SURAT

જહાંગીરપુરામાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના: મંદિરમાં લગ્ન કર્યા બાદ સંબંધ તોડનાર પ્રેમિકાને પ્રેમીએ ચપ્પુ માર્યું

સુરત: શહેરમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. મંદિરમાં લગ્ન કર્યા બાદ પરિવારના દબાણથી સંબંધ તોડી નાંખી લગ્નને રજિસ્ટર્ડ નહીં કરાવનાર પ્રેમિકાને બાઈક પરથી રસ્તા પર પાડી દઈ ગુસ્સે ભરાયેલા પ્રેમીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા માર્યા છે. ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડાઈ છે. બીજી તરફ પ્રેમી વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટના શહેરના જહાંગીરપુરા વિસ્તારની છે. અહીં રહેતી એક યુવતી સોશિયલ મીડિયા મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. જહાંગીરાબાદ દાંડી રોડ પર મોરાભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં રેવા નગરમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગળ ખાંડા કુવા ખાતે રહેતા પ્રતીક પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચેની ફ્રેન્ડશીપ થોડા સમયમાં પ્રેમમાં પરિણમી હતી. બાદમાં બંનેએ એક મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવી લગ્ન કરી લીધા હતા. જ્યારે આ વાત યુવતીના માતા-પિતાને ખબર પડી તો તેઓએ વિરોધ કર્યો. તેઓને આ સંબંધ મંજૂરી નહોતો. તેથી તા. 9 માર્ચના રોજ પ્રેમિકાએ સંબંધ તોડી નાંખ્યા હતા. તે વાત પ્રતીકને ગમી ન હતી.

પ્રેમિકાએ સંબંધ તોડી નાંખ્યો તેની દાઝ રાખી ગઈ તા. 13 માર્ચના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં યુવતી મોપેડ પર મમ્મી અને ભાઈ સાથે ટ્યુશન જઈ રહી હતી ત્યારે પ્રતીક અન્ય બાઇક પર તેની પાસે આવ્યો હતો અને ગાળો બોલી બાઈક ઉભું રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ મોપેડ ઉભું ન રાખતા પ્રતિકે ચાલુ બાઇકે તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો પરંતુ આ હુમલામાં યુવતી બચી ગઈ હતી. જેથી ફરીથી પ્રતીકે તેની પાસે બાઈક લાવી ધક્કો મારી પાડી દીધી હતી. આ ઘટનામાં યુવતી, તેની માતા અને તેના ભાઈ ત્રણેય રસ્તા પર પટકાતા તેઓને ઇજાઓ પહોંચી હતી.

એટલું જ નહીં પરંતુ બાદમાં પ્રતીકે યુવતી પાસે જઈ ગાળો આપી ચપ્પુના ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. યુવતીની માતા વચ્ચે પડતા તેને પણ ચપ્પુનો એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી. યુવતીનું મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બનાવને પગલે આખરે યુવતીએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top