National

પૂર્વ CM દિગ્વિજય સિંહની કારે યુવકને ટક્કર મારી

નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે (Car) બાઇક (Bike) સવારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઇક સવાર યુવક 10 ફૂટ દૂર જઈને પોલ સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માતના કારણે યુવકના માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો જો કે તેની ઈજા ગંભીર હોવાથી ભોપાલ (Bhopal) રિફર કરવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ગુરુવારે રાજગઢ જિલ્લાના કોડક્યા ગામમાં કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષને મળ્યા બાદ રાજગઢ જવા રવાના થઈ રહ્યા હતા. તે જ સમયે બપોરના 2.30 વાગ્યાના સમયે ઝીરાપુર નજીક વિજય કોન્વેન્ટ સ્કૂલની સામે એક બાઇક સવાર પૂર્વ મુખ્યમંત્રીની કાળા કલરની ફોર્ચ્યુનર કાર સામે આવ્યો હતો. ફોર્ચ્યુનર સાથે બાઇક એટલી ઝડપે અથડાઈ હતી કે યુવક બાઈક પરથી ઉછળીને 10 ફૂટ દૂર એક પોલ સાથે અથડાયો. આ ઘટના પછી કારમાં બેઠેલા દિગ્વિજય સિંહ કારમાંથી નીચે ઉતર્યા અને ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જે બાદ ડોક્ટરોએ યુવકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યાંથી તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઘાયલ યુવક 20 વર્ષનો રામબાબુ બાગરી છે, જે પરવલિયાનો રહેવાસી છે.

અકસ્માત પછી દિગ્વિજય સિંહે કહ્યું કે ભગવાનની કૃપાથી યુવકને વધારે ઈજા થઈ નથી, તેની હાલત હાલ સ્થિર છે. હું તેની સંપૂર્ણ સારવારની વ્યવસ્થા કરીશ. જણાવવામાં આવી રહ્યું છે કે દિગ્વિજય સિંહે ખુદ પોલીસકર્મીઓને કહ્યું કે મારી કાર જપ્ત કરો અને ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરો. આ પછી કારને ઝીરાપુર પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવી અને દિગ્વિજય સિંહ રાજગઢ ધારાસભ્યની કારમાં રાજગઢ જવા રવાના થયા હતા.

Most Popular

To Top