 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરી હતી. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, તે સરળ નથી, પરંતુ હાલમાં તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને ટેકો આપનારા દરેકનો આભારી છું. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. તેણે આગળ પોતાનો ટેસ્ટ કેપ નંબર ‘269’ લખ્યો અને ‘સાઇનિંગ ઓફ’ લખ્યું.