સુરત: સુરતના (Surat) નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં એકની પાછળ એક એમ 10 વાહનો ટકરાયા હતા. એકસાથે 10 વાહનોનો અકસ્માત થતા રાત્રે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અથડાયેલા વાહનોમાં 4 લક્ઝરી બસ, 2 ટ્રક અને 4 કાર સામેલ હતી. આ અકસ્માતમાં વાહન ચાલકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તથા ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી.
આ અકસ્માત લગભગ રાત્રીના 12 વાગ્યાની આસપાસ થયો હતો. લક્ઝરી બસના ચાલકે કોઈ કારણોસર બ્રેક મારતા તેની પાછળ દોડતા 9 વાહનો ધડાધડ એકબીજાની પાછળ ટકરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોની લાંબી લાઈન હાઈવે પર લાગી ગઈ હતી. બસ અને ટ્રકની વચ્ચે કાર અથડાઈ તેને ભારે નુકસાન થયું હતું. અકસ્માત જોવા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, તેના પગલે હાઈવે પર અડધી રાત્રે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતની માહિતી મળતા કોસંબા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અન્ય વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જોકે, વાહનોને મોટું નુકસાન થયું હતું.
ઝઘડિયાના ખડોલી નજીક હાઇવાએ અડફેટે લેતાં બાઇકચાલકનું મોત
ઝઘડિયા: ઝઘડિયાના ખડોલી નજીક એક હાઇવાની અડફેટે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ભાલોદ નજીકના રૂંઢ ગામના 33 વર્ષીય નિલેશ ગણપત મકવાણા ગતરોજ તા. 13મીએ સવારના દસેક વાગ્યાના અરસામાં ઝઘડિયાથી પોતાનું કામ પતાવી ઘરે પરત જવા રાજપારડી તરફ મોટર સાઇકલ લઇને જઇ રહ્યા હતા. ત્યારે ખડોલી ગામ નજીક રાજપારડી તરફથી આવી રહેલા એક હાઇવાએ તેમની મોટરસાઇકલને ટક્કર મારતાં નિલેશભાઇ મોટરસાઇકલ સાથે રોડ ઉપર પડી ગયા હતા.
આ ઘટનામાં નિલેશભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની પાછળ આવી રહેલા તેમની સાથે નોકરી કરતા ભાલોદના મિતેશભાઇ પટેલે આ હાઇવા ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ સુનીલ સવજીભાઇ વસાવા (રહે.,રાજપારડી) હોવાનું જણાવ્યું હતું. રાજપારડી પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત નિલેશભાઇને અવિધા સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં બપોરના બે વાગ્યાના સમયે ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત નિલેશભાઇને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સંદર્ભે મિતેશભાઇ મહેશભાઇ પટેલ (રહે.,ભાલોદ, તા.ઝઘડિયા)એ રાજપારડી પોલીસમાં હાઇવા ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.