કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા તે પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી તો ભારતના વડા પ્રધાન છે, પણ રાહુલ ગાંધી સરકારમાં કે કોંગ્રેસ પક્ષમાં પણ કોઈ હોદ્દા પર નથી. હવે તો તેઓ લોકસભાના સભ્ય પણ નથી. તેમ છતાં તેમણે રાહુલ ગાંધીને જે મહત્ત્વ આપ્યું તેની પાછળ અમેરિકાની ઊંડી ચાલ છે. તેમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધીને ખાનગીમાં વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યા અને અમેરિકાની વિદેશ નીતિ ઘડનારા ડોનાલ્ડ લુ સાથે તેમની મુલાકાત કરાવવામાં આવી તે ઘટના ભારત માટે બહુ મહત્ત્વ ધરાવે છે.
તેના થકી એવી માન્યતા ઊભી થઈ છે કે અમેરિકા મોદીને સંદેશો આપવા માગે છે કે જો તમે અમેરિકાના ઇશારા પર નહીં ચાલો તો અમે રાહુલ ગાંધીને મદદ કરીને તેમને ભારતના વડા પ્રધાન પણ બનાવી શકીએ છીએ. હકીકતમાં તેવું છે કે નહીં તે અલગ મુદ્દો છે. નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાની તાકાતને ઓછી આંકવી જોઈએ નહીં. અમેરિકા ભારત જેવા તાકાતવાન દેશમાં પણ સત્તાપલટો કરાવવાની તાકાત ધરાવે છે. તે માટે અમેરિકા મિડિયાથી લઈને તેની જાસૂસી સંસ્થાઓનો પણ ઉપયોગ કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે અમેરિકા ભારતમાં તેનાં હિતોની રક્ષા માટે મોદી સાથે સોદાબાજી કરી રહ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા ત્યારે કુલ ત્રણ અમેરિકન શહેરોની મુલાકાતે ગયા હતા. રાહુલે વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ વડાએ વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ અમેરિકી અધિકારી ડોનાલ્ડ લુ સાથે મુલાકાત કરી હતી. ડોનાલ્ડ લુ એ જ અધિકારી છે, જેમના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં ડોનાલ્ડ લુની ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથેની મુલાકાતના અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે.
ડોનાલ્ડ લુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ છે. જો કે રાહુલ ગાંધી માત્ર ડોનાલ્ડ લુને જ મળ્યા નથી, પરંતુ તેમણે એકેડેમિક, ટેક એક્સપર્ટ અને ઘણા થિંક-ટેંકર્સ સાથે પણ ચર્ચા કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી વ્હાઇટ હાઉસ ગયા હતા. પરંતુ કેટલાંક કારણોસર આ બેઠક ગુપ્ત રાખવામાં આવી હતી. તે સ્પષ્ટ થઈ ગયું છે કે યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે ભારતના કોઈ પણ વિપક્ષી નેતા માટે તેના દરવાજા બંધ કર્યા નથી.
વાસ્તવમાં ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે ઈમરાન ખાનની સરકાર પડી ત્યારે તેણે વિદેશી તાકાતો પર આરોપ મૂક્યો હતો. તેમણે તો એમ પણ કહ્યું કે અમેરિકાએ તેમની સરકારને પાડી દીધી છે. એટલું જ નહીં તેણે એક અધિકારીનું નામ પણ લીધું. ઈમરાન દ્વારા જે અધિકારીનું નામ આપવામાં આવ્યું હતું તે ડોનાલ્ડ લુ નું હતું. એવું કહેવાય છે કે ડોનાલ્ડ લુ દ્વારા ઈમરાનની સરકાર પાડી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે તેમને પાકિસ્તાનના રાજદૂત અસદ મજીદ દ્વારા ધમકીભર્યો સંદેશ આપવામાં આવ્યો છે અને તેમને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી છે.
સરકાર છોડ્યા બાદ ઇમરાને અમેરિકાને વિનંતી કરી હતી કે ડોનાલ્ડ લુને તેમના પદ પરથી હટાવવામાં આવે. જો કે, અમેરિકાએ તેમ કર્યું ન હતું અને સરકારને તોડી પાડવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. ડોનાલ્ડ લુ યુએસ સરકાર માટે કામ કરવાનો ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વિદેશ સેવા અધિકારી છે. તેઓ ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી ભારતમાં યુએસ મિશનના ડેપ્યુટી ચીફ રહી ચૂક્યા છે. ડોનાલ્ડ લુ દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતો પર સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ટોચના રાજદ્વારી છે. તેઓ કિર્ગિસ્તાન અને અલ્બેનિયામાં ભૂતપૂર્વ રાજદૂત પણ રહી ચૂક્યા છે.
ડોનાલ્ડ લુ બે અલગ-અલગ પ્રસંગોએ ભારતમાં યુએસ એમ્બેસીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ડોનાલ્ડ લુને સપ્ટેમ્બર ૨૦૨૧ માં દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના સહાયક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અલ્બેનિયામાં રાજદૂત બનતાં પહેલાં તેણે પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા પર પણ કામ કર્યું હતું. ડોનાલ્ડે ઇબોલા સામેની કાર્યવાહી પર સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કોઓર્ડિનેટર તરીકે સેવા આપી હતી. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી ડોનાલ્ડે બ્યુરો ઓફ યુરોપિયન અફેર્સ, મધ્ય એશિયન અને દક્ષિણ કોકસ અફેર્સ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૭૭ થી ૨૦૦૦ સુધી દિલ્હીમાં રાજકીય અધિકારી હતા. દિલ્હીમાં જ ડોનાલ્ડે ૧૯૯૬-૯૭ માં અમેરિકી રાજદૂતના વિશેષ સહાયક તરીકે સેવા આપી હતી.
રાહુલ ગાંધીએ તેમની મુલાકાત દરમિયાન કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં આયોજીત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે એનઆરઆઈના એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન ઘણા શિક્ષણવિદો તેમજ ટેકનિકલ નિષ્ણાતોને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતના લોકતંત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે ‘‘ભારતના લોકતંત્ર સાથે સમગ્ર વિશ્વનું જનહિત જોડાયેલું છે.
જો ભારતના લોકતંત્રનું વિઘટન થશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.’’ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતાં રાહુલ ગાંધીએ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે “તમે વિચારો ! જો તમે કાર ચલાવો છો તો તમે શું કરશો? કલ્પના કરો કે કાર ચલાવતી વખતે જો તમે ફક્ત પાછળના રેર વ્યુ મિરરમાં જોતા રહેશો, તો શું તમે વાહન ચલાવી શકશો? એક પછી એક અનેક અકસ્માતો થશે. અમેરિકાની ધરતી પરથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ લો. તેઓ ભારતીય કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પાછળના રેર વ્યુ મિરરમાં જોતા રહે છે.
ત્યારે તેમને સમજાતું નથી કે કાર સાથે અકસ્માત કેમ થઈ રહ્યો છે, કાર આગળ કેમ નથી વધી રહી? અને આ જ વિચાર ભાજપ અને આરએસએસનો છે. કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન ક્યારેય પણ ટ્રેન દુર્ઘટના માટે બ્રિટિશ રાજને જવાબદાર ઠેરવ્યું નથી. ભાજપ અને આરએસએસનાં લોકો આગળ જોઈ શકતાં નથી. જ્યારે પણ તમે તેને કંઈક પૂછો છો, ત્યારે તેઓ પાછળ જોશે.’’ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં ભારતની લોકશાહી અંગે આપેલાં નિવેદનો પર પલટવાર કર્યો છે.
તેમણે કહ્યું કે ‘‘રાહુલને આ આદત છે, જ્યારે પણ તેઓ બહાર જાય છે ત્યારે ભારતની ટીકા કરે છે, પરંતુ આ ન તો દેશના હિતમાં છે અને ન તો તેની વિશ્વસનીયતા માટે સારું છે. દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી.’’ આજકાલ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી રહી છે. એક તરફ અમેરિકા અને તેના સહયોગી દેશો છે તો બીજી તરફ રશિયા-ચીન અને તેના સહયોગી દેશો છે. બંને જૂથો ભારતને પોતાની તરફ ખેંચવાના તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ભારત જે તરફ ઢળશે તેનું પલ્લું ભારે થઈ જશે તે નક્કી છે. આ કારણે રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત પછી નરેન્દ્ર મોદીની મુલાકાતનું મહત્ત્વ બહુ વધી ગયું છે.