આમીરખાનની હીરો તરીકેની પહેલી ફિલ્મનો દિગ્દર્શક મનસૂરખાન હતો અને તે મનસૂરની પણ પહેલી જ ફિલ્મ હતી. ઘણા સ્ટાર્સ સફળ દિગ્દર્શકો સાથે કામ કરવામાં જ સલામતી જોતાં હોય છે પણ આમીરનું સાવ જૂદું છે, તેની ‘કયામત સે કયામત તક’ પછીની ‘રાખ’નો દિગ્દર્શક આદિત્ય ભટ્ટાચાર્ય હતો. (‘તીસરી કસમ’ થી માંડી ‘અનુભવ’, ‘આવિષ્કાર’, ‘ગૃહપ્રવેશ’ના દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યનો દિકરો) એજ માધુરી દિક્ષીત સાથેની ‘દિલ’ પણ દિગ્દર્શક ઈન્દ્રકુમારની પહેલીજ ફિલ્મ હતી. એજ રીતે ‘બાજી’ ફિલ્મ આશુતોષ ગોવારીકરની પહેલી જ ફિલ્મ છે જેની સાથે તેણે ‘લગાન’ બનાવી હતી. અરે ‘રંગીલા’ પણ રામગોપાલ વર્માની શરૂઆતની જ ફિલ્મ છે. આમીરની એ ખાસિયત છે કે જો એ દિગ્દર્શક પછી મોટો સફળ થઈ જાય તો એવો આગ્રહ ન રાખે કે તારે મને જ લઈને ફિલ્મો બનાવવી. બેઝીક્લી આમીરને એવા દિગ્દર્શક પસંદ પડે જે નવી વાર્તા, નવી સ્ટાઈલમાં વિશ્વાસ કરતા હોય અને ફિલ્મ પૂરી કરવામાં ખોટી ઊતાવળ ન કરતા હોય. આમીર પટકથા પર ખૂબ સમય લે અને દિગ્દર્શકને હંમેશ હાજર રાખે.
આમીરનો નવા દિગ્દર્શક પરનો ભરોસો ક્યારેય ઓછો નથી થયો. ધર્મેશ દર્શને દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ‘લૂટેરે’ બનાવેલી તે નિષ્ફળ રહેલી પણ પછી તરતજ આમીરખાન સાથે ‘રાજા હિન્દુસ્તાની’ બનાવેલી. હજુ આ દાખલામાં વિક્રમ ભટ્ટ છે જેણે આમીર સાથે ફિલ્મ કર્યા વિના સક્સેસ નહોતો થયો. આમીર અને રાની મુખરજીની ફિલ્મ ‘ગુલામ’ સેન્સેશન પૂરવાર થયેલી. ‘ગુલામ’ પછી ‘સરફરોશ’ પણ જ્હોન મેથ્યુ મથાનની પહેલી જ ફિલ્મ હતી. આમીરે જે દિગ્દર્શક સાથે બે-ચાર ફિલ્મો કરી તેમાં મનસૂરખાન, મહેશ ભટ્ટ, ઈન્દ્રકુમાર છે. આમીર પર એવા દિગ્દર્શક હંમેશ વિશ્વાસ કરે કે નવો વિષય હશે તો આમીર જ તે કરશે ને આમીરને શક્યતા લાગે તો પટકથા પર કામ કરાવે. ‘ફના’ ફિલ્મ વખતે કુણાલ કોહલી એક જ ફિલ્મનો દિગ્દર્શક હતો. ફરહાન અખ્તરની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે ‘દિલ ચાહતા હે’ જે આમીર સાથે છે. એ.આર.મુરુગાદોસ ‘ગજિની’ થી જ હિન્દી ફિલ્મોમાં ગોઠવાયો.
આવા નવા દિગ્દર્શકો તેની પર મોટો વિશ્વાસ કરે છે તેનું જાણીતું ઉદાહરણ રાજકુમાર હીરાની પણ કહેવાય જેમણે આમીર સાથે ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘પીકે’ બનાવી. બાકી વિજ્યક્રિષ્ન આચાર્ય છે જેની સાથે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ પહેલાંની ‘ધૂમ 3’ છે પણ ‘દિલ્હી બેલી’ માટે તેણે અભિનય દેવને દિગ્દર્શક તરીકે પસંદ કરેલો, ‘દિલ ધડકને દો’ ઝોયા અખ્તરના દિગ્દર્શનમાં બની છે. જેમ કાંઈ ખાસ કરવું છે તે આમીર પાસે આવે છે. આમીર એ વિષય કેટલો લોકપ્રિય બનશે તે પણ સુંથી લે અને તો જ તે તૈયાર થાય. નિતીશ તિવારી ‘દંગલ’ જેટલો સફળ નથી ગયો ને આમીરે તેમાં દિકરીઓના બાપ બનવાની ય તૈયારી બતાવી.
અત્યારે અદ્વૈત ચંદનને તેણે ‘લાલ સીંઘ ચટ્ટા’ નું દિગ્દર્શન સોંપ્યુ હતું. આ અદ્વૈતના દિગ્દર્શન વાળી ‘સિક્રેટ સુપર સ્ટાર ’ જબરદસ્ત સફળ રહી હતી. અદ્વૈત આમીર સાથે ‘તારે ઝમીં પર’ થી છે. તેનો તે આસિસ્ટન્ટ પ્રોડકશન મેનેજર હતો. પછી આમીરે કિરણ રાવના દિગ્દર્શનમાં ‘ધોબી ઘાટ’ બનાવેલી તેમાં તે સહાયક દિગ્દર્શક હતો. આમીરે જોયું કે અદ્વૈતમાં દિગ્દર્શક તરીકે ઘણી શકયતા છે અને ‘સિક્રેટ સુપરસ્ટાર’નું દિગ્દર્શન સોંપ્યું અને હવે ‘લાલ સીંઘ ચઢ્ઢા’નું ‘લાલ સીંઘ ચટ્ટાની પટકથા પણ અતુલ કુલકર્ણી પાસે લખાવડાવી છે. અતુલ તો અભિનેતા છે પણ આમીરે આઠ વર્ષ સાથે રહી પટકથા લખાવડાવી. આમીરે સફળતા પોતાની દૃષ્ટિથી કમાયેલી છે. તેમણે અનેક અભિનેતા – અભિનેત્રીને પણ તક આપી છે તે ચાહે દેવેન ભોજાણી હોય, આયેશા ઝુલકા હોય, રાની મુખરજી હોય કે નાગ ચૈતન્ય હોય. ‘લાલ સીંઘ ચઢ્ઢા’ પછી અદ્વૈત ચંદન ચર્ચામાં આવી જશે. જેમ ભૂતકાળમાં આસુતોષ ગોવારીકર, ઈન્દ્રકુમાર, જ્હોન મેથ્યુ મેનન આવેલા. આમીર સ્વયં એક ઈન્ડસ્ટ્રી છે જે ઘણી ટેલેન્ટને સર્જે છે. •