Science & Technology

પૃથ્વી બાદ હવે અંતરિક્ષમાં બેફામ કચરો ઠાલવતી માનવજાત

યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે 18 દેશોએ અવકાશમાં કચરો ફેલાવ્યો છે. અવકાશી કચરો આ સદીનો સૌથી મોટો પડકાર બની રહેશે. અત્યારે એ બાબતે ગંભીરતા નથી, પરંતુ એ લાંબા ગાળે માનવજાત માટે અનેક મુશ્કેલીઓ લાવશે.
દરેક માણસ દરરોજ પૃથ્વી પર સરેરાશ અડધો-પોણો કિલો કચરો ફેંકે છે. 2021માં 240 અબજ ટન કચરો એકઠો થયો હતો. દર વર્ષે કચરાનું ઉત્સર્જન ઘટવાને બદલે વધી રહ્યું છે. અંદાજ તો એવો પણ બાંધવામાં આવ્યો છે કે જો કચરાનું ઉત્સર્જન આ ઝડપે વધશે તો 2040 સુધીમાં વર્ષે 300થી 400 અબજ ટન કચરો પેદા થતો હશે. એમાંથી વળી, 33 ટકા કચરો એવો હોય છે કે જે રિસાઈકલ થતો નથી. પૃથ્વીના પટ ઉપર ક્યાંક ને ક્યાંક વેરાયેલો રહે છે.

સમુદ્રી કચરો પણ ભયજનક રીતે વધ્યો છે. સમુદ્રના પાણીમાં નાના-મોટા 6000 પ્લાસ્ટિકના ટુકડા તરી રહ્યા છે. પૃથ્વીની વસતિના પ્રમાણમાં જોઈએ તો દરેક વ્યક્તિએ સમુદ્રની સપાટી પર લગભગ 700થી 800 પ્લાસ્ટિકના ટુકડા વહેતા કર્યાં છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે માનવજાત સમુદ્રમાં ત્રણ લાખ ટન કચરો ઠાલવી ચૂકી છે. પૃથ્વી અને મહાસાગરોને ગંદા કર્યા પછી હવે વારો આવ્યો છે અંતરિક્ષનો. માનવજાત અવકાશમાં બેફામ કચરો ઠાલવી રહી છે. પૃથ્વી અને સમુદ્રની સરખામણીએ હજુ એ કચરાનો ગંજ બહુ વિશાળ નથી, પરંતુ એ ઢગલો માનવજાત માટે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ લઈને આવશે.

—-

યુનાઈટેડ નેશન્સની આઉટર સ્પેસ અફેર્સ એજન્સીએ અંતરિક્ષમાં ફેલાયેલા કચરાનો અહેવાલ આપ્યો. દુનિયાના 18 દેશોએ માત્ર મંગળ પર જ 7118 કિલો કચરો ઠાલવ્યો છે. અલગ અલગ 14 મિશન અંતર્ગત આ ચીજવસ્તુઓ મંગળ પર મોકલવામાં આવી હતી અને પછી ત્યાં જ પડી રહી હતી. ધાતુના ટુકડા, ખાસ પ્રકારનાં ચળકતાં કપડાં, કાચના ટુકડા, સ્પ્રિંગ, નટબોલ્ટ્સ, જાળી, પેરાશૂટ, લેન્ડિંગ મોડ્યુલ સહિતની કેટલીય વસ્તુઓ મંગળ પર રઝળતી છોડી દેવામાં આવી છે. મંગળ પર મોકલવામાં આવેલા યાનો મંગળ ઉપર ચક્કર લગાવીને અંતે કચરારૂપે મંગળની સપાટીમાં જઈ પડે છે. તે સિવાય જેટલા રોવર મંગળ સહિત કોઈ ગ્રહ પર પહોંચે તો એ લાંબા ગાળે કચરામાં જ પરિવર્તિત થાય છે. સેફ લેન્ડિંગ થાય તો એ સ્પેસ એજન્સીને ડેટા મોકલે છે ને જ્યારે નિષ્ક્રિય થાય ત્યારે કચરો બને છે. ક્રેશ લેન્ડિંગ થાય તો તરત જ કચરામાં ફેરવાય છે.

ચંદ્રની પણ આવી જ સ્થિતિ છે. માનવજાતે ચંદ્રની સપાટી પર પહેલી વખત 1969માં પગ મૂક્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ચંદ્રમાની ધરતી પર માનવજાતે 190 ટન કચરો ફેલાવ્યો છે. અમેરિકાએ ચંદ્રની સપાટી પર સૌથી વધુ કચરો વેર્યો છે. ચંદ્ર પર કચરાની 96 બેગ વિખરાયેલી છે, એમાંથી 51 બેગ એકલા અમેરિકાની છે. જે સ્થળે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને ઉતર્યા હતા તે સ્થળે જ 50 જેટલી ચીજવસ્તુઓ વેરાયેલી પડી છે. એમાં ટી.વી. કેમેરા, પાઈપ, ઢાંકણાં, કમરપટ્ટા, રિમોટ કંટ્રોલ, હથોડી, પક્કડ વગેરેનો સમાવેશ થાય છે. હજુ આ વર્ષે જ પૃથ્વી પર અવકાશમાં છોડાયેલો ત્રણ ટન કચરો ચંદ્રની સપાટી પર પડ્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી. 9300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે કચરો ચંદ્ર સાથે ટકરાય એવી દહેશત હતી.

અહેવાલનું માનીએ તો અવકાશમાં કચરો ફેલાવાની બાબતે રશિયા સૌથી આગળ છે. 70-75 વર્ષના અવકાશ મિશનો દરમિયાન રશિયાએ કચરાના 7032 ટુકડા અંતરિક્ષમાં વેર્યા છે. એમાં ઉપગ્રહોથી લઈને રોકેટ બોડી સહિતનો સમાવેશ થાય છે. બીજા ક્રમે રહેલા અમેરિકાએ 5216 ટુકડા અવકાશમાં છોડીને ગંદકી ફેલાવી છે. ચીને કચરાના 3854 ટુકડા સાથે અવકાશી કચરો ફેલાવતા દેશોના લિસ્ટમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. એ પછી 520 ટુકડા ફ્રાન્સે વેર્યા છે. 117 અવકાશી કચરાના ટુકડા સાથે જાપાન પાંચમા ક્રમે છે. વિવિધ મિશનોના કારણે ભારતે પણ સ્પેસ વેસ્ટમાં 114 ટુકડા ઉમેર્યા છે. નિષ્ક્રિય બનેલા ઉપગ્રહો, રોકેટ બૂસ્ટર્સ, વિવિધ અવકાશી ચીજવસ્તુઓ, પરીક્ષણો માટે વપરાતાં ઉપકરણો, અંતરિક્ષ યાત્રીઓનાં મળ-મૂત્ર અને એંઠવાડ વગેરે અવકાશમાં તરે છે.

આ કચરો વધતો રહે તો લાંબા ગાળે સક્રિય ઉપગ્રહો સાથે ટકરાઈ શકે છે. જો એવું કંઈ થાય તો કોઈ દેશના ઉપગ્રહો અચાનક બંધ થઈ શકે છે. હવે તો પૃથ્વીથી 550-600 કિલોમીટર દૂર નીચલી ભ્રમણકક્ષામાં સેટેલાઈટ ઈન્ટરનેટના ઉપગ્રહો પણ ઘૂમી રહ્યા છે. આ કચરો જો અંતરિક્ષની હિલચાલના કારણે નીચે આવીને આ ઉપગ્રહો સાથે ટકરાય તો સેટેલાઈટ ઈન્ટરનેટને ખોરવી શકે છે. આ અવકાશી કચરાનો ગંજ વિશાળ બનતો જાય અને ભવિષ્યમાં કોઈ અંતરિક્ષ યાનના માર્ગમાં અવરોધ ઊભો કરે કે ટકરાય તો એ યાન માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે. અત્યારે આપણને જે સર્વિસ સરળતાથી મળે છે એની પાછળ ઉપગ્રહોની ભૂમિકા બહુ જ મોટી છે. જીપીએસથી લઈને ટેલિવિઝન પ્રસારણ કે ઓટીટી પ્લેટફોર્મનો આધાર આ ઉપગ્રહો પર છે. અવકાશી કચરો અમર્યાદ રીતે ઠલવાતો રહે તો ભવિષ્યમાં આ બધી જ સર્વિસ પર કે પછી એકાદ-બે સર્વિસ પર તેની અસર થઈ શકે છે.


આ કચરા માટે માનવજાત સાવ બેપરવા છે એવું ય નથી. કેટલાંય સંશોધનો થઈ રહ્યાં છે. અંતરિક્ષમાં ઘૂમી રહેલા કચરાના ગંજનો નાશ કરવા માટે ઘણા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. પરંતુ એકેય ખાસ અસરકારક જણાતા નથી. કચરાનો નાશ અંતરિક્ષમાં જ કરવામાં આવે તો તેનાથી વળી વાયુ પ્રદૂષણ સહિતની બીજી સમસ્યા પણ સર્જાઈ શકે છે.
અવકાશી કચરાના કારણે પૃથ્વીની ઉપર રહેલા ઓઝોન વાયુના પડને નુકસાન થઈ રહ્યું હોવાનો અહેવાલ બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આપ્યો હતો. પૃથ્વીના પ્રદૂષણના કારણે પહેલેથી જ ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ચૂક્યું છે. હવે અવકાશી પ્રદૂષણના કારણે એ ગાબડું મોટું થાય તો માનવજાત માટે અસ્તિત્વનો જંગ બની જશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અવકાશી મિશનો વધી રહ્યાં છે ત્યારે અંતરિક્ષનો કચરો 21મી સદીમાં સૌથી મોટો પડકાર બની રહેશે.
– હરિત મુનશી

Most Popular

To Top