સુરત(Surat) : શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં ગોવર્ધન હવેલી નજીક રોડ અકસ્માતમાં (Accident) યુવતીના પગમાં બાઈકનાં કલ્ચનો દંડો ઘુસી ગયો હતો. યુવતીને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બહેનપણી સાથે ફરવા નીકળેલા એમટીબી કોલેજના વિદ્યાર્થીની બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. બાઇક ચાલક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઇ છે.
ઉત્તમ હીરાભાઈ વાળા એ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થી છે અને એમટીબી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આજે ફ્રેન્ડ સાથે વેસુ ગોવર્ધન હવેલી ફરવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. 108ની મદદથી બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. હાલ બંન્નેની હાલત સુધારા પર છે. યુવતી એ જણાવ્યું હતું કે તે ડાયમંડની ફેક્ટરીમાં નોકરી કરે છે.
ડોક્ટરોએ કહ્યું હતું કે યુવતીના ઘૂંટણની પાછળ બાઇકના કલચનો દંડો ઘુસી ગયો હતો. કલચના દંડા સાથે જ યુવતીને સિવિલ લાવવામાં આવી હતી. હાલ લોખંડનો દંડો કાઢી લેવાયો છે. જોકે ઓપન ફેક્ચર હોય એમ લાગે છે. યુવતીને દાખલ કરવી પડશે એ વાત પાક્કી છે. જયારે યુવકને સામાન્ય ઇજા છે. બંન્નેના પરિવાર ને જાણ કરી દેવામાં આવી છે.