નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) NDTV મીડિયા ગ્રુપમાં (Media Group) 29.18% હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અદાણી ગ્રૂપની મીડિયા કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ પરોક્ષ રીતે NDTVમાં 29.18 ટકા હિસ્સો ખરીદશે. AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપાદન કરવામાં આવશે. AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝની માલિકીની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અદાણી ગ્રૂપે વધુ હિસ્સો લેવા માટે પણ એક ઓપન ઓફર પણ રજૂ કરી છે. આ એક્વિઝિશન વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) દ્વારા કરવામાં આવશે, જે AMNL (AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ)ની સંપૂર્ણ પેટાકંપની છે. આ અંગેની જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે.
આ મામલે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, VCPL પાસે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 99.5% હિસ્સો ખરીદવાનો અધિકાર હતો. આ સત્તા હેઠળ આ હિસ્સો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મળી આવી છે કે VPCL 26% થી વધુ હિસ્સો લઈ રહી છે, તેથી તેણે સેબીના ધોરણો મુજબ ઓપન ઓફર કરવી પડશે. AMNLના CEO સંજય પુગલિયાએ આ મામલે કહ્યું છે કે આ અધિગ્રહણ નવા યુગના મીડિયા પ્લેટફોર્મના માર્ગમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
જણાવી દઈએ કે અદાણી ગ્રુપ તરફથી NDTVને ખરીદવાનો ચર્ચા અગાઉથી જ શરૂ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ‘ધ ક્વિન્ટ’માં એડિટોરિયલ ડાયરેક્ટર રહી ચુકેલા સંજય પુગલિયા ‘અદાણી એન્ટરપ્રાઈઝ’ના મીડિયા ઈનિશિએટિવ્સમાં CEOની સાથે સાથે મુખ્ય સંપાદક તરીકે પસંદ થયા હતા ત્યારથી અદાણી કંપનીની NDTV સાથેની ડીલ અંગેની અટકળોએ જોર પકડયુ હતું. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુગલિયાએ લેટર જાહેર કરી જણાવ્યું હતું કે NDTV ભારતની ત્રણ સૌથી મોટ ચેનલ્સમાંથી એક છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોપ્યુલર છે.
બ્લૂમબર્ગ પાસેથી મેળવેલા ડેટાના આઘારે જાણકારી મળી આવી છે કે ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડમાં 32 કરતાં પણ વઘુ ડીલો કરી છે. આ ઉપરાંત અદાણી ગ્રુપનો એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી. મળતી માહિતી મુજબ વર્તમાનમાં ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 8 લાખ કરોડ રૂપિયા છે. NDTV સાથેની ડિલ પહેલા અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સીમેન્ટ કંપની હોલસિમ પાસેથી લગભગ 81 હજાર કરોડ રૂપિયામાં અંબુજા અને ACC સીમેન્ટ કંપનીમાં પોતાની ભાગીદારી દાખવી હતી.