હમણાં જ એક વીડિયો પ્રકાશમાં આવ્યો કે જેમાં એક ઘરડાં સાસુને વહુ દ્વારા મારવામાં આવે છે. એ વીડિયો જોઈને એવું લાગે છે કે વહુ સાસુથી ખૂબ જ કંટાળી ગઈ હોય અને એનું બધું જ ખુન્નસ સાસુજી પર ઉતારતાં હોય એમ જોઈ શકાય છે. આપણી અસલ પરંપરાઓનું વિશ્વ ખૂબ જ લાંબી ગણતરીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. આજથી બે થી ત્રણ દાયકા પહેલાં સાસુજી દ્વારા વહુ પર એકહથ્થુ શાસનના કિસ્સા સાંભળવામાં અને ફિલ્મોમાં જોયા પણ છે.
આ બેઉ જ પરિસ્થિતિ કુટુંબવ્યવસ્થાની અસમતુલા તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ પરિપ્રેક્ષ્યને પહેલાંની સ્થાપિત થયેલી પરંપરા સાથે સરખામણી કરીએ તો પહેલાં સામાન્ય રીતે સંયુક્ત કુટુંબવ્યવસ્થા હતી અને સાથે ઘરમાં એક વડીલ તરીકે સાસુનો દરજ્જો સર્વોચ્ચ રાખવામાં આવતો અને જ્યારે એ કુટુંબવ્યવસ્થામાં ઘરમાં નવી વહુનો પ્રવેશ થતો ત્યારે એ વહુએ ઘરમાં સાસુ દ્વારા સ્થાપિત પ્રથાઓને અપનાવવાની રહેતી.
સાસુજીનો ત્રાસ મરતબો, ઘરના નીતિનિયમો અને ઘરનાં વડીલોનું માનસન્માન જાળવવાનું રહેતું. એ નવી આવનારી વહુ પોતાની જાતને નવી ઘરની વ્યવસ્થાઓમાં ઢાળી દેતી અને સમયાંતરે જ્યારે એ વહુને સાસુપદ નીભાવવાનું આવતું ત્યારે એ પદ બેખૂબી નિભાવી શકતી અને આમ આવી સંતુલન સાથેની પરંપરા ચાલતી રહેતી પરંતુ જ્યારથી પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીસ્વાતંત્ર્યનાં નબળાં પાસાંઓનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી અસંતુલન થયું અને આવા પ્રસંગો સમાજ સામે આવવા લાગ્યા. આ દૂષણોના નિરાકરણ માટે સંતુલિત કૌટુંબિક પ્રણાલિકા જ શ્રેષ્ઠ ઉપાય છે. સુરત – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.