વાપી : વલસાડ (Valsad) જિલ્લાના વાપી (Vapi) તાલુકાના એક ગામમાં પતિથી (Husaband) અલગ પિયરમાં રહેતી પરિણીતાના બે બાળકોને પતિ લઈને જતો રહ્યો હતો, મોડી સાંજ સુધી રાહ જોયા બાદ પણ બાળકોને મૂકવા નહીં આવતા પરિણીતાએ બાળકોનો કબજો મેળવવા માટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ મેળવી હતી. અભયમે બંને બાળકોનું માતા સાથે સુખદ મિલન કરાવતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
- વાપીમાં પતિ બે બાળકોને લઈ જતો રહેતા અભયમે બંને બાળકોનો કબજો માતાને અપાવ્યો
- વ્યસન કરીને ઝઘડો કરતો હોવાથી પત્ની બાળકો સાથે 15 દિવસથી પિયરમાં રહેતી હતી
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિભાગના ઉપક્રમે 181 મહિલા અભયમ યોજનાની કામગીરીના ભાગરૂપે વાપીના એક ગામની પીડિતા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર મદદ અર્થે ફોન આવ્યો હતો. જેમાં પરિણીતાએ જણાવ્યું કે, તેઓ તેમના પતિ સાથે 10 વર્ષથી રહે છે. બે સંતાનમાં એક દીકરો અને દીકરી છે. પતિ વ્યસન કરતો હોવાથી ઘરમાં રોજે રોજ નાની નાની બાબતોમાં હસ્તક્ષેપ કરી ત્રાસ આપતો હતો. આ કારણે પત્ની 15 દિવસ અગાઉ બંને સંતાનને લઈને પિયર જતી રહી હતી. બાદમાં પતિ તેની પત્નીના પિયર પહોંચ્યો હતો. પિયર પહોંચતા પત્નીએ પતિને વ્યસન છોડી દેશો તો જ હું મારા બંને બાળકોને લઈને ઘરે આવીશ એમ કહ્યું હતું. તેમ છતાં પતિ બંને બાળકોને લઈને તેની પત્નીને પિયરમાં જ છોડી ઘરે ગયો હતો. મહિલાને એમ હતું કે, સાંજ સુધીમાં પતિ બાળકોને મૂકી જશે પરંતુ મોડી રાત સુધી બાળકો પરત નહીં આવતા પતિને ફોન કરતા તેણે કહ્યું કે, હું કોઈપણ સંજોગોમાં તને બાળકો આપવાનો નથી.
જેથી ચિંતિત બનેલી માતાએ બાળકોનો કબજો મેળવવા માટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી મદદ માંગી હતી. જેથી મહિલાએ જણાવેલા સરનામા પર વલસાડ 181 અભયમની ટીમ પહોંચી જઈ પતિ સાથે વાતચીત કરી હતી કે, બંને બાળકો નાના હોય તેઓને માતાની સૌથી વધુ જરૂર છે. એમ કહી કાયદાનું જ્ઞાન પણ કરાવ્યું હતું. બીજી તરફ બાળકોની સુરક્ષા માટે માતાએ નોકરી પર જવાનું પણ ટાળ્યું હતું. બાળકોને હવે નહીં લઈ જવા માટે પણ પતિને અભયમની ટીમે સમજાવ્યો હતો. પરિણીતા પોતાના ઘર સંસારને બચાવવા માટે તૈયાર હોવાથી અભયમને કહ્યું કે, પતિ વ્યસન છોડી દે તો હું ફરી સાસરે જવા માટે તૈયાર છું, પણ જયાં સુધી વ્યસન છોડે નહીં ત્યાં સુધી હું સાસરે નહીં જાઉં એમ કહેતા અભયમે માતા સાથે બંને બાળકોનું મિલન કરાવી તેમની ઈચ્છા મુજબ પિયર મોકલ્યા હતા. બાળકોનો કબજો મળતા માતાએ 181 વલસાડ ટીમનો ગદગદિત થઈ આભાર માન્યો હતો.