વાપી : વાપીના (Vapi) પ્રમુખ રેસિડન્સીમાં આઈ-૨૦૧માં રહેતા પ્રવિણભાઈ લાલજીભાઈ જોઈસર પોતાની પત્ની નીતાબેન સાથે ઘરનો સામાન લઈને દમણથી (Daman) વાપી તરફ જતા રસ્તા (Road) પર રસ્તાની કિનારે ચાલીને ઘરે જતા હતા. તે દરમિયાન દમણ તરફથી એક એક કાળા કલરની કારે નીતાબેનને અડફેટે લેતા રસ્તાની બાજુમાં તે પડી ગયા હતા.
તેમને પગમાં તથા હાથમાં ઈજા થઈ હતી. જમણા પગમાં ઈજાને કારણે ફેકચર થયું હતું. કાર ચાલક પુર ઝડપે અકસ્માત કર્યા બાદ ભાગી છૂટયો હતો. પ્રવિણભાઈએ તેમની સોસાયટીમાં રહેતા મહારાજા ટંડનની કારમાં નીતાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. વાપી ટાઉન પોલીસમાં અકસ્માત અંગે ફરિયાદ આપતા અજાણ્યા ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વ્યારા ચીખલવાવ ગામ પાસે ઈકોની અડફેટે આવેલ એક્ટિવા સવારનું મોત
વ્યારા: વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે પેટકી ફળિયામાં રહેતા રવિન્દ્રભાઈ મનુભાઈ ગામીત ગત તા. 27/10/2022ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા ગાડી લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારા- માંડવી રોડ પર ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડી નં.જીજે 26 એબી 2716ના ચાલકે આ એક્ટિવાને અડફેટે લીધી હતી. જો કે સારવાર દરમિયાન એક્ટિવા સવારનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત કરી ઈકો ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ એક્ટિવા સવાર ઇજાગ્રસ્ત રવિન્દ્રભાઈ મનુભાઈ ગામીત ઉ.વ.61ને માથા તેમજ ડાબા પગે ગંભીર ઈજા થઈ હોય પ્રાથમિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. હાલત ગંભીર હોવાથી ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન રવિન્દ્ર ગામીતનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પ્રિયંકાબેન પરમારે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ઝીરો નંબરથી ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.