એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ હાલમાં જ મહિધરપુરામાં ફરી જીવંત થયેલી ઘીસ સ્પર્ધા છે. ગુનેગારોને એકત્ર કરી તેમને વોર્નિંગ આપી રહ્યા છે. આ નવો પ્રયોગ સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાઇ રહ્યો છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસની આ સુધરેલી છાપ ખરડી રહ્યા છે. ગઇકાલે આવી જ એક ઘટના અડાજણ પોલીસ સ્ટેશનમાં બની હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી માન દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પીપરિયાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને દોઢ કલાક સુધી પોલીસમથક માથે લીધું હતું.
મળતી માહિતી મુજબ વર્દીના રોફમાં દારૂ પીને પીએસઆઇ ભાન ભૂલીને શહેરના પોલીસ વિભાગ ઉપર લાંછન લગાવતો વિડીયો વાયરલ થયો છે. શહેર પોલીસમાં ઉચ્ચ અધિકારીઓનો કોઇ ડર નહીં હોય એ રીતે આ પીએસઆઇ હાર્દિક પીપરિયા દ્વારા યુવાનોને ફટકારીને તેમના અધિકારીઓ વિશે અપશબ્દ બોલતાં આ આખું પ્રકરણ ખૂબ વાયરલ થયું છે. પાલ મામાની વાડીમાં પીધ્ધડ પીએસઆઇએ અડાજણ પોલીસમથકને માથે લીધું હતું. અલબત્ત, નશામાં ચકચૂર સલાબતપુરાનો માન દરવાજા ચોકીને હાર્દિક પીપરિયા નામના પીએસઆઇએ મામાની વાડીમાં ભીખારીને ફટકારતાં ત્યાં ઊભેલા યુવાનોએ આમ નહીં કરવાનું જણાવતાં આ પીસેઆઇ મહોદય હાર્દિક પીપરિયાએ આ યુવકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
દરમિયાન પીએસઆઇએ યુવાનને ફટકારતાં ત્યાં ઊભેલા અન્ય યુવાનો એકત્રિત થયા હતા. ત્યાં પીએસઆઇ હાર્દિક પીપરિયા પીસીઆર અડાજણ પીસીઆર વાનમાં લઇ ગયા હતા. દરમિયાન પીસીઆર વાનમાં આ પીધ્ધડ પીએસઆઇએ વર્દી પહેરી અડાજણ પોલીસમાં તોફાન મચાવ્યું હતું. તેમાં ડીસીપીથી લઇ અન્ય ઉચ્ચ અધિકારીઓ વિશે અપશબ્દોનો વિડીયો વાયરલ થયો હતો. આ ઉપરાંત માન દરવાજા ચોકીના પીઆઇએ તેમના એક ફોનથી ટપોરીને અડાજણ પોલીસમથકમાં બોલાવીને ગંદી માનસિકતા છતી કરી હતી. અલબત્ત, સ્થળ પર હાજર પીએસઆઇએ તેમનો પોલીસ ન ફસાય એ માટે બે પાર્ટી વચ્ચે સમાધાન કરાવી લીધું હતું. આ મામલો કમિ. અજય તોમર સુધી પહોંચ્યો છે. કમિ. અજય તોમરે આ મામલે એડિ. કમિ. સિંગલને તપાસ સોંપી હોવાની વિગત જાણવા મળી છે.
સલાબતપુરા પીએસઆઈ હાર્દિક પીપરિયાએ શું પરાક્રમ કર્યુ?
— નશાની ચકચૂર હાલતમાં મામાની વાડીમાં ભીખારી ભીખ માંગવા આવતાં તેને ફટકારી લીધો હતો– યુવાનોએ આમ નહીં કરવા જણાવતાં એક યુવાનને પણ તેણે ફટકાર્યો હતો.– ભગવાનની વાડી પાસેના આ યુવાનો બાદમાં એકત્રિત થયા હતા.– આટલું ઓછું હોય તેમ આ યુવાનને અડાજણ પીસીઆર વાન ઊંચકીને લઇ ગઇ હતી.– અડાજણ પોલીસ મથકમાં મામલાની ભાળ મળતાં સ્થળ પર હાજર પીએસઆઇએ મામલો પતાવીને બે પક્ષે સમાધાન કરાવ્યું હતું.– તેમાં નશામાં ચકચૂર પીએસઆઇએ ઉચ્ચ અધિકારીઓ વિશે અપશબ્દો બોલતો હોય તેવા વિડીયો વાયરલ થયો છે.– આ મામલે પીએસઆઇ હાર્દિક પીપરિયા ભાઇલોગ હોય તેમ એક ફોનથી અન્ય તોફાની તત્ત્વો અડાજણ પોલીસમથકમાં આવી ગયા હતા.– સ્થળ પર હાજર લોકોને ગંદી ગાળો આપતો વિડીયો વાયરલ થતાં વર્દીની આડમાં છુપાયેલી ગંદી માનસિકતા ખુલ્લી થઇ ગઇ હતી.
શું કહે છે કમિ. અજય તોમર
કમિ. અજય તોમર કહે છે કે, આ મામલો ગંભીર છે. હાલમાં ઇન્કવાયરી આપવામાં આવી છે. ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.